Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબંગાળ શિક્ષક ભરતી કૌભાંડ: ‘કાલીઘાટના કાકા’ સુજોય કૃષ્ણ ભદ્રાની શંકાસ્પદ સંડોવણી બદલ...

    બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ: ‘કાલીઘાટના કાકા’ સુજોય કૃષ્ણ ભદ્રાની શંકાસ્પદ સંડોવણી બદલ ધરપકડ, TMC નેતા અભિષેક બેનર્જીના માતા ભદ્રાની કંપનીમાં ડિરેક્ટર હોવાનો દાવો

    સીપીઆઈ(એમ)ના નેતા સુજન ચક્રવર્તીએ કહ્યું હતું કે, "મને આશ્ચર્ય થાય છે કે જો બેનર્જીનો કર્મચારી ત્રણ કંપનીઓનો માલિક બની શકે અને તેની પાસે કરોડો રૂપિયા હોય, તો તેના શેઠ પાસે કેટલી મિલકત અને પૈસા હશે."

    - Advertisement -

    પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે (30 મે, 2023) સુજોય કૃષ્ણ ભદ્રાની 12 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. કોલકાતાના બિઝનેસમેન સુજોય કૃષ્ણ તૃણમૂલ કોંગ્રેસ નેતા અભિષેક બેનર્જી (મમતા બેનર્જીના ભત્રીજા)ના ખૂબ નજીકના સાથી ગણાય છે. બંગાળમાં વિવિધ સરકારી શાળામાં ગેરકાયદેસર ભરતીના કેસમાં સુજોય ભદ્રાની સંડોવણી સામે આવી હતી.

    ‘કાલીઘાટ-એર કાકુ’ એટલે કે કાલીઘાટના કાકા તરીકે ઓળખાતા સુજોય ભદ્રાની એટલા માટે ધરપકડ કરવામાં આવી હતી કારણકે, તેમણે તપાસમાં સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો અને બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ સંબંધિત કેટલાક પ્રશ્નોના સંતોષકારક જવાબ પણ નહોતા આપ્યા.

    EDએ કરેલા દાવા મુજબ, સુજોય ભદ્રાનું એવી ત્રણ કંપનીઓ સાથેનું કનેક્શન બહાર આવ્યું છે જેનો ઉપયોગ કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ માટે કરવામાં આવ્યો હતો. તો 20 મે, 2023ના રોજ ભદ્રાના ઘરે પાડવામાં આવેલા દરોડા દરમિયાન ઇડી અધિકારીઓએ આ મામલે કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા.

    - Advertisement -

    15 માર્ચ, 2023ના રોજ સુજોય ભદ્રાએ શિક્ષક ભરતી કૌભાંડમાં પોતાની કથિત સંડોવણી મામલે જુબાની આપી હતી. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, “અભિષેક બેનર્જીની માતા લતા બેનર્જી સુજોય ભદ્રાના નામે ચાલતી એક ફર્મમાં ડિરેક્ટર છે. જ્યારે ભદ્રાનો દાવો છે કે તે બેનર્જીની ઓફિસમાં કર્મચારી છે.” અભિષેક બેનર્જી લીપ્સ એન્ડ બાઉન્ડ્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં પાર્ટનર હોવાનું કહેવાય છે, જે પેકેજ્ડ મિનરલ ડ્રિંકિંગ વોટરનું ઉત્પાદન કરે છે.

    ભાજપના ધારાસભ્ય અને પશ્ચિમ બંગાળ રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેંદુ અધિકારીએ સુજોય કૃષ્ણ ભદ્રાની ધરપકડ અંગે ટ્વીટ કરી હતી કે, “કાયદાનો લાંબો હાથ આખરે માસ્ટરમાઈન્ડ અને મોટા લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યો છે. કોઈને બક્ષવામાં નહીં આવે.”

    ટીએમસી પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું હતું કે, “એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્ય બેરોન બિસ્વાસ ટીએમસીમાં જોડાયા એટલે ભાજપ, CPI(M) અને કોંગ્રેસના વિપક્ષી ગઠબંધનને આંચકો લાગ્યો છે અને આ બાબત પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે સુજોય ભદ્રાની ધરપકડ કરવામાં આવી છે.”

    તો લોકસભા સાંસદ અને પશ્ચિમ બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “આ કેટલું રમૂજી છે કે તેઓ બેરોન બિસ્વાસને ED તપાસ સાથે જોડી રહ્યા છે. ટીએમસી ભ્રષ્ટ પાર્ટી છે. બિસ્વાસ ટેકનિકલી હજુ પણ કોંગ્રેસના ધારાસભ્ય છે.”

    સીપીઆઈ(એમ)ના નેતા સુજન ચક્રવર્તીએ કહ્યું હતું કે, “મને આશ્ચર્ય થાય છે કે જો બેનર્જીનો કર્મચારી ત્રણ કંપનીઓનો માલિક બની શકે અને તેની પાસે કરોડો રૂપિયા હોય, તો તેના શેઠ પાસે કેટલી મિલકત અને પૈસા હશે.”

    ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં EDએ કરોડો રૂપિયાના બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ મામલે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજી અને અન્ય કેટલાક લોકોની શંકાસ્પદ ભૂમિકા બદલ ધરપકડ કરી છે. તો આ તપાસના સંબંધમાં CBIએ ટીએમસીના ધારાસભ્યો જીબન કૃષ્ણ સાહા અને પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ માણિક ભટ્ટાચાર્યની પણ ધરપકડ કરી છે.

    શું છે પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ?

    પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ, જેને SSC સ્કૅમ પણ કહેવાય છે તે 9 વર્ષ જૂનો કેસ છે. 2014 થી 2016 દરમિયાન પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગે રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે જાહેરાત બહાર પાડી હતી. આ ભરતીની પ્રક્રિયા વર્ષ 2016માં જ્યારે પાર્થ ચેટર્જી શિક્ષણ મંત્રી હતા ત્યારે શરૂ થઈ હતી. એ પછી શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં મોટી ગેરરીતિઓની ફરિયાદો ઉઠી હતી. ઓછા માર્ક્સ ધરાવતા, TETમાં નાપાસ થયેલા ઉમેદવારોના નામ પણ મેરિટ લિસ્ટમાં સામેલ હોવાની અને જેમના નામ મેરિટ લિસ્ટમાં હતા જ નહીં તેઓને પણ નોકરી મળી હોવાની ફરિયાદો સામે આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં