Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાટ ખાઈ ગયેલા વાયરો, જૂના-નવા સસ્પેન્ડર્સનું વેલ્ડિંગ: મોરબી પુલ દુર્ઘટના મામલે SITએ...

    કાટ ખાઈ ગયેલા વાયરો, જૂના-નવા સસ્પેન્ડર્સનું વેલ્ડિંગ: મોરબી પુલ દુર્ઘટના મામલે SITએ સોંપ્યો રિપોર્ટ, ઑપઇન્ડિયાએ વ્યક્ત કરેલી આશંકા સાચી ઠરી

    સમિતિએ આ રિપોર્ટ ડિસેમ્બર 2022માં સોંપી દીધો હતો, જેને તાજેતરમાં મોરબી નગરપાલિકા દ્વારા સ્ટેટ અર્બન ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    મોરબી ખાતે મચ્છુ નદી પરનો પ્રખ્યાત ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના બાદ આ મામલે તપાસ કરવા માટે ગુજરાત સરકારે એક SIT બનાવી હતી. SITએ આ મામલે પૂરતી તપાસ બાદ રિપોર્ટ સોંપ્યો હતો, જેની વિગતો સામે આવી છે. SIT દ્વારા કરવામાં આવેલી તપાસમાં પુલના સમારકામ, જાળવણી અને સંચાલનમાં ગંભીર બેદરકારીઓ સામે આવી છે. 

    SIT રિપોર્ટ અનુસાર, કેબલ બ્રિજના અડધા વાયરો કાટ ખાઈ ગયા હતા તેમજ સમારકામ દરમિયાન અમુક જૂના સસ્પેન્ડર્સને નવા સાથે વેલ્ડિંગ કરીને જોડી દેવામાં આવ્યા હતા. સમિતિએ આ રિપોર્ટ ડિસેમ્બર 2022માં સોંપી દીધો હતો, જેને તાજેતરમાં મોરબી નગરપાલિકા દ્વારા સ્ટેટ અર્બન ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવ્યો હતો. 

    SITએ રિપોર્ટમાં નોંધ્યું કે, મચ્છુ નદી પર વર્ષ 1887માં તત્કાલીન શાસકો દ્વારા બનાવવામાં આવેલા પુલના મુખ્ય બે કેબલમાંથી એક કેબલ કાટ ખાઈ ગયો હતો અને જેના લગભગ અડધાથી વધુ વાયર 30 ઓક્ટોબરે દુર્ઘટના ઘટવા પહેલાં જ તૂટી ગયેલા હોય શકે. તપાસમાં સામે આવ્યું કે ઉપરની તરફનો મુખ્ય કેબલ તૂટી જવાના કારણે આ ઘટના બની હતી. 

    - Advertisement -

    અમુક વાયરો દુર્ઘટના પહેલાં જ તૂટી ગયા હોય શકે

    પ્રત્યેક કેબલ સાત સ્ટ્રેન્ડ્સથી બન્યો હતો અને જેમાં દરેકમાં સ્ટીલના 7 વાયરો હતા. આમ એક કેબલ બનાવવા માટે કુલ 49 જેટલા વાયરોને સાત સ્ટ્રેન્ડ્સમાં એકસાથે જોડવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, 49 વાયરોમાંથી 22 જેટલા વાયર કાટ ખાઈ ગયા હતા, જે સૂચવે છે કે આ વાયરો ઘટના બની તે પહેલાં જ તૂટી ગયા હોય શકે, જ્યારે બાકીના 27 વાયરો ઘટના સમયે તૂટ્યા હતા. 

    આ ઉપરાંત, સમારકામ દરમિયાન દાખવવામાં આવેલી બેદરકારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જ્યાં પ્લેટફોર્મ ડેકને કેબલ સાથે જોડતા સસ્પેન્ડર્સમાંથી કેટલાક જૂના સસ્પેન્ડર્સને નવા સાથે જોડી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, એ પણ નોંધવામાં આવ્યું છે કે પ્લેટફોર્મમાં છૂટાં-છૂટાં લાકડાંનાં પાટિયાંની જગ્યાએ એલ્યુમિનિયમ ડેક વાપરવામાં આવી હતી. 

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ચાલવા માટેની જગ્યામાં લાકડાંનાં પાટિયાંની જગ્યાએ એલ્યુમિનિયમ પેનલો વાપરવામાં આવી હતી. જો છૂટાં-છૂટાં લાકડાંનાં પાટિયાં વાપરવામાં આવ્યાં હોત તો જાનહાનિ ઓછી થઇ હોત. ઉપરાંત, એલ્યુમિનિયમ પેનલ વાપરવાના કારણે પુલના વજનમાં પણ ફેર પડ્યો હતો. 

    મોરબી નગરપાલિકાની પણ બેદરકારી

    આ ઉપરાંત, દુર્ઘટના ઘટી તે સમયે પુલ પર લગભગ 300 જેટલા લોકો હાજર હતા, જે વજન પુલની ક્ષમતાથી અનેક ઘણું વધારે હતું. જોકે, એમ પણ કહેવામાં આવ્યું હતું કે પુલ ખરેખર કેટલું વજન ખમી શકે તે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. 

    SIT રિપોર્ટમાં મોરબી નગરપાલિકાની કામગીરીને લઈને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જનરલ બોર્ડની મંજૂરી વગર જ ઓરેવા ગ્રુપને આ પુલની જાળવણી અને સંચાલનનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો, જેમણે માર્ચ 2022માં સમારકામ માટે પુલ બંધ કર્યો હતો અને કોઈ પણ ઇન્સ્પેક્શન કે મંજૂરી વગર 26મી ઓક્ટોબરના રોજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. ત્યારપછીના ચાર દિવસો બાદ 30 ઓક્ટોબરે દુર્ઘટના ઘટી હતી.

    ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ઘટના બાદ ઑપઇન્ડિયાએ એક એક્સક્લુઝિવ રિપોર્ટમાં સિવિલ એન્જિનિયરો સાથેની વાતચીતના આધારે જણાવ્યું હતું કે પુલ તૂટવા પાછળ વજન કરતાં પણ મટિરિયલ ફેલ્યોર જ જવાબદાર હોય શકે છે. જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં