Thursday, May 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરતની શાહિદ મસીદ સંસ્થાએ શેલ્ટર હોમમાં હિંદુઓ પ્રત્યે ભેદભાવ દર્શાવ્યો; મેયરે અચાનક...

    સુરતની શાહિદ મસીદ સંસ્થાએ શેલ્ટર હોમમાં હિંદુઓ પ્રત્યે ભેદભાવ દર્શાવ્યો; મેયરે અચાનક મુલાકાત લેતાં ભાંડો ફૂટ્યો અને બીજી કેટલીયે ગેરરીતિઓ સામે આવી

    આ શેલ્ટર હોમ સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ગોરાટમાં ચાલતું હતું. આ સંસ્થા અહીં રહેતાં હિંદુ નિરાશ્રીતોને હેરાન કરતી હોવાની અને મુસ્લિમોને ખાસ સુવિધા આપતી હોવાનો આરોપ ભાજપના સ્થાનિક કોર્પોરેટર કેયુર ચપટવાલાએ સુરતનાં મેયરને કરી હતી.

    - Advertisement -

    સુરતના ગોરાટ વિસ્તારમાં ચાલતા નિરાશ્રિતો માટેના આવાસ (shelter home) વિરુદ્ધ સ્થાનિક કોર્પોરેટર દ્વારા હિંદુઓ વિરુદ્ધ ભેદભાવ રખાતો હોવાની ફરિયાદ થવા બાદ હલચલ મચી ગઈ છે. આ શેલ્ટર હોમ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના (SMC) કાર્યક્ષેત્ર હેઠળ આવે છે, પરંતુ તેને એક સામાજિક સંસ્થાને ચલાવવા આપવામાં આવ્યું હતું.    

    શાહિદ મસીદ મેડીકલ સર્વન્ટ સોસાયટી દ્વારા સંચાલિત આ શેલ્ટર હોમ સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ગોરાટમાં ચાલતું હતું. આ સંસ્થા અહીં રહેતાં હિંદુ નિરાશ્રીતોને હેરાન કરતી હોવાની અને મુસ્લિમોને ખાસ સુવિધા આપતી હોવાની ફરિયાદ ભાજપના સ્થાનિક કોર્પોરેટર કેયુર ચપટવાલાએ સુરતનાં મેયરને કરી હતી.

    ફરિયાદ મળ્યા બાદ સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ આ સ્થળની અચાનક મુલાકાત લીધી હતી અને અહીં અનેક ગેરરીતિઓ ચાલતી હોવાનું પણ જાણ્યું હતું. પોતાની ફરિયાદમાં કેયુર ચપટવાલાએ એમ પણ કહ્યું હતું કે અહીં હિંદુ નિરાશ્રીતોને ફક્ત હેરાન જ નથી કરવામાં આવતા પરંતુ તેમને અહીંથી ચાલ્યા જવાનું પણ કહેવામાં આવતું હતું.

    - Advertisement -

    પોતાની આકસ્મિક મુલાકાત દરમ્યાન સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ ઉપરોક્ત ફરિયાદ પર તો ધ્યાન આપ્યું જ હતું પરંતુ તેમને એમ પણ માલુમ પડ્યું હતું કે આ શેલ્ટર હોમના સમગ્ર સંકુલમાં પૂરતી સ્વચ્છતા પણ જાળવવામાં નથી આવતી. આટલું જ નહીં અહીંના લાઈટ બિલ્સ પણ ચુકવવામાં નથી આવ્યા.

    શાહિદ મસીદ મેડીકલ સર્વન્ટ સોસાયટી છેલ્લા બે વર્ષથી આ સંકુલનું સંચાલન કરે છે. આ દરમ્યાન સંસ્થાને ગેરરીતિઓ બદલ અસંખ્ય નોટીસ પણ પાઠવવામાં આવી છે. હજી થોડા દિવસ અગાઉ આ જ સંકુલમાં એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ થઇ હતી અને આ વ્યક્તિને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં પણ દાખલ કરવી પડી હતી.

    મેયર હેમાલી બોઘાવાલાએ પોતાની મુલાકાત દરમ્યાન એ પણ જોયું હતું કે સંસ્થા અહીં 300 લોકોએ આશ્રય લીધો હોવાનો દાવો કાગળ પર કરી રહી હતી પરંતુ અહીં ફક્ત 100 જ લોકો જોવા મળ્યાં હતાં. જ્યારે તેમને અહીં ખરેખર કેટલા નિરાશ્રીતો રહે છે તેની યાદી અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે અહીંના કર્મચારીઓ તે આપવામાં પણ નિષ્ફળ રહ્યા હતા.

    આટઆટલી ગેરરીતિઓની જાણ થયા બાદ તેમજ કાઉન્સીલર દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં તથ્ય લાગતા સુરતનાં મેયર હેમાલી બોઘાવાલાએ શાહિદ મસીદ મેડીકલ સર્વન્ટ સોસાયટીને બ્લેક લીસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં