દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટી AAPના નેતાઓએ ટેબલેટ સપ્લાયમાં કમિશનની માંગ કરી હોવાનો દાવો દિલ્હીની મંડોલી જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે કર્યો છે. તેણે ગુરુવારે (17 નવેમ્બર 2021) પોતાના વકીલ અનંત મલિક દ્વારા એક પત્ર જાહેર કર્યો છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કેજરીવાલે સ્કૂલના બાળકોના ટેબલેટમાં કમિશન માંગ્યું હતું.
પત્ર મુજબ આ મામલો 2016નો છે. આ ટેબલેટ દિલ્હીની શાળાના બાળકોને આપવાના હતા. પત્રમાં કેજરીવાલ, સિસોદિયા, જેલમાં બંધ દિલ્હીના મંત્રી સતેન્દ્ર જૈન પર ટેબલેટની ખરીદીમાં કૌભાંડ આચરવા સહિત કેજરીવાલે સ્કૂલના બાળકોના ટેબલેટમાં કમિશન માંગ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
Conman Sukesh releases another letter, alleges AAP leaders demanded kickbacks for deal to supply tablets
— ANI Digital (@ani_digital) November 17, 2022
Read @ANI Story | https://t.co/VXRsyeUf8k
#SukeshChandrashekhar #AAP pic.twitter.com/PsCTAv7WBP
સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે તેમણે AAP નેતાઓને ચીની કંપની DOS ઈલેક્ટ્રોનિક્સની શાઈન લાઉ સાથે પરિચય કરાવ્યો હતો. તેણે એમ પણ જણાવ્યું હતું કે ટેબલેટ વિશે વધુ વિગતો મેળવવા માટે શાઈન અને સતેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા વચ્ચે ઘણી વિડિયો કોન્ફરન્સિંગ થઈ હતી અને તે પણ આ કોન્ફરન્સમાં પણ સામેલ હતો.
સુકેશ ચંદ્રશેખરનો આરોપ છે કે 2016ના મધ્યમાં કૈલાશ ગેહલોતના ફાર્મ હાઉસ પર એક મીટિંગ થઈ હતી અને કમિશન નક્કી કરવામાં આવ્યું હતું. મહાઠગે દાવો કર્યો હતો કે મીટિંગમાં તેમની સાથે કંપનીના પ્રતિનિધિ અર્ણવ માલોડિયા અને મનીષ સિસોદિયા અને સતેન્દ્ર જૈન હાજર હતા. સુકેશે પત્રમાં જણાવ્યું હતું કે સિસોદિયાના પુણે સ્થિત સંબંધી પંકજના નામે શેલ કંપની સ્થાપવાની હતી. તેમાં કમિશનની રકમ લોન તરીકે ટ્રાન્સફર કરવાની હતી.
સુકેશ દાવો કરે છે કે બાદમાં બહું ઊંચા કમિશનની માંગને કારણે સોદો આગળ વધ્યો ન હતો. સીએમ અરવિંદ કેજરીવાલે તેને સિસોદિયા અને જૈનની શરતો પર કંપનીના પ્રતિનિધિને સમજાવવા કહ્યું હતું. પરંતુ તે કંપનીના પ્રતિનિધિને મનાવી શક્યો ન હતો.
સુકેશ ચંદ્રશેખર દ્વારા તાજેતરમાં ઘણા પત્રો લખાયા છે. આ પત્રોમાં કેજરીવાલ, જૈન અને સિસોદિયા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેણે દાવો કર્યો હતો કે કેજરીવાલે ન્યૂયોર્ક ટાઈમ્સમાં દિલ્હીના ‘શિક્ષણ મોડેલ’ વાળા અહેવાલ છાપવા માટે પૈસાની ચૂકવણી કરી હતી.
સુકેશે એમ પણ કહ્યું હતું કે AAP અને અરવિંદ કેજરીવાલ પર તેણે લગાવેલા તમામ આરોપો સાચા છે અને આ માટે તે પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે. આ સાથે તેણે જૈન અને કેજરીવાલના પોલીગ્રાફ ટેસ્ટની પણ માંગ કરી હતી.
દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાને લખેલા પત્રમાં તેણે આ ખુલાસાઓને કારણે પોતાના જીવને ખતરો હોવાની વાત પણ કરી છે. આ પત્રમાં તેણે જેલની અંદર હુમલો થયો હોવાનો દાવો પણ કર્યો હતો. આ સાથે તેણે તેની પત્નીની હેરાનગતિની પણ વાત કરી હતી. તેણે એલજીને વિનંતી કરી હતી કે તેને દિલ્હીની બહારની એવી જેલમાં ખસેડવામાં આવે જે આમ આદમી પાર્ટી (AAP) સરકારના નિયંત્રણ હેઠળ ન હોય.