Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તર પ્રદેશ: સરયુ કિનારેથી મળી આવ્યું 53 કિલો વજનનું ચાંદીનું શિવલિંગ, લોકોએ...

    ઉત્તર પ્રદેશ: સરયુ કિનારેથી મળી આવ્યું 53 કિલો વજનનું ચાંદીનું શિવલિંગ, લોકોએ કહ્યું- રાષ્ટ્ર માટે આ સુખદ સંદેશ

    શિવલિંગ મળી આવ્યાના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયા બાદ લોકોએ ‘હર હર મહાદેવ’ અને ‘ભોલેનાથ કી જય’ લખીને ખુશી વ્યક્ત કરી હતી. 

    - Advertisement -

    પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજાનું અનેરું મહત્વ છે. શ્રાવણમાં દેશભરમાં શિવજીની પૂજા-આરાધના કરવામાં આવે છે. દરમ્યાન, ઉત્તર પ્રદેશમાં સરયૂ નદીના કાંઠેથી એક ચાંદીનું શિવલિંગ મળી આવ્યું છે. આ શિવલિંગની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. 

    ચાંદીનું આ શિવલિંગ ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં સરયૂ નદીના કાંઠે રેતી નીચેથી મળી આવ્યું છે. શિવલિંગ મળવાની ખબર આગની જેમ ફેલાઈ ગયા બાદ લોકો ત્યાં પહોંચવા માંડ્યા અને પછીથી આ બાબતની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. પોલીસે શિવલિંગને પોલીસ મથકે પહોંચાડ્યું હતું અને પૂજા-અર્ચના શરૂ કરી હતી. આ શિવલિંગનું વજન 53 કિલોગ્રામ હોવાનું કહેવાય છે.

    મીડિયા સાથે વાતચીત કરતાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શિવલિંગને આદરપૂર્વક પોલીસ મથકે રાખવામાં આવ્યું છે. આ મામલે તપાસ એજન્સીઓને જાણ કરી દેવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ શિવલિંગ લોકોને પરત કરી દેવામાં આવશે. 

    - Advertisement -

    તેમણે જણાવ્યું કે, લોકોની સામે જ જવેલર્સને બોલાવીને શિવલિંગનું વજન કરાવવામાં આવ્યું છે. વિશેષ એજન્સીઓ પાસે તપાસ કરાવીને શિવલિંગ કયા ક્ષેત્રનું છે અને નદીમાં કેવી રીતે આવ્યું તે મામલે જાણકારી મેળવવામાં આવી રહી છે. સંપૂર્ણ તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કોઈ અન્ય બાબત સામે નહીં આવે તો જે ક્ષેત્રના લોકોને આ શિવલિંગ મળ્યું છે તેમને પરત કરી દેવામાં આવશે.

    રિપોર્ટ અનુસાર, રામમિલન સાહની નામના વ્યક્તિ શનિવારે નદીમાં સ્નાન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પૂજા પાત્ર ધોવા માટે નદીમાંથી માટી કાઢતી વખતે રેતીમાં કંઈક વસ્તુ હોવાનો અહેસાસ થયો. જે બાદ તેમણે નજીકમાં જ માછલી પકડી રહેલા અન્ય એક વ્યક્તિને બોલાવ્યો અને બંનેએ ખોદકામ કરતાં તેમને ચાંદીનું શિવલિંગ મળી આવ્યું હતું. બંને શિવલિંગને ઘરે લઇ આવ્યા અને નજીકના મંદિરના પૂજારીને જાણ કરી હતી. જે બાદ વિધિવત રીતે પૂજા-અર્ચના કરી સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. 

    શિવલિંગ મળી આવ્યાના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયા બાદ લોકોએ ‘હર હર મહાદેવ’ અને ‘ભોલેનાથ કી જય’ લખીને ખુશી વ્યક્ત કરી હતી. 

    આચાર્ય રાજરત્નમે કહ્યું કે, શ્રાવણ માસમાં બાબા ભોલેનાથનું પ્રકટીકરણ રાષ્ટ્ર માટે એક સુખદ સંદેશ છે. 

    એક યુઝરે પોલીસને કહ્યું હતું કે, તેમની ઉપર ભગવાન શિવના આશીર્વાદ વરસ્યા છે તેમજ અપીલ કરી હતી કે શિવલિંગને પૂરેપૂરા આદર-સન્માન સાથે રાખવામાં આવે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં