Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદની જાણીતી સીદી સૈયદની જાળીવાળી મસ્જિદમાં બિલાડી જેવડા કદના ઉંદરો પેંઠા: પાયામાં...

    અમદાવાદની જાણીતી સીદી સૈયદની જાળીવાળી મસ્જિદમાં બિલાડી જેવડા કદના ઉંદરો પેંઠા: પાયામાં મોટા-મોટા દરો બનાવ્યા, ટ્વિટર પર મૂષકરાજ ચર્ચામાં

    કેટલાક લોકોએ એમ પણ જણાવ્યું છે કે મસ્જિદમાં આવનારા લોકો દ્વારા ફેલાવવામાં આવતા કચરા અને ખાદ્ય પદાર્થોના અવશેષોના કારણે ઉંદરોનો ઉપદ્રવ વધ્યો છે.

    - Advertisement -

    અમદાવાદનાં અનેક પર્યટન સ્થળોમાંની એક એવી સીદી સૈયદની જાળીવાળી મસ્જિદના અસ્તિત્વ પર જોખમ તોળાઈ રહ્યું છે. આ મસ્જિદના પાયા સડી રહ્યા છે, જેની પાછળનું કારણ બિલાડી જેવડા કદના ઉંદરો છે. સીદી સૈયદની જાળીવાળી મસ્જિદમાં રહેતા આ ઉંદરો પરિસર અને આસપાસની જમીનને ઘર બનાવીને બેસી ગયા છે. જેને લઈને સ્થાનિક સમુદાયે મસ્જિદને બચાવવા માટે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

    મીડિયાના અહેવાલો અનુસાર, અમદાવાદની સીદી સૈયદની જાળીવાળી મસ્જિદમાં છેલ્લા થોડા સમયથી ઉંદરોનો ઉપદ્રવ વધ્યો છે. ઉંદરોએ મસ્જિદના પાયાને ખોદીને અનેક દર બનાવ્યા છે અને જેના કારણે મસ્જિદની આસપાસની જમીન નરમ પડી ગઈ છે, જેને લઈને મસ્જિદનું બાંધકામ પણ નબળું પડી રહ્યું છે.

    આ મસ્જિદની જાળવણીની જવાબદારી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) અને સ્થાનિક વહીવટી તંત્રની છે. મસ્જિદની પાછળની બાજુએ એક બગીચો આવેલો છે તે પણ જાળવણીના અભાવે ખંડેર બની ગયો છે. બાગમાં મૂકવામાં આવેલા ફુવારાને પણ ઘણું નુકસાન થયું છે. કેટલાક લોકોએ એમ પણ જણાવ્યું છે કે મસ્જિદમાં આવનારા લોકો દ્વારા ફેલાવવામાં આવતા કચરા અને ખાદ્ય પદાર્થોના અવશેષોના કારણે ઉંદરોનો ઉપદ્રવ વધ્યો છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ મસ્જિદનું નિર્માણ 1572માં કરવામાં આવ્યું હતું. મસ્જિદના પરિસરમાં ઉંદરો હોવાની જાણ ગયા વર્ષે અને તે પહેલાં 2018માં પણ કરવામાં આવી હતી પરંતુ તે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના દાવાઓ કરવામાં આવ્યા છે. આ સિવાય 2018ના એક રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વર્ષ 2014થી ઉંદરોની સમસ્યા યથાવત છે.

    આ સ્થળની સારસંભાળ રાખતા એક વ્યક્તિએ અમદાવાદ મિરરને જણાવ્યું હતું કે જ્યારે પણ તેઓ જૂના દર પૂરે ત્યારે ઉંદરો નવા દર ખોદી નાંખે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમારે મૌલવીના રૂમમાં ટાઇલ્સ લગાવવી પડી હતી કારણ કે ત્યાં પણ ઉંદરો ઉંદરોનો ઉપદ્રવ વધી ગયો હતો. કોઈ પણ રીતે તેઓ મસ્જિદમાં આવી જાય છે. અમે અનેક વાર ઉંદરોનો નાશ કરવા ઝેરી દવાઓ પણ મૂકી જોઈ, પરંતુ તેનાથી પણ કોઈ ફરક પડતો નથી. આ સિવાય પણ અનેલ લોકોએ માંગ કરી છે કે વહીવટીતંત્ર તાત્કાલિક હેરિટેજ સાઈટની જાળવણી માટે કાર્યવાહી કરે નહીં તો તેનું અસ્તિત્વ જોખમાઈ જશે.

    સોશિયલ મીડિયામાં ચર્ચા

    સીદી સૈયદની જાળીવાળી મસ્જિદમાં ઉંદરો ઘૂસ્યા હોવાનું સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં પણ આ વિશે ચર્ચાઓ ચાલી રહી છે. ટ્વિટર પર લોકો આ ઘટનાની ચર્ચા કરી રહ્યા છે તો અને ક્યાંક રમૂજી પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે.

    યુઝરોમાં ‘મૂષકરાજ’ શબ્દ ભારે ચર્ચાનો વિષય બન્યો છે, જેની ઉપર કેટલાક લોકોએ ટ્વિટ પણ કર્યાં હતાં.

    અન્ય એક વ્યક્તિએ ‘મૂષક રાજ કી જય’ લખીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

    દેશમાં બનતી નાનામાં નાનીથી લઈને મોટી ઘટનાઓ સુધી, કાયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દોષનો ટોપલો ઢોળતા લોકો પર વ્યંગ કરતા મુકેશ નામના યુઝરે લખ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે રાજીનામું આપી દેવું જોઈએ.. તેઓ (ઉંદરો) તેમના જ એજન્ટો છે.’

    અન્ય એક હેન્ડલ પરથી પણ દરેક વાતે નરેન્દ્ર મોદીનો વિરોધ કરનારા લોકો પર ટોણો મારતા લખ્યું હતું કે. ‘પીએમને દોષ દેવાનો સમય આવી ગયો છે.’

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં