Sunday, July 21, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટશિવસેનામાં શિંદે જ સુપ્રિમ: મહારાષ્ટ્રના રાજકારણના ઇતિહાસનો સૌથી મહત્વનો ચુકાદો આવી ગયો;...

  શિવસેનામાં શિંદે જ સુપ્રિમ: મહારાષ્ટ્રના રાજકારણના ઇતિહાસનો સૌથી મહત્વનો ચુકાદો આવી ગયો; ગત વર્ષના બળવા પર ઉચ્ચતમ ન્યાયાલયની મહોર

  આ સમગ્ર ઘટનાક્રમ ગયા વર્ષે શરુ થયો હતો જ્યારે શિવસેનાના મહત્વના અને વરિષ્ઠ નેતા એકનાથ શિંદે પોતાના કેટલાક વિશ્વાસુ વિધાનસભ્યોને લઈને અચાનક એક રાત્રે સુરત પહોંચી ગયા હતાં. આજે સુપ્રિમ કોર્ટે સરકારને બહાલ કરી છે.

  - Advertisement -

  મહિનાઓની કાયદાકીય લડાઈ બાદ સુપ્રિમ કોર્ટે છેવટે શિવસેનાના ભવિષ્ય અંગે પોતાનો ચુકાદો આપી દીધો છે. થોડા સમય અગાઉ જ આપેલા ચુકાદા અનુસાર સુપ્રિમ કોર્ટે એકનાથ શિંદેની આગેવાનીમાં ચાલી રહેલી સરકારને બહાલ રાખી છે. સુપ્રિમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા કરવામાં આવેલી અરજીને પણ કાઢી નાખી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની સરકારને પુનઃસ્થાપિત કરવામાં આવે કારણકે કોર્ટ અનુસાર ઉદ્ધવ ઠાકરે પહેલેથી જ રાજીનામું આપી ચુક્યા હતા આથી તેમને પુનઃ બહાલ ન કરી શકે. આ ઉપરાંત કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા સ્પિકરને પણ કયા ધારાસભ્યને લાયક કે ગેરલાયક ઠેરવવા તે અંગે એક ચોક્કસ સમયમાં નિર્ણય લેવાનું પણ કહ્યું છે.

  સુપ્રિમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે શિંદે જૂથ દ્વારા નિયુક્ત કરેલા વ્હીપ ગેરકાયદે છે. બંનેમાંથી કોઇપણ જૂથ પોતે જ ખરી શિવસેના છે એવો દાવો કરે તો તે પણ કાયદેસર માન્ય નથી. સુપ્રિમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે કોઇપણ રાજકીય પક્ષની અંદર રહેલાં મતભેદ તેના બંધારણ અનુસાર દૂર કરવા જોઈએ. કોઇપણ પક્ષના આંતરિક મામલાઓમાં ગવર્નરે ન પડવું જોઈએ એમ પણ સુપ્રિમ કોર્ટે પોતાના આ ચુકાદામાં જણાવ્યું હતું.

  આ સમગ્ર ઘટનાક્રમ ગયા વર્ષે શરુ થયો હતો જ્યારે શિવસેનાના મહત્વના અને વરિષ્ઠ નેતા એકનાથ શિંદે પોતાના કેટલાક વિશ્વાસુ વિધાનસભ્યોને લઈને અચાનક એક રાત્રે સુરત પહોંચી ગયા હતાં. ત્યારબાદ થોડા થોડા સમયે તેમની સાથે વધુને વધુ વિધાનસભ્યો જોડાતા ગયા અને છેવટે આ તમામ આસામનાં ગુવાહાટી એક ખાસ વિમાન દ્વારા પહોંચી ગયા હતાં.

  - Advertisement -

  અહીં લગભગ 10 થી 15 દિવસ આ ધારાસભ્યો એકનાથ શિંદેની આગેવાનીમાં રહ્યા હતાં. જો કે આ દિવસો દરમ્યાન પણ એકાદ-બે વિધાનસભ્યો શિંદે સાથે જોડાવા માટે ગુવાહાટી પહોંચતા હતાં. ત્યારબાદ રાજ્યપાલ દ્વારા બોલાવવામાં આવેલા ખાસ સત્રમાં તે સમયના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વિશ્વાસનો મત જીતવાનું કહેવામાં આવ્યું હતું.

  પરંતુ ઉદ્ધવ ઠાકરેએ તે સમયે સુપ્રિમ કોર્ટની તેમના પ્રત્યે કરવામાં આવેલી ટીપ્પણીને ધ્યાનમાં રાખીને વિશ્વાસનો મત લીધા અગાઉ જ રાજીનામું આપી દીધું હતું. જો કે મહારાષ્ટ્રના એ સમયના રાજકારણમાં આશ્ચર્યો સર્જવાના હજી પણ બાકી હતા. જ્યારે એવું લાગી રહ્યું હતું કે શિવસેનાના એકનાથ શિંદે જૂથના સમર્થનથી ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ફરીથી મુખ્યમંત્રી બનશે ત્યારે જ ભાજપે જાહેર કર્યું હતું કે ભાજપ એકનાથ શિંદેની આગેવાનીમાં સરકારમાં જોડાશે અને આથી શિંદે જ મુખ્યમંત્રી બનશે.

  ત્યારબાદ મહારાષ્ટ્ર વિધાનસભામાં એકનાથ શિંદેએ પોતાની બહુમતી સાબિત કરી આપી હતી. તેમ છતાં સુપ્રિમ કોર્ટમાં આ મામલો ચાલી રહ્યો હતો અને બંને તરફના વકીલોએ પોતપોતાની દલીલો પણ રજુ કરી હતી. છેવટે આજે સુપ્રિમ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે અને એકનાથ શિંદેને જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે કાયમ રાખ્યા છે.

  મહારાષ્ટ્રમાં આવતા વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે એવા સંજોગોમાં સુપ્રિમ કોર્ટનો આ ચુકાદો અત્યંત મહત્વનો તેમજ દુરોગામી રહેશે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં