Tuesday, December 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રીલંકાને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર ક્રિકેટર પેટ્રોલ પંપ પર ચા અને બન...

    શ્રીલંકાને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર ક્રિકેટર પેટ્રોલ પંપ પર ચા અને બન વહેંચતો નજરે ચડ્યો; તસવીરો થઇ વાયરલ

    ભયંકર આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહેલા શ્રીલંકાના નાગરિકો જે કલાકો સુધી પેટ્રોલની લાઈનમાં ઉભા રહે છે તેમને સધિયારો આપવાનું કાર્ય પૂર્વ શ્રીલંકન ક્રિકેટરે ઉપાડી લીધું છે.

    - Advertisement -

    શ્રીલંકન ક્રિકેટ ખેલાડી પેટ્રોલ પંપ પર પીરસે છે ચા અને બન.ભારતનો પાડોશી દેશ શ્રીલંકા આ દિવસોમાં આર્થિક મંદીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકા 1948માં આઝાદી મળ્યા બાદ સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ બધા સંકટ વચ્ચે 1996માં વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકન ક્રિકેટ ખેલાડી પેટ્રોલ પંપ પરની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં તે ચા વહેંચતા જોવા મળી રહ્યો છે.

    વર્લ્ડ કપ ચેમ્પિયન ખેલાડી પેટ્રોલ પંપ પર ચા વહેંચી રહ્યો છે

    શ્રીલંકામાં છેલ્લા કેટલાક સમયથી ખોરાક, દવાઓ અને ઈંધણ જેવી આવશ્યક ચીજોની ભારે અછત છે. લોકો પેટ્રોલ અને ડીઝલ માટે પેટ્રોલ પંપ પર કલાકો સુધી લાંબી લાઈનોમાં રાહ જોઈ રહ્યા છે. શ્રીલંકન ટીમનો પૂર્વ ક્રિકેટર અને ઓપનીંગ બેટ્સમેન રોશન મહાનામા કોલંબોના પેટ્રોલ પંપ પર આવા લોકોને ચા અને બન વહેંચી રહ્યો છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

    - Advertisement -

    ખેલાડીએ પોતે તસવીરો શેર કરી

    1996માં વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકન ક્રિકેટ ટીમના સભ્ય રોશન મહાનમાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે ચા વહેંચતો નજરે પડે છે. મહાનામાએ ટ્વિટર પર પોસ્ટની સાથે કેપ્શનમાં લખ્યું, ‘અમે કોમ્યુનિટી મીલ શેરની ટીમ સાથે મળીને આજે સાંજે વોર્ડ પ્લેસ અને પેટ્રોલ પંપની બહાર લાઈનમાં ઉભેલા લોકોને ચા અને બન પીરસ્યા. અહીં લાઈનો લાંબી થઈ રહી છે અને આથી આ લાઈનોમાં ઉભેલા લોકોનું સ્વાસ્થ્ય જોખમાશે.

    તેણે આગળ લખ્યું, ‘કૃપા કરીને, જે લોકો ઇંધણ માટે લાઇનમાં છે તેઓ એકબીજાનું ધ્યાન રાખે. પૂરતા પ્રમાણમાં પ્રવાહી અને ખોરાક પોતાની સાથે લાવો. જો તમારી તબિયત સારી નથી, તો કૃપા કરીને તમારી નજીકના કોઈ વ્યક્તિનો સંપર્ક કરો અને મદદ મેળવો અથવા 1990 પર કૉલ કરો. આ મુશ્કેલ સમયમાં આપણે એકબીજાનું ધ્યાન રાખવાની જરૂર છે.

    1996માં ટીમને ચેમ્પિયન બનાવી હતી

    રોશન મહાનમાનો જન્મ 31 મે 1966ના રોજ કોલંબોમાં થયો હતો. રોશન મહાનમાએ શ્રીલંકા માટે 52 ટેસ્ટ અને 213 વનડે રમી છે. તેણે આ વનડેમાં 4 સદી અને 35 અડધી સદીની મદદથી 5162 રન બનાવ્યા છે, જ્યારે ટેસ્ટમાં તેના નામે 2576 રન છે. તે શ્રીલંકાની ક્રિકેટ ટીમનો ભાગ હતો જેણે 1996માં વર્લ્ડ કપ જીત્યો હતો અને 1999ના વર્લ્ડ કપ પછી તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

    અહેવાલો મુજબ, શ્રીલંકા કોવિડ-19 રોગચાળાને કારણે તેમજ મફતની આર્થિક નીતિઓને કારણે આ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, અને હાલની સરકાર કોરોનાકાળ પછીની અસરોનો સામનો કરવામાં અસમર્થ છે.

    આ કટોકટીએ દેશની સરકાર પર પણ અસર કરી હતી, કારણ કે તેના કારણે ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્દ્રા રાજપક્ષે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ રાનિલ વિક્રમસિંઘેને તેમના સ્થાને નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હાલ શ્રીલંકા ખુબજ મોટા આર્થીક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે અને ખાદ્ય તેમજ અન્ય વસ્તુઓની તંગી અનુભવી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં