Tuesday, July 23, 2024
More
  હોમપેજક્રાઈમ‘હો ગઈ ગલતી, અબ મર જાઉં ક્યા’: શ્રદ્ધાના 35 ટુકડા કરનાર આફતાબને...

  ‘હો ગઈ ગલતી, અબ મર જાઉં ક્યા’: શ્રદ્ધાના 35 ટુકડા કરનાર આફતાબને કોઇ પસ્તાવો નહીં, જેલમાં જોઈએ છે મિનરલ વોટર અને નવાં કપડાં- રિપોર્ટ

  રિપોર્ટ અનુસાર, દિલ્હીની તિહાડ જેલમાં બંધ આફતાબ કોઇ સાથે વધુ વાત કરતો નથી અને પોતાની વિરુદ્ધ દાખલ થયેલી ચાર્જશીટ વાંચતો રહે છે. કોર્ટમાં હાજરી આપવા માટે લઇ જવામાં આવે ત્યારે તે બિસલેરી પાણી પીએ છે કારણ કે તેને ડર છે કે કોઈ તેને ઝેર આપી દેશે.

  - Advertisement -

  પોતાની હિંદુ લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વાલકરની હત્યા કરીને 35 ટુકડા કર્યા બાદ જંગલમાં જુદાં-જુદાં ઠેકાણે ફેંકી આવનાર આફતાબ અમીન પૂનાવાલા હાલ જેલની હવા ખાઈ રહ્યો છે. તેની સામે દિલ્હીની સાકેત કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. પોલીસે 6 હજાર કરતાં વધુ પાનાંની ચાર્જશીટ દાખલ કરી દીધી છે, જે હાલ તે જેલમાં બેઠો વાંચી રહ્યો છે. તેને પોતે કરેલાં કૃત્યોનો કોઇ પસ્તાવો નથી અને લાગે છે કે એક દિવસ તે છૂટી જશે.

  આફતાબની ધરપકડને એક કરતાં વધુ વર્ષ થયા બાદ અખબાર દૈનિક ભાસ્કરે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે, જેમાં ઘણી બાબતો વિશે ઘટસ્ફોટ થયા છે. રિપોર્ટ અનુસાર, દિલ્હીની તિહાડ જેલમાં બંધ આફતાબ કોઇ સાથે વધુ વાત કરતો નથી અને પોતાની વિરુદ્ધ દાખલ થયેલી ચાર્જશીટ વાંચતો રહે છે. કોર્ટમાં હાજરી આપવા માટે લઇ જવામાં આવે ત્યારે તે બિસલેરી પાણી પીએ છે કારણ કે તેને ડર છે કે કોઈ તેને ઝેર આપી દેશે.

  આફતાબનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે છે. હાલ સાક્ષીઓની જુબાની લેવામાં આવી રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, કોર્ટના લૉકઅપ રૂમમાં તે ક્યારેય ભોજન કરતો નથી, કશું બોલતો નથી અને ફાઇલ વાંચતો રહે છે. માત્ર બિસલેરીની બોટલની માંગ કરે છે અને જેલમાં પણ તે આ જ પાણી માંગે છે. આજકાલ નવાં કપડાં પણ માંગતો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેની માંગો પૂરી થતી નથી અને જેલ અને લૉકઅપ રૂમમાં અન્યોને જે સુવિધાઓ અપાય તે જ તેને પણ મળે છે. 

  - Advertisement -

  ભાસ્કરે રિપોર્ટમાં જણાવ્યું છે કે તેમણે કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે આફતાબને કોઇ વાતનો અફસોસ નથી. તેણે ક્યારેય એવું પણ ન કહ્યું કે તેણે ખોટું કર્યું અને તેનો તેને પસ્તાવો છે. તેને લાગે છે કે એક દિવસ તે છૂટી જશે. તેની બોડી લેન્ગવેજ પહેલા દિવસે જેવી હતી તેવી જ આજે પણ છે. તેના હાવભાવ અને વર્તન પરથી તેને પસ્તાવો કે રંજ હોવાનું ક્યાંય લાગતું નથી. 

  કર્મચારીઓએ તેને પૂછ્યું કે શ્રદ્ધા સાથે તેને બનતું ન હતું તો છોડી દેવી હતી, હત્યા શા માટે કરી નાખી? ત્યારે તેણે ગોળગોળ જવાબો આપ્યા હતા. ક્યારેક કહ્યું કે તેનું પાડોશમાં રહેતા યુવક સાથે ચક્કર હતું તો ક્યારેક કહેતો કે પૈસા માટે દબાણ કરતી હતી. કાયમ અલગ-અલગ જવાબો આપતો રહેતો. 

  પોલીસ અધિકારીએ કહ્યું- આફતાબને કોઇ પસ્તાવો નહીં

  રિપોર્ટમાં આ કેસના તપાસ અધિકારી રામ સિંહને પણ ટાંકવામાં આવ્યા છે. તેઓ જ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે. તેમણે અખબારને જણાવ્યું કે, “ચાર્જશીટ દાખલ થયા સુધી તેઓ તપાસ માટે આફતાબને રોજ મળતા હતા, ત્યારે તે મહરૌલીની જેલમાં હતા અને હવે ચાર્જશીટ દાખલ થયા બાદ તેમની મુલાકાત કોર્ટમાં જ થાય છે. તેમણે એ પણ જણાવ્યું કે કઈ રીતે આફતાબ પાસેથી બધું બોલાવડાવ્યું હતું. 

  રામ સિંહ કહે છે કે, આફતાબ પાસેથી કબૂલાત કરાવવામાં બહુ મહેનત લાગી કારણ કે તે જાણતો હતો કે તે કાંઈ પણ કહેશે તો પુરાવો બની જશે. તે માટે ખાસ ટ્રિક વાપરવી પડે છે અને મારપીટ કર્યા વગર બધું બોલાવડાવવું પડે છે. જ્યારે પૂછવામાં આવ્યું કે આફતાબે કર્યાનો તેને કોઇ અફસોસ છે? તો પોલીસ અધિકારીએ કહ્યું કે, “પૂછપરછ દરમિયાન તેણે એક વખત કહ્યું હતું કે મારાથી ભૂલ થઈ ગઈ પણ સાથે એમ પણ કહ્યું હતું કે હવે ભૂલ થઈ ગઈ તો શું? મરી થોડો જઈશ? તેની વાત પરથી ક્યારેય એવું લાગ્યું નહીં કે તેને કોઇ પસ્તાવો છે.” 

  પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, તેને પરિવારનું કોઇ મળવા આવતું નથી. માત્ર એક વખત તેના પિતાએ ફોન પર વાતચીત કરી હતી. ન ક્યારેય આફતાબે ઘરના કોઇ સભ્ય સાથે વાતચીત કરવા માટે કહ્યું છે.

  રિપોર્ટ અનુસાર, આફતાબ સતત પોતાનો વકીલ બદલી રહ્યો છે, જેના કારણે પણ સુનાવણીમાં થોડો વિલંબ થઈ રહ્યો છે. નવેમ્બર અંત સુધીમાં આ કેસમાં 54 સાક્ષીઓની ઊલટતપાસ થઈ ચૂકી છે અને 50 સાક્ષીઓ એવા છે, જેમની ઉલટતપાસ જરૂરી નથી. એટલે કે આ કેસમાં કુલ 182 વિટનેસ છે, જેમાંથી 110ની જુબાની લેવામાં આવી ચૂકી છે. 

  શ્રદ્ધા વાલકર કેસ 

  કેસ વર્ષ 2022નો છે. શ્રદ્ધા વાલકર નામની એક હિંદુ યુવતી પરિવારની મરજીથી વિરુદ્ધ જઈને મુસ્લિમ યુવક આફતાબ પૂનાવાલા સાથે ભાગી ગઈ હતી. બંને દિલ્હી આવી ગયાં હતાં. જ્યાં મે, 2022માં કોઇ વાતે બંનેનો ઝઘડો થતાં આફતાબે તેને ગળું દબાવીને મારી નાખી હતી અને પછીથી તેની લાશના 35 ટુકડા કર્યા હતા, જે ભરવા માટે એક ફ્રીઝ પણ લાવ્યો હતો. પછીથી તે દરરોજ રાત્રે થોડા ટુકડા લઈને જંગલમાં ફેંકી આવતો. આવું તેણે 18 દિવસ સુધી કર્યું હતું. 

  દરમ્યાન, શ્રદ્ધાનો કોઈ સંપર્ક ન થતાં જૂન-જુલાઈમાં તેના પિતાએ તપાસ શરૂ કરી હતી. તેઓ જ્યારે દિલ્હી પહોંચ્યા તો ઘરે તાળું જોવા મળ્યું. પછીથી પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે તપાસ કરતાં આખરે નવેમ્બરમાં આફતાબ પકડાયો હતો. ત્યારથી તે જેલમાં બંધ છે. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં