Sunday, May 19, 2024
More
  હોમપેજગુજરાતઆજે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર અને અધ્યક્ષની ચૂંટણી: સર્વાનુમતે શંકર ચૌધરી...

  આજે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર અને અધ્યક્ષની ચૂંટણી: સર્વાનુમતે શંકર ચૌધરી નિમાયા વિધાનસભા અધ્યક્ષ- જાણો તેમના વિષે વધુ

  નિષ્ણાતો માને છે કે શંકર ચૌધરી ઉત્તર ગુજરાતમાં ભાજપનો મોટો ઓબીસી ચહેરો છે અને સહકારી ક્ષેત્રમાં તેમનું નામ હોવાથી તેમના નામની પસંદગી થઈ છે. તેમણે પોતાની પહેલી ચૂંટણી ગુજરાતના તત્કાલીન દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા સામે 1997માં રાધનપુરથી લડી હતી.

  - Advertisement -

  મંગળવારે (19 ડિસેમ્બર) ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળવા જઈ રહ્યું છે. તે પહેલા સોમવારે વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે શપથ લીધા હતા. આજે મળેલ વિધાનસભા સત્રમાં વિધાનસભા અધ્યક્ષ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં શંકર ચૌધરીનું નામ સૌથી આગળ આવ્યું હતું અને આખરે શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ બન્યા અને તેઓએ અધ્યક્ષ તરીકેના શપથ લીધા છે.

  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ ધારાસભ્યો સામે વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. જે બાદ સર્વાનુમતે તેમની પસંદગી થઇ હતી.

  નોંધનીય છે કે વિધાનસભા સત્ર પહેલા સોમવારે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. વિગતો મુજબ આ બેઠકમાં મુખ્યમંત્રી સહિતના ભાજપનાં 156 ધારાસભ્યો હાજર રહ્યા હતા. જે બાદ ગુજરાત વિધાનસભામાં તમામ 182 ધારાસભ્યોનો શપથગ્રહણ સમારંભ યોજાયો હતો.

  - Advertisement -

  શંકર ચૌધરીએ ભર્યું હતું અધ્યક્ષ તરીકેનું ફોર્મ

  ગઈ કાલે વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ ભર્યુ ફોર્મ હતું. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સહિત મંત્રીઓ રહ્યા ઉપસ્થિત હતા. જે બાદ બપોરે શંકર ચૌધરી ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. કારણ કે વિધાનસભાના અધ્યક્ષ નિષ્પક્ષ હોય છે, કોઈપણ રાજકીય પક્ષ સાથે અધ્યક્ષ સંકળાયેલા હોતા નથી. તેથી અધ્યક્ષપદની ઉમેદવારી બાદ શંકર ચૌધરી ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું.

  તમામ 182 ધારાસભ્યોએ લીધા શપથ

  ગઈ કાલે વિધાનસભામાં તમામ 182 ધારાસભ્યોની શપથ વિધિ યોજાઈ હતી.

  સૌ પહેલા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પ્રોટેમ સ્પીકર તરીકેના શપથ લીધા હતા. બાદમાં તેઓએ સૌ પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા હતા. બાદમાં ગુજરાતના નવા મંત્રીઓએ શપથ લીધા હતા.

  જે બાદ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા અને ગણપત વસાવાએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. બાદમાં સૌ ધારાસભ્યોએ શપથ લીધા હતા. રાજકોટના ધારાસભ્ય ડો. દર્શનાબેન શાહ અને નાંદોલના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે સંસ્કૃતમાં શપથ લીધા હતા.

  કોણ છે ગૃહના નવા અધ્યક્ષ શંકર ચૌધરી

  જ્યારે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોનો શપથવિધી સમરોહ યોજાયો ત્યારે થરાદના ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીનો મંત્રીમંડળમાં સમાવેશ ન કરાતા રાજકીય વિશ્લેષકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરંતુ બાદમાં તેમનું નામ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ભાજપે આગળ ધર્યું હતું.

  ભાજપ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષપદ માટે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષપદ માટે જેઠાભાઈ ભરવાડ ઉમેદવાર છે.

  નોંધનીય છે કે આ ચૂંટણીમાં શંકર ચૌધરીએ હાલની વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 26,506 મતોએ હરાવ્યા હતા.

  શંકર ચૌધરી ઉત્તર ગુજરાતમાં ભાજપનો મોટો ઓબીસી ચહેરો છે અને સહકારી ક્ષેત્રમાં તેમનું નામ હોવાથી તેમના નામની પસંદગી થઈ છે. તેમણે પોતાની પહેલી ચૂંટણી ગુજરાતના તત્કાલીન દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા સામે 1997માં રાધનપુરથી લડી હતી.

  તેઓ બનાસકાંઠા જિલ્લા સહકારી મિલ્ક ફેડરેશનના ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા હતા. તેઓએ બનાસ ડેરીમાં સતત 24 વર્ષથી એકધારા ચાલતા પર્થી ભટોળના દબદબાનો અંત આણ્યો હતો. આ અગાઉ તેઓ 7 ઑગસ્ટ 2016થી લઈને 26 ડિસેમ્બર સુધી આનંદીબહેન પટેલની સરકારમાં મેડિકલ ઍજ્યુકેશન અને પર્યાવરણ તથા શહેરીવિકાસ મંત્રાલયનું રાજ્ય કક્ષાનું મંત્રીપદ પણ સંભાળી ચૂક્યા છે. આ સિવાય તેઓ ધ ગુજરાત સ્ટેટ કો-ઑપરેટિવ બૅન્કના પણ ઉપપ્રમુખ છે.

  આમ ન માત્ર ઉત્તર ગુજરાત પરંતુ શંકર ચૌધરીને સમગ્ર ગુજરાતના એક દિગ્ગજ નેતા માનવામાં આવે છે. આજે તેઓએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ સંભાળ્યો છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં