Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હું ગર્વથી હિંદુ છું’: ધર્મને લઈને પૂછવામાં આવેલ સવાલ પર સ્મૃતિ ઈરાનીનો...

    ‘હું ગર્વથી હિંદુ છું’: ધર્મને લઈને પૂછવામાં આવેલ સવાલ પર સ્મૃતિ ઈરાનીનો જવાબ, શ્રદ્ધા કેસને લઈને કહ્યું- આવેશમાં આવીને કોઈ મહિલાના ટુકડા નથી કરતું

    પારસી ધર્મમાં ધર્માંતરણ નથી થતું. અને ધર્માંતરણ હોત તોપણ હું ગર્વથી હિંદુ છું, મેં ક્યારેય ધર્માંતરણ કર્યું ન હોત : સ્મૃતિ ઈરાની

    - Advertisement -

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગુરુવારે (24 નવેમ્બર 2022) મીડિયા ચેનલ ટાઈમ્સ નાઉ દ્વારા આયોજિત એક સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યાં હતાં. અહીં તેમણે ધર્મને લઈને તથા તાજેતરમાં શ્રદ્ધા હત્યા કેસને લઈને તેમજ વર્તમાન રાજકારણને લઈને પ્રશ્નોના જવાબો આપ્યા હતા. આ દરમિયાન તેમને તેમના ધર્મને લઈને પૂછવામાં આવતાં કહ્યું કે, તેઓ ગર્વથી હિંદુ છે. 

    ધર્મને લઈને થતી ચર્ચા દરમિયાન ટાઈમ્સ નાઉનાં એડિટર નાવિકા કુમારે સ્મૃતિ ઈરાનીને પૂછ્યું કે તેઓ હિંદુ છે કે પારસી? જેના જવાબમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, તેઓ ગર્વથી કહે છે કે તેઓ હિંદુ છે. 

    સ્મૃતિ ઈરાનીએ કહ્યું, “પારસી ધર્મમાં ધર્માંતરણ નથી થતું. અને ધર્માંતરણ હોત તોપણ હું ગર્વથી હિંદુ છું, મેં ક્યારેય ધર્માંતરણ કર્યું ન હોત.” તેમણે એમ પણ કહ્યું કે, તેઓ ‘ઈરાની’ અટક ધરાવતાં હિંદુ છે. 

    - Advertisement -

    તાજેતરના શ્રદ્ધા હત્યા કેસને લઈને પણ સ્મૃતિ ઈરાનીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, કેસની તપાસ ચાલી રહી છે, તેથી બંધારણીય મર્યાદામાં રહીને હું એટલું જ કહીશ કે, એવું કહેવાય છે કે તેણે આવેશમાં આવીને કર્યું હતું. પરંતુ કોઈ આવેશમાં આવીને મહિલાના ટુકડા નથી કરતું, કોઈ આવેશમાં આવીને જેની સાથે પ્રેમમાં હોય તેની સાથે મારપીટ કરતું નથી. વાસ્તવિકતા એ છે કે તે સતત મારપીટ કરી રહ્યો હતો અને આ બાબતની ઘણા લોકોને જાણ હતી. 

    તેમણે કહ્યું કે, એક તરફ આપણે જ્યારે મહિલા સુરક્ષાની વાત કરીએ છીએ ત્યારે સંબંધોમા નજીકના વ્યક્તિ દ્વારા થતી હિંસા પર પણ ચર્ચા કરવાની જરૂર છે. મુદ્દો એ છે કે કાર્યસ્થળે અને પરિવારમાં એવા કોણ લોકો હતા જેઓ જાણતા હતા કે તેની (શ્રદ્ધા) સાથે મારપીટ કરવામાં આવી રહી છે, ધમકી આપવામાં આવી રહી છે, છતાં તેની મદદ કરી શક્યા ન હતા. 

    લવજેહાદ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે, ભાજપ તરફથી કોઈ વ્યક્તિ બેઠું હોય ત્યારે જ ‘લવજેહાદ’ યાદ આવે છે. તેમણે કહ્યું કે, 2009માં જ્યારે ભાજપ સત્તા પર ન હતી ત્યારે કેરળ હાઇકોર્ટે ‘લવજેહાદ’ની ઓળખ કરી હતી. કોર્ટે પણ નોંધ્યું હતું કે, યુવતીઓ હિંદુ કે ખ્રિસ્તી પરિવારમાંથી આવતી હોવાથી તેમને અન્ય ધર્મમાં પરિવર્તિત કરવા માટે ટાર્ગેટ કરવામાં આવી રહી હતી. ત્યારે કોઈ ભાજપ સરકાર ન હતી. 

    લવજેહાદને લઈને કાયદો બનાવવાને લઈને તેમણે કહ્યું કે, જો કોઈ સરકાર મહિલાઓની સુરક્ષા માટે કાયદો બનાવે તો તેઓ ચોક્કસપણે તેનું સમર્થન કરશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં