એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે શપથ લીધા બાદ હવે એ જાણવું જરૂરી બને છે કે જે પરિવાર કોંગ્રેસમાં ગાંધી પરિવારની છે તેવી હાલત શિવસેનામાં ઠાકરે પરિવારની કેમ થઇ ગઈ? ઘણા બધા પરિબળો પૈકીનું એક એ છે કે આ સમય દરમિયાન શિવસેના પ્રવક્તા સંજય રાઉત શિવસેના માટે કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરની ભૂમિકામાં હતા.
કોંગ્રેસ નેતા મણિશંકર ઐયર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણીઓ કરવા માટે કુખ્યાત બન્યા છે. 2013માં જ્યારે નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે મણિશંકર ઐયરે તેમની ઉપર વાંધાજનક ટિપ્પણી કરી હતી. મણિશંકર ઐયરે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન તો નહીં બને પરંતુ તેઓ ઈચ્છે તો ચા વેચી શકે છે. નરેન્દ્ર મોદી બાળપણમાં વડનગરના સ્ટેશન પર ચા વેચતા હતા, પીએમના જીવનને લઈને ઐયરે આવી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
મણિશંકર ઐયરની આ ટિપ્પણી બાદ 2014ની લોકસભા ચૂંટણી કોંગ્રેસ હારી ગઈ હતી. જોકે, જે રીતે યુપીએના બીજા કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટચારના કેસો વધી રહ્યા હતા અને બીજી તરફ નરેન્દ્ર મોદીના ગુજરાત મોડેલની લોકપ્રિયતા વધી રહી હતી તેને જોતા કોંગ્રેસની હાર નિશ્ચિત હતી, પરંતું મણિશંકર ઐયરની આ ટિપ્પણીએ નરેન્દ્ર મોદીને સામાન્ય નાગરિકો અને મહેનતુ ભારતીયોનો ચહેરો બનાવી દીધા અને કોંગ્રેસ પાર્ટીના અહમને ખુલ્લો પાડી દીધો. એટલું જ નહીં, વર્ષ 2017 માં મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદીને ‘નીચ’ કહી દીધા હતા.
સંજય રાઉતે પણ જ્યારે શિવસેનાના ધારાસભ્યો હિંદુત્વની વિચારધારા આગળ લઇ જવાના હેતુથી અલગ થઇ ગયા અને એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા ત્યારે તેમના માટે આવી જ અપમાનજનક ભાષા વાપરી હતી. મણિશંકર ઐયરે જે રીતે નરેન્દ્ર મોદીના જીવન પર ટિપ્પણી કરી હતી તે જ રીતે સંજય રાઉતે પણ જાહેરમાં શિવસેના ધારાસભ્યોની સામાજિક પરિસ્થિતિ અને તેમના વ્યવસાયોને લઈને અપમાનજનક ટિપ્પણી કરી હતી.
સંજય રાઉતે કહ્યું, “આ ગુલાબરાવ પાટીલ. તેમના ભાષણો સાંભળો. તેઓ એવી રીતે વાત કરે છે જાણે શિવસેનામાં એક જ વાઘ હોય. (માતા માટે અપમાનજનક શબ્દ વાપરીને) તેઓ ડરપોકની જેમ ભાગી છૂટ્યા. તેઓ કહે છે કે હું પાનની દુકાન ચલાવતો હતો અને પાર્ટીએ મને કેબિનેટ મંત્રી બનાવી દીધો. હવે અમે તેમને ફરીથી પાનવાળા બનાવી દઈશું.
તે જ ભાષણમાં સંજય રાઉતે અન્ય બે શિવસેના ધારાસભ્યો સાંદીપન ભુમરે અને પ્રકાશ સૂર્વેનું પણ અપમાન કર્યું હતું. સંજય રાઉતે કહ્યું, “સાંદીપન ભુમરેને જ્યારે પહેલી વખત ટિકિટ મળી ત્યારે તેઓ એક સુગર ફેક્ટરી ખાતે વૉચમૅન હતા. મેં બાળાસાહેબને વિનંતી કરી હતી કે મોરેશ્વર સાવે જેવા કદાવર નેતાની જગ્યાએ આ વૉચમૅનને ટિકિટ આપવામાં આવે. તેઓ વૉચમૅન હતા, માત્ર એક વૉચમૅન. તેઓ જીવનમાં પહેલીવાર મુંબઈ આવ્યા હતા. તેમને એ પણ ખબર ન હતી કે હોટેલમાં વડા-સંભાર કઈ રીતે ખવાય. તેઓ હોટેલના ફર્શ પર બેસીને વડા-સંભાર ખાતા હતા. અમે એ જોયું છે. તેઓ કેબિનેટ મંત્રી બન્યા અને ઉદ્ધવ સાહેબ સામે રડવા મંડ્યા હતા કે શિવસેનાના કારણે તેઓ મંત્રી બની શક્ય. પરંતુ આજે તેમણે સાબિત કર્યું કે એ આંસુઓ ખોટા હતા.”
સંજય રાઉતે પ્રકાશ સૂર્વેને લઈને પણ અપમાનજનક ટિપ્પણી કરી હતી. સૂર્વે અગાઉ શાકભાજી વેચવાનો ધંધો કરતા હતા, જેને લઈને રાઉતે કહ્યું, “પ્રકાશ સૂર્વે શું હતા? મને કહો. તેઓ શાકભાજી વેંચતા હતા. હવે તેમને ફરી શાકભાજી વેચવા માટે મોકલી દઈએ. આજે મને સમજાય છે કે તેઓ વાસી શાકભાજી વેચતા હતા.
માત્ર ધારાસભ્યો અંગે જ નહીં, સંજય રાઉતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન પણ અશિષ્ટ બભાષામાં વાત કરી હતી. એક વાતચીત દરમિયાન સંજય રાઉત કહેવા માંડ્યા હતા કે, “બિનજરૂરી પ્રશ્નો ન પૂછો. તમને શું જોઈએ છે?” એ જ વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગાંજાનું સેવન કરવા માંડ્યા છે અને તેમન નથી ખબર કે તેમને ખરેખર શું ખવડાવવામાં આવી રહ્યું છે.
સંજય રાઉતે ન માત્ર શિવસેનાના ધારાસભ્યોના જીવન અને વ્યવસાય અંગે ટિપ્પણી કરી હતી પરંતુ તેમણે તેમને ધમકી પણ આપી હતી. દસ દિવસ ચાલેલી બબાલ દરમિયાન સંજય રાઉતે કહ્યું હતું કે, આ ધારાસભ્યોની વિરુદ્ધમાં રસ્તા પર આવવા માટે શિવસૈનિકો માત્ર તેમના આદેશની રાહ જોઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ધારાસભ્યો ગુવાહાટીમાં છે પરંતુ તેમના મૃતદેહો જ મહારાષ્ટ્રમાં આવશે અને આ મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે.
સંજય રાઉત ઘણીવાર વિરોધીઓ અને બળવાખોર ધારાસભ્યો પર કટાક્ષ કરવા માટે કાવ્યાત્મક પંક્તિઓ ટાંકે છે. જ્યારે બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીની હોટેલમાં રોકાયા હતા ત્યારે સંજય રાઉતે એક ટ્વિટ કર્યું હતું કે, ‘કબ તક છીપોગે ગુવાહાટી મેં, આના હી પડેગા ચૌપાટી મેં.’ અહીં ઉલ્લેખનીય છે કે ચૌપાટી મુંબઈના બીચને કહેવાય છે.
कब तक छीपोगे गोहातीमे..
— Sanjay Raut (@rautsanjay61) June 26, 2022
आना हि पडेगा.. चौपाटीमे.. pic.twitter.com/tu4HcBySSO
ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા બાદ પણ સંજય રાઉતે એલફેલ નિવેદનો આપવાના ચાલુ જ રાખ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, “શિવસેના સત્તા માટે નથી બની પરંતુ સત્તા શિવસેના માટે બની છે.” પાર્ટીમાં વિખવાદ વધવા પાછળ સંજય રાઉતના અહમ અને ઉદ્ધતાઈ પણ જવાબદાર છે. ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોએ કહ્યું હતું કે, તેમના અને તેમના પરિવાર વિશે અપમાનજનક શબ્દો વાપરનાર સંજય રાઉત પર કોઈ પગલાં ન લેવાયા તેનાથી તેઓ વ્યથિત છે.
Maharashtra: ‘शिवसेना सत्ता के लिए पैदा नहीं हुई, सत्ता शिवसेना के लिए पैदा हुई’ सरकार गिरने के बावजूद तेवर में संजय राउत#MaharashtraPoliticalCrisis #SanjayRaut @rautsanjay61https://t.co/CpCS8K24Ze
— Amar Ujala (@AmarUjalaNews) June 30, 2022
આ રીતે સંજય રાઉતનો બફાટ અને ઉદ્ધતાઈભર્યા વર્તનથી શિવસેનાને અનેકગણું વધુ નુકસાન થયું છે. સંજય રાઉત શિવસેના માટે એ જ ભૂમિકા ભજવતા રહ્યા, જે મણિશંકર ઐયરે કોંગ્રેસ માટે ભજવી હતી.