Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહાઈવોલ્ટેજ ડ્રામા બાદ શરદ પવારનો યુ-ટર્ન: NCPના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય...

    હાઈવોલ્ટેજ ડ્રામા બાદ શરદ પવારનો યુ-ટર્ન: NCPના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય પરત ખેંચી લીધો

    રાજીનામું પરત લેતાં શરદ પવારે કહ્યું- કાર્યકર્તાઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ભાવનાઓનો અનાદર કરી શકું નહીં.

    - Advertisement -

    રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ પદેથી રાજીનામું આપવાની ઘોષણા કર્યાના થોડા જ દિવસોમાં શરદ પવારે મોટો યુ-ટર્ન લીધો છે. આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. જેથી તેઓ પાર્ટીના અધ્યક્ષ પદે યથાવત રહેશે. 

    એક પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે કહ્યું કે, હું તમારી ભાવનાઓનો અનાદર કરી શકું તેમ નથી. તમારા પ્રેમને વશ થઈને મારું રાજીનામું પરત ખેંચવા માટેની માંગ અને વરિષ્ઠ NCP નેતાઓ દ્વારા બેઠકમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવનું સન્માન કરતાં હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષ પદ છોડવાનો મારો નિર્ણય પરત લઉં છું. 

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં શરદ પવારે પોતાની આત્મકથાના વિમોચન દરમિયાન રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. સાથે એમ પણ કહ્યું હતું કે હવે પછી તેઓ ચૂંટણી પણ લડશે નહીં. તેમણે કહ્યું હતું, “મેં 1 મે, 1960ના રોજ મારી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ગઈકાલે આપણે મે ડેની ઉજવણી કરી. લાંબા રાજકીય કાર્યકાળ બાદ વ્યક્તિએ ક્યાં અટકવું તે વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ અને લોભી બનવું ન જોઈએ.”

    - Advertisement -

    શરદ પવારે રાજીનામું આપવાની ઘોષણા કર્યા બાદ આગામી અધ્યક્ષ નક્કી કરવા માટે 18 સભ્યોની એક સમિતિ બનાવી હતી. જેમાં અજિત પવાર, સુપ્રિયા સુલે, પ્રફુલ પટેલ સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમિતિની આજે એક બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને શરદ પવારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમને અધ્યક્ષ પદે યથાવત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. 

    એક તરફ પવારે રાજીનામું આપવાની ઘોષણા કર્યા બાદ એનસીપીના અન્ય નેતાઓએ પણ રાજીનામાં આપવાની શરૂઆત કરી દીધી હતી. જેમાં વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા જીતેન્દ્ર આવ્હાડનો પણ સમાવેશ થાય છે. તેમણે પાર્ટીના મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું હતું. ઉપરાંત, થાણેના પાર્ટીના આખા એક યુનિટે રાજીનામાં મોકલી આપ્યાં હતાં. 

    શરદ પવારની જાહેરાત બાદથી જ ચર્ચા ચાલતી હતી કે એનસીપીની કમાન કોના હાથમાં સોંપવામાં આવશે. પરંતુ જે રીતે NCP નેતાઓએ વલણ દાખવ્યું તેને જોઈને લાગી રહ્યું હતું કે પવાર પોતાનો નિર્ણય પરત ખેંચી લેશે. એક હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આખરે એ જ થયું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં