Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'જાતિ આધારિત કામના વિભાજન પર રોક લગાવો': સુપ્રીમ કોર્ટે ત્રણ મહિનાની અંદર...

    ‘જાતિ આધારિત કામના વિભાજન પર રોક લગાવો’: સુપ્રીમ કોર્ટે ત્રણ મહિનાની અંદર જેલ મેન્યુઅલમાં સંશોધન કરવાનો આપ્યો આદેશ, જાણો શું છે કેસ

    કોર્ટે કહ્યું કે, "આવી બધી જાતિ આધારિત જોગવાઈઓ ગેરબંધારણીય માનવામાં આવે છે. તમામ રાજ્યોને ચુકાદા અનુસાર ફેરફારો કરવા માટે નિર્દેશિત આપવામાં આવે છે." કોર્ટે દોષિત અને અન્ડરટ્રાયલ રજિસ્ટરમાં જાતિ કૉલમ કાઢી નાખવાનો પણ આદેશ આપ્યો હતો.

    - Advertisement -

    ભારતની સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં 4 ઑક્ટોબરે જેલોમાં જાતિગત ભેદભાવ ગેરબંધારણીય ગણાવ્યો હતો, તથા અનેક રાજ્યોની જેલ માર્ગદર્શિકાઓમાંની જોગવાઈઓને ફગાવી દીધી હતી જેમાં કેદીઓને તેમની જાતિના આધારે કામો સોંપવામાં આવવાના નિયમો હતા. સુપ્રીમ કોર્ટે જેલ મેન્યુઅલમાંથી જાતિગત ભેદભાવને વધારે તેવા નિયમો હટાવવા માટેના નિર્દેશો આપ્યા છે. આ ઉપરાંત કેટલાક રાજ્યોને નિર્દેશ અપાયા છે કે, જેલમાં જાતિ આધારીક કામની વહેંચણી ન કરવામાં આવે. પત્રકાર સુકન્યા શાંતાએ આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને ત્યારબાદ આ મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે.

    તેમના એક રિપોર્ટ અનુસાર, ઘણા રાજ્યોનું જેલ મેન્યુઅલ જાતિના આધારે તથા ભેદભાવને પ્રોત્સાહન આપતું હતું. આ ભેદભાવો ઉજાગર કરતી અરજી તેમણે સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જે અરજીમાં કહેવાયું હતું કે, ઘણા રાજ્યોની જેલની અંદર જાતિના આધારે કામોની વહેંચણી કરવામાં આવે છે. તથા કેદી કઈ બેરેકમાં રહેશે એ પણ તેમની જાતિના આધારે જ નક્કી કરવામાં આવે છે. જેલ મેન્યુઅલ મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે.

    ‘સ્વતંત્રતાના 75 વર્ષ બાદ પણ જાતિગત ભેદભાવનો કલંક દૂર ન કરી શક્યા’- કોર્ટ

    ત્યારે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી દરમિયાન જાતિગત ભેદભાવને પ્રોત્સાહન આપતી જોગવાઈઓ ફગાવી દીધી હતી. તથા કોર્ટે આગામી 3 મહિનાની અંદર કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારોને જેલ માર્ગદર્શિકામાં સુધારા કરવા અને ભેદભાવ દર્શાવતી જોગવાઈઓ દૂર કરવા નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘સ્વતંત્રતાના 75થી વધુ વર્ષો બાદ પણ આપણે જાતિગત ભેદભાવના કલંકને દૂર નહીં કરી શક્યા. આપણે ન્યાય અને સમાનતા માટે એક રાષ્ટ્રીય દ્રષ્ટિકોણની જરૂર છે, જેમાં તમામ નાગરિકો સામેલ હોય.” અરજદાર દ્વારા અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, જેલની માર્ગદર્શિકાઓ બંધારણની કલમ 14, 15, 17, 21 અને 23નું ઉલ્લંઘન કરતી હતી.

    - Advertisement -

    પત્રકાર સુકન્યાએ કરેલી અરજીમાં તેમણે એવી દલીલો કરી હતી કે, ઘણી જેલોમાં આદિજાતિના કેદીઓને ‘રીઢા ગુનેગાર’ તરીકે ગણવામાં આવે છે. ઘણી જેલોમાં રસોઈ માટે ‘ઉચ્ચ જાતિના’કેદીઓ જ હોવા જોઈએ એવા નિયમ છે. આ સિવાય કોઈ ઉચ્ચ જાતિના વ્યક્તિને કોઈ રસોઈ કામ કરતા કેદી સાથે વાંધો હોય તો તેના માટે નવા રસોઈયા મુકવામાં આવશે તેવા પણ નિયમ હતા.

    આ પ્રકારની જોગવાઈઓ કર્ણાટક, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ સહિતના 11 રાજ્યોમાં હતી. જે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. અરજીમાં સુકન્યા શાંતાએ કહ્યું હતું કે, બ્રિટિશકાળથી આવી જોગવાઈઓ છે. તેમણે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે, બ્રિટિશ શાસનના સમયથી ચાલી આવતી આવી જોગવાઈ સ્વતંત્ર ભારતમાં શા માટે ચાલુ રહી?

    ‘દરેક જન્મથી સમાન, જાતિના આધારે કોઈ કલંક ના હોય શકે’- કોર્ટ

    આ અંગે સુનાવણી કરી રહેલ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની જસ્ટિસ જે બી પારડીવાલા, અને જસ્ટિસ મનોજ મિશ્રા સહિત ત્રણ ન્યાયાધીશોની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે, આવી પ્રથાઓ બંધારણની કલમ 15નું ઉલ્લંઘન કરે છે, જે ધર્મ, જાતિ, જાતિ, લિંગ અથવા જન્મ સ્થળના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે. કોર્ટે તેને ‘દુઃખદ’ ગણાવ્યું કે, આઝાદીના 75 વર્ષ પછી પણ સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળી રહ્યો છે.

    કોર્ટે કહ્યું હતું કે, “દરેક જન્મથી જ સમાન છે. જાતિના આધારે કોઈ કલંક ન હોઈ શકે.” ઉપરાંત સર્વોચ્ચ અદાલતે રાજ્યોને ત્રણ મહિનાની અંદર તેમની જેલ મેન્યુઅલમાં સુધારો કરવાનો આદેશ આપ્યો હતો. આગળ કોર્ટે કહ્યું કે, “ઉચ્ચ જાતિઓ માટે રસોઈ આરક્ષિત કરતી વખતે હાંસિયામાં ધકેલાઈ ગયેલી જાતિઓને સફાઈ અને ઝાડુ જેવા સામાન્ય કાર્યો સોંપવા એ બંધારણનું ઉલ્લંઘન છે.” બેન્ચે આગળ કહ્યું કે, “તમામ જાતિના કેદીઓને જેલમાં કામની યોગ્ય વહેંચણી થવી જોઈએ, તે તેમનો અધિકાર છે.”

    આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “તેમની (કેદીઓ) સાથે માનવીય રીતે અને ક્રૂરતા વિના વ્યવહાર કરવામાં આવવો જોઈએ. પોલીસ અધિકારીઓ અને જેલ અધિકારીઓ કેદીઓ સામે કોઈપણ અપ્રમાણસર પગલાં લઈ શકતા નથી. જેલ તંત્રએ કેદીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.”

    સુપ્રીમ કોર્ટે કહ્યું, “કલમ 23(1) સામાજિક અને આર્થિક શોષણ સામે અમલ કરી શકાય તેવા મૂળભૂત અધિકાર પ્રદાન કરે છે. તેનો હેતુ માનવ તસ્કરી, ‘ભિખારી’, અને ‘જબરન મજૂરીના સ્વરૂપો’ ને પ્રતિબંધિત કરવાનો છે. કલમ 15(2) અને 17ની જેમ, તે રાજ્ય અને બિન-રાજ્ય બાબતો બંને સામે લાગુ કરવા યોગ્ય છે.” કોર્ટે આગળ કહ્યું કે, “કલમ 23 નો વ્યાપક અવકાશ એવી પ્રથાઓને પડકારવા માટે આગ્રહ કરે છે, જ્યાં બિલકુલ વેતન ચૂકવવામાં આવતું નથી, લઘુત્તમ વેતનની ચૂકવણી થતી નથી અને કામદારો માટે સામાજિક સુરક્ષાના પગલાં અપનાવવામાં આવતા નથી.”

    ઉપરાંત કોર્ટે કહ્યું કે, “આવી બધી જાતિ આધારિત જોગવાઈઓ ગેરબંધારણીય માનવામાં આવે છે. તમામ રાજ્યોને ચુકાદા અનુસાર ફેરફારો કરવા માટે નિર્દેશિત આપવામાં આવે છે.” કોર્ટે દોષિત અને અન્ડરટ્રાયલ રજિસ્ટરમાં જાતિ કૉલમ કાઢી નાખવાનો પણ આદેશ આપ્યો હતો. સાથે કોર્ટે નિર્દેશિત કર્યું કે, જેલ માર્ગદર્શિકાઓમાં રીઢો ગુનેગારોના સંદર્ભો જાતિ અથવા જનજાતિના સંદર્ભ વિના, કાયદાકીય વ્યાખ્યાઓ પર આધારિત હોવા જોઈએ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં