Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનકલ કરવામાં અક્કલ ન વાપરતા સ્ટેન્ડ અપ કોમેડિયન અને આપ નેતા શ્યામ...

    નકલ કરવામાં અક્કલ ન વાપરતા સ્ટેન્ડ અપ કોમેડિયન અને આપ નેતા શ્યામ રંગીલાને રાજસ્થાનમાં દંડ ભરવો પડ્યો અને જંગલ ખાતા દ્વારા ચેતવણી પણ મળી

    ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ અને જંગલ ખાતાની જાણમાં આવ્યા બાદ શ્યામને વન વિભાગના કાર્યાલય બોલાવવામાં આવ્યા હતાં અને અહીં તેમણે પોતાની ભૂલ સ્વીકારી હતી.

    - Advertisement -

    આપણે જાણીએ જ છીએ કે કોઈની પણ નકલ કરવામાં જો અક્કલ વાપરવામાં ન આવે તો તે ભારે પડતું હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોઇપણ ભોગે નકલ કરીને પોતાનું સ્ટેન્ડ અપ કોમેડી ચલાવતા શ્યામ રંગીલા રાજસ્થાનના જંગલ ખાતાની પકડમાં આવી ગયા છે. શ્યામ રંગીલા હાલમાં જ જાલના લેપર્ડ રીઝર્વની મુલાકાતે ગયા હતાં અહીં તેમણે એક વિડીયો પણ ઉતાર્યો હતો જેમાં તેમણે કાયમની જેમ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની નકલ પણ કરી હતી.

    પરંતુ આ પ્રમાણે નકલ કરતાં કરતાં શ્યામ રંગીલાએ પોતાની અક્કલ વાપરવાનું યોગ્ય સમજ્યું ન હતું અને છેવટે તેમણે જંગલ ખાતાની વઢ પણ સાંભળવી પડી હતી અને દંડ પણ ભરવો પડ્યો હતો. શ્યામ રંગીલાએ શેર કરેલા વિડીયોમાં જોઈ શકાય છે કે તેમણે સાથે લાવેલા એક પેકેટમાંથી અહીં વિચરતી નીલગાયને કશુંક ખવડાવ્યું હતું.

    એક રીતે જોવા જઈએ તો પ્રાણીઓને કશુંક ખવડાવવું એ ગુનો બનતો નથી પરંતુ સ્ટેન્ડ અપ કોમેડિયન શ્યામ રંગીલાએ તો વડાપ્રધાન મોદીની નકલ કરવાના ઉત્સાહમાં જંગલના પ્રાણીને ખોરાક ખવડાવી દીધો હતો. આ રીતે જંગલી જાનવરને કોઇપણ પ્રકારનો ખોરાક ખવડાવવો એ રાજસ્થાનના જંગલ ખાતાના કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

    - Advertisement -

    શ્યામ રંગીલાનો વિડીયો વાયરલ થયા બાદ રાજસ્થાન રાજ્યનું જંગલ ખાતું હરકતમાં આવ્યું હતું અને તેણે શ્યામ રંગીલાને તેમના કૃત્ય બદલ ઠપકો પણ આપ્યો હતો અને દંડ ભરવાનો હુકમ પણ કર્યો હતો.

    જયપુર ક્ષેત્રીય વન અધિકારી જનેશ્વર ચૌધરીએ જણાવ્યું હતું કે શ્યામ રંગીલાએ આ વિડીયો 13 એપ્રિલે યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. આ વિડીયોમાં શ્યામ પોતાની કારમાંથી બહાર નીકળીને નીલગાયને કશુંક ખવડાવી રહ્યાં હોય તેવું દેખાઈ રહ્યું હતું. જંગલી જાનવરોને ખોરાક આપવો એ વન કાયદો 1953 અને વન્યજીવ સંરક્ષણ કાયદો 1972નું ઉલ્લંઘન માનવામાં આવે છે.

    ચૌધરીએ આગળ ઉમેર્યું હતું કે આમ કરવાથી જાનવરોને ઇન્ફેકશન થઇ શકે છે અને તેનાથી તેમને ગંભીર રોગ થઇ શકે છે અને એમનો જીવ પણ જઈ શકે છે. આમ કરીને શ્યામે ફક્ત પોતે જ ભૂલ નથી કરી પરંતુ ઘટનાનો વિડીયો ઉતારીને યુટ્યુબ પર અપલોડ કરીને અન્યોને પણ આમ કરવા માટે પ્રેરિત કર્યા છે. હવે શ્યામ રંગીલા પર તપાસ થશે અને આગલી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

    ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ અને જંગલ ખાતાની જાણમાં આવ્યા બાદ શ્યામને વન વિભાગના કાર્યાલય બોલાવવામાં આવ્યા હતાં અને અહીં તેમણે પોતાની ભૂલ સ્વીકારી હતી. ત્યારબાદ જંગલ ખાતા દ્વારા શ્યામ પાસે 11 હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં આવી ભૂલ ફરીથી ન થાય તેની તકેદારી રાખવાની ચેતવણી પણ આપી હતી.

    શ્યામ રંગીલા ભલે પોતાને સ્ટેન્ડ અપ કોમેડિયન કહેતા હોય પરંતુ તેઓ રાજસ્થાન આમ આદમી પાર્ટીના સભ્ય પણ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં