Thursday, May 16, 2024
More
    હોમપેજરાજકારણચંદ્રયાન-G20ની સફળતા, દેશની સંસદીય યાત્રાનું સ્મરણ, ગૃહની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ…: જૂના સંસદ ભવનના...

    ચંદ્રયાન-G20ની સફળતા, દેશની સંસદીય યાત્રાનું સ્મરણ, ગૃહની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ…: જૂના સંસદ ભવનના અંતિમ દિવસે સંબોધનમાં શું બોલ્યા પીએમ મોદી?

    G20ની સફળતા 140 કરોડ દેશવાસીઓની છે. કોઇ વ્યક્તિ કે પાર્ટીની નહીં પરંતુ ભારતની સફળતા છે. 60 સ્થળોએ અલગ-અલગ અલગ સમિટ, અલગ-અલગ રંગરૂપ સાથે, અલગ-અલગ સરકારોએ આન-બાન અને શાનથી કરી અને એ પ્રભાવ આખા વિશ્વ પર પડ્યો છે: પીએમ મોદી

    - Advertisement -

    આજથી (18 સપ્ટેમ્બર, 2023) સંસદનું પાંચ દિવસીય વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે. જૂના ભવનમાં આજનો દિવસ અંતિમ હશે, આવતીકાલે ગણેશ ચતુર્થીથી નવા ભવનમાં કાર્યવાહી શરૂ થશે. કાર્યવાહીની શરૂઆતમાં જ વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું. જેમાં તેમણે પાછલા 75 વર્ષના સંસદીય ઇતિહાસ વિશે અને વર્તમાન ગૃહે મેળવેલી મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ વિશે વાતો કહી. 

    વિશેષ સત્રના પ્રથમ દિને લોકસભામાં સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, “દેશની 75 વર્ષની સંસદીય યાત્રાનું સ્મરણ કરીને નવા ગૃહમાં પ્રવેશની પ્રેરક પળોનું અને ઈતિહાસની મહત્વપૂર્ણ ક્ષણોનું સ્મરણ કરતાં આગળ વધવાનો આ અવસર છે. આપણે સૌ આ ઐતહાસિક ભવનમાંથી વિદાય લઇ રહ્યા છીએ. સ્વતંત્રતા પહેલાં આ ગૃહ ઈમ્પેરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલનું સ્થાન હતું, સ્વતંત્રતા બાદ સંસદ ભવન તરીકે તેને ઓળખ મળી. ઇમારતનું નિર્માણ કરવાનો નિર્ણય વિદેશી શાસકોનો હતો પરંતુ એ વાત ક્યારેય ન ભૂલીએ કે આ ભવનના નિર્માણમાં પરસેવો, પરિશ્રમ અને પૈસા મારા દેશના લોકોના લાગ્યા હતા.” 

    વડાપ્રધાને કહ્યું, “આજે ચારોતરફ ભારતવાસીઓની ઉપલબ્ધિની ચર્ચા થઈ રહી છે. આ આપણા 75 વર્ષના સંસદીય ઇતિહાસના સામૂહિક પ્રયાસનું પરિણામ છે. જેના કારણે વિશ્વમાં આજે એ ગૂંજ સંભળાય રહી છે.” 

    - Advertisement -

    તેમણે ઉમેર્યું, “ચંદ્રયાન-3ની સફળતાથી આખો દેશ અભિભૂત છે અને આધુનિકતા, વિજ્ઞાન, ટેકનલોજી અને આપણા વૈજ્ઞાનિકોના સામર્થ્યથી ભરપૂર, 140 કરોડ દેશવાસીઓની સંકલ્પશક્તિથી જોડાયેલું ભારતના સામર્થ્યનું આ નવું સ્વરૂપ વિશ્વ પર નવો પ્રભાવ પેદા કરશે. આ ગૃહના માધ્યમથી ફરી એક વખત દેશના વૈજ્ઞાનિકો અને તેમના સાથીઓને અભિનંદન પાઠવું છું.”

    G20ની સફળતા આખા દેશની સફળતા: પીએમ 

    વડાપ્રધાને ગૃહમાં G20 સમિટનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “આજે G20ની સફળતાની સર્વસંમતિથી પ્રશંસા કરી છે અને દેશવાસીઓનું ગૌરવ વધાર્યું છે. G20ની સફળતા 140 કરોડ દેશવાસીઓની છે. કોઇ વ્યક્તિ કે પાર્ટીની નહીં પરંતુ ભારતની સફળતા છે. 60 સ્થળોએ અલગ-અલગ અલગ સમિટ, અલગ-અલગ રંગરૂપ સાથે, અલગ-અલગ સરકારોએ આન-બાન અને શાનથી કરી અને એ પ્રભાવ આખા વિશ્વ પર પડ્યો છે. આપણે સૌએ તેની ઉજવણી કરવી જોઈએ, આ દેશના ગૌરવગાનને વધારતી પળો છે.” 

    આગળ કહ્યું, “દેશ એ વાતને લઈને ગર્વ કરશે કે જ્યારે ભારત અધ્યક્ષ હતું ત્યારે આફ્રિકન યુનિયન આ જૂથનું સભ્ય બન્યું. હું એ ભાવુક પળોને ભૂલી નહીં શકું. જ્યારે આફ્રિકન યુનિયનની ઘોષણા થઈ અને તેમના પ્રમુખે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મારા માટે એવી પળો હતી કે મને લાગતું હતું કે હું રડી પડીશ. તમે કલ્પના કરી શકો કે કેટલી મોટી આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું કામ ભારતના ભાગ્યમાં આવ્યું.” 

    વિશેષ સત્રમાં સંબોધન દરમિયાન PM મોદીએ કહ્યું, “ભારત પ્રત્યે શંકા કરવાનો સ્વભાવ અનેક લોકોનો છે અને આઝાદી વખતથી ચાલતું આવે છે. આ વખતે પણ ડિક્લેરેશન વિશે શંકા થતી હતી પરંતુ એ ભારતની શક્તિ છે કે એ પણ શક્ય બન્યું અને વિશ્વ સર્વસંમતિથી સંયુક્ત ઘોષણાપત્ર લઈને, આગળનો રોડમેપ લઈને આગળ વધી રહ્યું છે.” 

    ક્યારેય વિચાર્યું ન હતું કે દેશ આટલું સન્માન, આટલા આશીર્વાદ અને આટલો પ્રેમ આપશે

    પીએમ મોદીએ પોતાનો અનુભવ કહેતાં ઉમેર્યું કે, “હું પહેલી વખત જ્યારે સંસદનો સભ્ય બન્યો અને પહેલી વખત એક સાંસદ તરીકે આ ભવનમાં પ્રવેશ કર્યો તો સહજરૂપે ભવનના પગથિયાં પર મસ્તક ઝુકાવીને લોકતંત્રના મંદિરને શ્રદ્ધાભાવથી નમન કરીને પગ મૂક્યો હતો. એ પળો ભાવનાત્મક હતી. મેં કલ્પના નહોતી કરી પરંતુ ભારતના લોકતંત્રની શક્તિ અને ભારતના સામાન્ય માનવીની લોકતંત્ર પ્રત્યે શ્રદ્ધાનું પરિણામ છે કે રેલ્વે પ્લેટફોર્મ પર ગુજરાન ચલાવનારો એક ગરીબ પરિવારનો દીકરો સંસદ પહોંચી ગયો. મેં ક્યારેય કલ્પના નહતી કરી કે દેશ મને આટલું સન્માન, આટલા આશીર્વાદ અને પ્રેમ આપશે.” 

    સંસદ પર થયેલા હુમલાનો ઉલ્લેખ 

    વડાપ્રધાને સંસદ પર થયેલા હુમલાને પણ યાદ કર્યો. તેમણે કહ્યું, “આતંકવાદી હુમલો થયો, તે એક ઇમારત પર નહતો થયો. એ એક રીતે આપણા જીવાત્મા પર હુમલો હતો. આ દેશ એ ઘટનાને ક્યારેય ભૂલી નહીં શકે. આતંકીઓ સામે લડતાં-લડતાં ગૃહ અને તમામ સભ્યોને બચાવવા માટે જેમને ગોળીઓ ઝીલી આજે હું તેમને પણ નમન કરું છું.” 

    પીએમ મોદીએ કહ્યું, “સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર સાથે અનેક ઐતહાસિક નિર્ણય આ ગૃહમાં લેવાયા અને દાયકાઓથી લંબિત વિષયોનું સ્થાયી સમાધાન પણ આ જ ગૃહમાં થયું. આર્ટિકલ 370, આ ગૃહ હંમેશા ગર્વ સાથે કહેશે કે આ ગૃહના કારણે તેને હટાવી શકાયો. વન નેશન, વન ટેક્સ- GSTનો નિર્ણય આ જ ગૃહે કર્યો. વન રેન્ક, વન પેન્શનનો નિર્ણય પણ આ જ ગૃહમાં લેવામાં આવ્યો. ગરીબો માટે 10 ટકા અનામતનો નિર્ણય વિના કોઇ વિવાદે આ ગૃહે લીધો.”

    પાછલી સરકારોને યાદ કરી 

    પાછલી સરકારોને યાદ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, “પંડિત નહેરુથી લઈને અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંઘ સુધી તમામે દેશને નવી દિશા આપી છે. સૌના ગુણગાન કરવાનો સમય છે. સૌએ ગૃહને સમૃદ્ધ કરવા અને દેશની સામાન્ય જનતાને અવાજ આપવાનું કામ કર્યું છે. રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીને જ્યારે ગુમાવ્યા ત્યારે આ જ ગૃહે તેમણે અશ્રુપૂરિત શ્રદ્ધાંજલિ આપી હતી. દરેક સ્પીકરે સુચારૂ તરીકે ગૃહને ચલાવ્યું છે. માળવંકરજીથી લઈને સુમિત્રાજી સુધી દરેકની પોતપોતાની શૈલી રહી છે. તમામે નિયમો અને કાયદાઓમાં રહીને ગૃહનું સંચાલન કર્યું છે. આજે સૌનું અભિનંદન અને વંદન કરું છું.” 

    ઉલ્લેખનીય છે કે સંસદનું આ વિશેષ સત્ર 18થી 23 સપ્ટેમ્બર, 2023 સુધી ચાલશે. જેમાં 18 સપ્ટેમ્બરનો દિવસ જૂના ભવનમાં અંતિમ દિવસ હશે. 19 તારીખ ગણેશ ચતુર્થીથી નવા ભવનમાં કાર્યવાહીની શરૂઆત કરવામાં આવશે. 20થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગૃહનું સરકારી કામકાજ ચાલશે, જેમાં વિવિધ બિલ રજૂ કરીને ચર્ચા કરવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં