મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય ખેલ વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સંજય રાઉતને સમન્સ પાઠવવામાં આવ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. સંજય રાઉતે આવતીકાલે (28 જૂન 2022) ઇડી સમક્ષ હાજર રહેવું પડશે.
સંજય રાઉતને આ સમન્સ જમીન કૌભાંડ મામલેના એક કેસમાં પાઠવવામાં આવ્યા હોવાનું મીડિયા અહેવાલોનું કહેવું છે. જોકે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં આ મામલે હજુ સુધી સંજય રાઉત તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
Enforcement Directorate (ED) summons Shiv Sena MP Sanjay Raut on June 28, in connection with Patra Chawl land scam case
— ANI (@ANI) June 27, 2022
(File pic) pic.twitter.com/bPioKK6IPJ
ઇડીએ આ પહેલાં સંજય રાઉતના નજીકના ગણાતા પ્રવીણ રાઉતની ધરપકડ કરી હતી. હાલમાં જ ઇડીએ પ્રવીણ રાઉતની કરોડોની સંપત્તિ જપ્ત કરી લીધી હતી. આ સંપત્તિ 11 કરોડ રૂપિયાની કિંમતની હતી. જેમાં પાલઘરમાં પ્રવીણ રાઉતની પત્નીની 9 કરોડની સંપત્તિ જયારે 2 કરોડની કિંમતના દાદરમાં બે ફ્લેટ અને અલીબાગના એક પ્લોટ જપ્ત કર્યા હતા.
પ્રવીણ રાઉતનું નામ ડિસેમ્બર 2020 માં પીએમસી બેન્ક કૌભાંડ કેસમાં પણ સામે આવી ચૂક્યું છે. તપાસમાં સામે આવ્યું હતું કે પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ 2010 માં શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને 55 લાખ રૂપિયાની વ્યાજમુક્ત લૉન આપી હતી. જેનો ઉપયોગ મુંબઈના એક દાદરમાં ફ્લેટ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. ઇડી હાલ આ કેસની પણ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાના બહુમતી ધારાસભ્યો બળવો કરીને આસામના ગુવાહાટી ઉપડી ગયા છે અને મહાવિકાસ આઘાડી સરકાર પર દરેક ક્ષણે સરકાર ઉથલી જવાનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલ એકનાથ શિંદે પાસે કુલ 38 ધારાસભ્યોનું સમર્થન છે. બીજી તરફ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના સતત નબળી પડી રહી છે. હવે, આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં આજે સુનાવણી થશે.
સરકાર અને પાર્ટી સંકટમાં હોવાની વચ્ચે પણ શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત એક પછી એક વિવાદાસ્પદ અને બેફામ નિવેદનો આપીને ચર્ચામાં રહ્યા છે. તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે, ગુવાહાટીથી 40 લાશો આવશે અને જેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે. આ ઉપરાંત, તેમણે કેમેરા સામે ઘણી વખત ધમકીભર્યા સ્વરે વાતચીત કરી હતી. હવે સંજય રાઉતને ઇડીનું સમન્સ મળતાં મામલો વધુ ગરમાયો છે.