Thursday, April 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પાત્રા ચાલ કૌભાંડમાં માસ્ટરમાઇન્ડ, તપાસ ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યા’: ઇડીએ સંજય રાઉત...

  ‘પાત્રા ચાલ કૌભાંડમાં માસ્ટરમાઇન્ડ, તપાસ ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યા’: ઇડીએ સંજય રાઉત સામે ચાર્જશીટ દાખલ કરી; હજુ જેલમાં જ રહેશે

  શિવસેના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીઓ હજુ પણ ઘટી નથી, એક તરફ ઇડીએ તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે તો બીજી તરફ 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડી વધારી દેવામાં આવી છે.

  - Advertisement -

  મહારાષ્ટ્રના શિવસેના નેતા સંજય રાઉત હાલ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે અને છેલ્લા લગભગ દોઢેક મહિનાથી જેલમાં બંધ છે. આજે ફરી રાઉતની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે, કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે અને કસ્ટડી વધુ 14 દિવસ માટે લંબાવી દીધી છે. બીજી તરફ, કેસમાં ઇડીએ ચાર્જશીટ દાખલ કરી છે. 

  પાત્રા ચાલ કેસમાં શિવસેના નેતા સંજય રાઉત સામે ચાર્જશીટ દાખલ કરીને ઇડીએ ખુલાસો કરીને જણાવ્યું હતું કે, રાકેશ વાદ્યવન, સારંગ વાધવન અને પ્રવીણ રાઉતે મળીને મની લોન્ડરિંગ કર્યું હતું અને પ્રવીણ રાઉત મારફતે કૌભાંડના રૂપિયા સંજય રાઉત સુધી પણ પહોંચતા હતા. 

  સંજય રાઉત પર તેમના વિશ્વાસુ પ્રવીણ રાઉતને ગુરુ આશિષ કંપનીમાં સામેલ કરવાનો આરોપ લગાવ્યો છે. પ્રવીણ રાઉત સંજય રાઉતનો મિત્ર છે, જેનો લાભ તેને આ પ્રોજેક્ટમાં મળ્યો હતો. પ્રવીણ રાઉત પાસે એટલી શક્તિ હતી કે તે કોઈ પણ મહત્વપૂર્ણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરાવી લાવતો હતો. તેમજ તે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી સાથે પણ વાતચીત કરતો હતો. ઉપરાંત, તેના તમામ અધિકારીઓ સાથે પણ સંપર્કો હતા. 

  - Advertisement -

  તપાસમાં સામે આવ્યું હતું કે, પ્રોજેક્ટની શરૂઆત માત્ર 13.18 એકર સાથે થઇ હતી, પરંતુ સંજય રાઉતની એન્ટ્રી થયા બાદ તે વધીને 47 એકરનો પ્રોજેક્ટ બની ગયો હતો. પ્રવીણ રાઉતે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, પાત્રા ચાલ પ્રોજેક્ટ લગભગ 740 કરોડ રૂપિયાનો હતો, જેમાંથી તેને 25 ટકા એટલે કે 180 કરોડ રૂપિયા મળ્યા હતા. 

  તપાસમાં સામે આવ્યું કે, સંજય રાઉતને પ્રવીણ રાઉત તરફથી ઘણી રકમ મળી હતી, જેની મદદથી સંજય રાઉતે કેટલીક સંપત્તિઓ પણ ખરીદી હતી તેમજ વ્યક્તિગત કામો માટે પણ આ રૂપિયા વાપરવામાં આવ્યા હતા. ઇડીએ પ્રોસીડ્સ ઑફ ક્રાઇમ દ્વારા અનુમાન લગાવ્યું છે કે સંજય રાઉતને ઘણા રૂપિયા મળવાના હતા.

  જોકે, એમ પણ સામે આવ્યું છે કે પ્રવીણ રાઉતનો કંપનીમાં 25 ટકા હિસ્સો હતો, પરંતુ દરેક કામનું નિયંત્રણ સંજય રાઉત પાસે જ રહેતું હતું. સંજય રાઉતનો નજીકનો વ્યક્તિ હોવાના કારણે પ્રવીણ રાઉતે પોતાના ફાયદા માટે મ્હાડાના અધિકારીઓ સાથે સંપર્ક બનાવી રાખ્યા હતા.

  એજન્સીએ જણાવ્યું કે, સંજય રાઉતે તપાસમાં પાત્રા ચાલ પ્રોજેક્ટ સાથે કોઈ પણ પ્રકારનો સબંધ હોવાનો ઇનકાર કર્યો હતો પરંતુ કેસની તપાસ દરમિયાન એકઠા કરવામાં આવેલા પુરાવાઓ અને પૂછપરછમાં નોંધાયેલાં નિવેદનો તદ્દન વિપરીત હકીકત રજૂ કરે છે. એજન્સીએ ઉમેર્યું કે, રાઉતે તેમની પત્નીના ખાતામાં રોકડ જમા કરાવવા કે અલીબાગમાં સંપત્તિ ખરીદવા અંગે પણ તપાસને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કર્યા હતા અને અન્યો પર દોષ નાંખી દેવાના પણ પ્રયત્નો થયા હતા. 

  એજન્સીએ એમ પણ કહ્યું કે, સંજય રાઉતની પત્નીએ પણ સ્વીકાર્યું હતું કે સંજય રાઉત બધું જ જાણતા હતા અને તેમના થકી જ ડીલ થઇ હતી. બીજી તરફ, સંજય રાઉતે નિવેદનમાં ઇનકાર કર્યો હતો. એજન્સીએ એ પણ ઉમેર્યું છે કે, સંજય રાઉતે આ કેસમાં સાક્ષીઓને ધમકી પણ આપી છે. 

  સંજય રાઉતની ગત 1 ઓગસ્ટના રોજ ઇડીએ ધરપકડ કરી લીધી હતી. ધરપકડ પહેલાં કલાકો સુધી તેમના નિવાસસ્થાને દરોડાની કાર્યવાહી ચાલી હતી. જે બાદ રાઉતની અટક કરવામાં આવી હતી. પર્યાપ્ત પુરાવાઓ મળી ગયા બાદ તેમની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં