એકતરફી પ્રેમમાં જેતલસરની સગીરા સૃષ્ટિ રૈયાણીની હત્યા કરી નાંખનાર આરોપી જયેશ સરવૈયાને જેતપુર સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. લાંબી સુનાવણી બાદ કોર્ટે આજે આ સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ મામલે ચુકાદો આપ્યો હતો.
હત્યા કેસમાં ફાંસીની સજા ઉપરાંત કોર્ટે જયેશને મૃતકના ભાઈ પર ઘાતકી હુમલો કર્યાના બનાવમાં હત્યાના પ્રયાસની કલમ ઉમેરીને 10 વર્ષની સજા અને 5 હજારનો દંડ અને પોક્સો કેસમાં 3 વર્ષની સજા અને અઢી હજારનો દંડ ફટકાર્યો છે. પાંચ દિવસ પહેલાં કોર્ટે આ કેસમાં જયેશને દોષિત ઠેરવ્યો હતો.
આ કેસની ટ્રાયલ દરમિયાન કુલ 51 સાહેદોની જુબાની લેવામાં આવી હતી. જે-તે સમયે પોલીસે કોર્ટ સમક્ષ 200 પાનાંની ચાર્જશીટ પણ દાખલ કરી હતી. કોર્ટમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે દલીલ કરી હતી કે આરોપીએ હત્યા માટે આગોતરું આયોજન કર્યું હતું અને મૃતકને મારવામાં આવેલો એક-એક ઘા કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નિપજાવવા માટે પૂરતા હતા.
શું છે સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ?
આ કેસ બે વર્ષ પહેલાંનો છે. જેતપુર તાલુકાના જેતલસર ગામે રહેતો જયેશ સરવૈયા નામનો 23 વર્ષીય ઈસમ ગામની જ 11મા ધોરણમાં અભ્યાસ કરતી સૃષ્ટિ રૈયાણીના (16) એકતરફી પ્રેમમાં હતો. ઘણા સમયથી તે સૃષ્ટિનો પીછો પણ કરતો રહેતો અને શાળાએ પણ તેની પાછળ-પાછળ જતો.
16 માર્ચ, 2021ના રોજ સૃષ્ટિના માતા-પિતા બહાર હતા ત્યારે જયેશ તેના ઘરે ધસી ગયો હતો અને લગ્ન માટે દબાણ કર્યું હતું. પરંતુ સૃષ્ટિએ દાદ ન આપતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને ઢોર માર માર્યો હતો. પરંતુ તેમ છતાં સૃષ્ટિ તાબે ન થતાં તેણે છરી કાઢીને એક પછી એક એમ કુલ 32 ઘા ઝીંકી દીધા હતા.
આ સમયે ઘરમાં હાજર સૃષ્ટિનો ભાઈ હર્ષ તેને બચાવવા વચ્ચે પડતાં તેને પણ જયેશે છરીના ઘા મારીને લોહીલુહાણ કરી નાંખ્યો હતો. ત્યારબાદ જયેશે સૃષ્ટિને વધુ ચાર ઘા મારી દીધા હતા. 36 ઘા વાગ્યા હોવાના કારણે લોહીથી લથબથ હાલતમાં સૃષ્ટિ ત્યાં જ ઢળી પડી હતી.
ત્યારબાદ હર્ષ જીવ બચાવવા ભાગવા જતાં જયેશે તેને પણ ઘા માર્યા હતા, જેના કારણે હર્ષ પાડોશીના ઘરની બહાર ફસડાઈ પડ્યો હતો. ત્યારબાદ બંને ભાઈ-બહેનને લોહીલુહાણ હાલતમાં છોડીને જયેશ ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ આસપાસના લોકો અને પરિજનોએ ઘરે પહોંચીને હર્ષને હોસ્પિટલ ખસેડ્યો હતો.
ઘટનાના ત્રણ દિવસ બાદ આરોપી જયેશની ધરપકડ કરી લેવામાં આવી હતી અને જેલહવાલે કરી દેવાયો હતો. બીજી તરફ, સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ મામલે તપાસ માટે એક SIT પણ રચવામાં આવી હતી. ત્યારથી જેતપુર સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, જેનો હાલ ચુકાદો આવ્યો છે.