Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહારાષ્ટ્ર: શિંદે જૂથ અને ઠાકરે જૂથના કાર્યકર્તાઓ બાખડ્યા: ઉદ્ધવ જૂથના પાંચ માણસોની...

    મહારાષ્ટ્ર: શિંદે જૂથ અને ઠાકરે જૂથના કાર્યકર્તાઓ બાખડ્યા: ઉદ્ધવ જૂથના પાંચ માણસોની ધરપકડ, પછી છોડી મૂકાયા

    મહારાષ્ટ્રમાં પાર્ટીની બે ફાડ પડી ગયા બાદ વાક્યુદ્ધ ચાલી રહ્યું હતું તે હવે ઝપાઝપીમાં પરિણમ્યું.

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં શિવસેનાની બે ફાડ પડી ગઈ છે. જેમાંથી મોટું જૂથ એકનાથ શિંદે પાસે છે, જેઓ હાલ સરકારમાં છે. જ્યારે અન્ય એક જૂથ ઉદ્ધવ ઠાકરેનું છે. બંને જૂથો વચ્ચે વાક્યુદ્ધ તો ઘણા સમયથી ચાલતું હતું પરંતુ હવે કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા અને ઝપાઝપી થઇ ગઈ હતી. આ મામલે પોલીસે ઉદ્ધવ જૂથના પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે. 

    આ ધમાલ એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને થઇ હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. ઘર્ષણ બાદ પોલીસે કુલ 30 લોકો સામે કેસ દાખલ કર્યો હતો. જે બાદ ઉદ્ધવ જૂથના પાંચ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ તમામ સામે પહેલાં આઈપીસીની કલમ 395 લાગુ કરી હતી, પરંતુ પછીથી હટાવી દીધી હતી. ત્યારબાદ પાંચેયને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમને જામીન આપ્યા હતા. 

    રિપોર્ટ અનુસાર, ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથના કાર્યકર્તાઓ ગણેશ વિસર્જન દરમિયાન બાખડ્યા હતા. જે બાદ ગત રાત્રિએ દાદર વિસ્તારમાં ફરી બંને જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી. જે મામલે શિવસેનાના શિંદે જૂથના ધારાસભ્ય સદા સરવણકર અને તેમના માણસો રાત્રે દાદર પોલીસ મથકે પહોંચ્યા હતા અને ઉદ્ધવ જૂથ સામે કેસ દાખલ કરાવ્યો હતો. 

    - Advertisement -

    વિગતો અનુસાર, ઉદ્ધવ જૂથનો આરોપ છે કે શિંદે જૂથના કાર્યકર્તાઓએ વોટ્સએપ ગ્રુપમાં ઠાકરે જૂથને લઈને કોઈ પોસ્ટ કરી હતી, જેના કારણે ઉદ્ધવ જૂથના કાર્યકરો નારાજ થયા હતા. જે બાદ ગણેશ વિસર્જન દરમિયાન પણ લડાઈ ચાલી હતી. 

    ગઈકાલે રાત્રે ઉદ્ધવ જૂથના કેટલાક કાર્યકર્તાઓ સદા સરવણકરના બિલ્ડીંગ નીચે પ્હોસિન્હિ ગયા હતા અને નારાબાજી કરવા માંડ્યા હતા. તે જ સમયે ત્યાં એકનાથ શિંદે જૂથના લોકો પણ આવી પહોંચ્યા અને બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઇ ગઈ હતી. જે બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો અને શિંદે જૂથના કાર્યકરોની ફરિયાદના આધારે પોલીસે ઉદ્ધવ જૂથના 30 થી 40 લોકો સામે કેસ દાખલ કર્યો હતો અને પછી ધરપકડ પણ કરી લીધી હતી. જોકે, તેમને હવે મુક્ત કરવામાં આવ્યા છે. 

    મહારાષ્ટ્રમાં જૂન સુધી બધું ઠીકઠાક ચાલી રહ્યું હતું પરંતુ અચાનક ઉદ્ધવ ઠાકરેના એક સમયના નજીકના ગણાતા શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ બળવો કર્યો હતો અને પોતાની સાથે અમુક ધારાસભ્યોને લઈને પહેલાં સુરત અને ત્યાંથી ગુવાહાટી ઉપડી ગયા હતા. બહુમતી ધારાસભ્યો પોતાની સાથે થઇ જતાં શિંદેએ ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી અને વિધાનસભામાં બહુમત પણ સાબિત કરી દીધો હતો. 

    એકનાથ શિંદે જૂથે હવે શિવસેના પાર્ટીના નામ અને ચિહ્ન પર પણ દાવો ઠોકી દીધો છે. જે મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. બીજી તરફ, આગામી મહિને મુંબઈમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. જેમાં શિંદે જૂથ અને ભાજપ સાથે મળીને લડવા જઈ રહ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં