મધ્ય પ્રદેશના રતલામમાં અચાનક માહોલ તંગ બન્યો છે. બુધવારે રાત્રિના સમયે ટોળાએ પોલીસ મથક ઘેરી લીધું હતું. સોશિયલ મીડિયા પર કથિત રીતે ઇસ્લામ વિશે વિવાદાસ્પદ પોસ્ટ મૂકવામાં આવી હતી, જેને લઈને મુસ્લિમ સમાજનાં ટોળાં પોલીસ મથકે પહોંચ્યાં હતાં. આ દરમિયાન ‘સર તન સે જુદા’ના નારા લાગ્યા હોવાના પણ અહેવાલ છે.
આ ઘટના રતલામમાં બુધવારે (9 ઓગસ્ટ, 2023) રાત્રિએ બની. રાત્રે મુસ્લિમ સમુદાયનાં ટોળાં પોલીસ મથકે એકઠાં થવા માંડ્યાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ સોશિયલ મીડિયા પર કથિત રીતે ઇસ્લામ વિરુદ્ધ મૂકવામાં આવેલ એક પોસ્ટના વિરુદ્ધમાં એકઠા થયા હતા અને આ પોસ્ટ કરનાર વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી રહ્યા હતા. તેમણે આરોપીનું ઘર તોડવાની પણ માગ કરી. સોશિયલ મીડિયા પર અમુક વિડીયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં ટોળામાં સામેલ લોકો ‘સર તન સે જુદા’ના નારા લગાવતા સાંભળી શકાય છે.
Sar Tan Se Juda slogans raised midnight in Madhya Pradesh
— Hate Tracker (@HatetrackIN) August 10, 2023
Muslim mob surrounded police station in Ratlam and raised Sar Tan Se Juda chants due to an alleged offensive Instagram post. pic.twitter.com/kDqMcNiBZi
રિપોર્ટ અનુસાર, રાત્રે 10 વાગ્યે લોકો એકઠા થવાના શરૂ થયા હતા. તેમની માગ હતી કે કથિત રીતે આપત્તિજનક ટિપ્પણી કરનાર સામે FIR દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવે. જાણકારી મળતાં જ આસપાસનાં પોલીસ મથકેથી પણ કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા અને ત્યારબાદ CSP પણ પહોંચ્યા. 2 કલાક બાદ પોલીસે માહોલ શાંત પાડ્યો હતો.
શરૂઆતમાં સમજાવટ છતાં ટોળું પરત ફરવા માટે તૈયાર ન હતું અને એક વખત તો પોલીસ મથકની અંદર ઘૂસવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સ્થિતિ સંભાળી લીધી હતી. ત્યારબાદ મુસ્લિમ અગ્રણીઓની પણ મદદ લેવામાં આવી. પોલીસે આખરે FIRની નકલ આપીને મુસ્લિમ અગ્રણીઓ પાસે જ માઈકમાં વંચાવી હતી, ત્યારબાદ ટોળું વિખેરાયું.
પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદ પર એક ફેસબુક આઈડી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને સાયબર સેલની મદદથી આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. અન્ય એક રિપોર્ટમાં પોલીસને ટાંકીને જણાવવામાં આવ્યું કે, એક યુવતી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. આઈડી કોણ ચલાવી રહ્યું છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સમગ્ર મામલે એડિશનલ એસપી રાકેશ ખાકાએ જણાવ્યું કે, “સોશિયલ મીડિયા પર કોઈએ આપત્તિજનક પોસ્ટ મૂકી હતી, જેની પર એક સમુદાયના લોકો નારાજ થઈને ફરિયાદ દાખલ કરાવવા માટે આવ્યા હતા. અમે તેમને આશ્વાસન આપ્યું અને વિવાદિત પોસ્ટ કરનાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.” ‘સર તન સે જુદા’ના નારા લાગવા મામલે તેમણે કહ્યું કે, આ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો છે અને જેની પુષ્ટિ માટે હાલ તપાસ ચાલી રહી છે.