હજારો કરોડના પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં શિવસેના સાંસદ સંજય રાઉતની ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે તેમને મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે રાઉતને 4 ઓગસ્ટ સુધી ઇડીની કસ્ટડીમાં મોકલ્યા છે. જોકે, ઇડીએ આઠ દિવસની કસ્ટડીની માંગ કરી હતી.
#BREAKING
— Live Law (@LiveLawIndia) August 1, 2022
Mumbai Special Court remands #SanjayRaut to ED custody till August 4.#SanjayRaut #PatraChawlLandScam
કોર્ટે સંજય રાઉતની ઘરનું ભોજન અને દવા માટેની વિનંતી માન્ય રાખી છે. તેમજ તેઓ કસ્ટડી દરમિયાન પોતાના વકીલ સાથે વાતચીત પણ કરી શકશે. કોર્ટે આદેશમાં કહ્યું કે, આરોપી હ્રદયની બીમારી ધરાવતા હોઈ જરૂર પડ્યે ઇડીએ હોસ્પિટલમાં દાખલ કરવા અંગે વિચારવું જોઈએ અને પૂછપરછ માટે અમુક જ કલાક ફાળવવા જોઈએ.
સંજય રાઉત વિરુદ્ધ આ કાર્યવાહી હજારો કરોડના પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં કરવામાં આવી રહી છે. ગઈકાલે વહેલી સવારે ઇડીના અધિકારીઓ રાઉતના ઘરે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. ઇડીના અધિકારીઓએ લગભગ 9 કલાક સુધી સંજય રાઉતની પૂછપરછ કરી હતી તેમજ દસ્તાવેજો તપાસ્યા હતા. જોકે, તેમણે પૂછપરછમાં સહયોગ ન કરતાં રાઉતની અટકાયત કરી લેવામાં આવી હતી.
સંજય રાઉતની અટકાયત કરીને તેમને ઝોનલ ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે બાદ રાત્રે 12 વાગ્યે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે બાદ નિયમ અનુસાર, આજે તેમને સ્પેશિયલ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. ઇડીએ તપાસ માટે સંજય રાઉતની 8 દિવસની કસ્ટડીની માંગ કરી હતી. પરંતુ કોર્ટે આખરે ચાર દિવસની કસ્ટડી મંજૂર કરી હતી.
ED – 8.30am to 9.30am he can consult with his lawyers. Also we will not interrogate him after 10.30pm.#SanjayRaut #PatraChawlLandScam
— Live Law (@LiveLawIndia) August 1, 2022
કોર્ટમાં સંજય રાઉતના વકીલે વિનંતી કરતાં કહ્યું હતું કે, તેઓ હૃદયની બીમારીના પેશન્ટ હોવાના કારણે તેમને વધુ લાંબો સમય પૂછપરછ કરવામાં નહીં આવે અને ઘરનું ભોજન લેવાની પરવાનગી આપવામાં આવે. ઉપરાંત પૂછપરછ દરમિયાન વકીલની સલાહ લેવાની પરવાનગી આપવા પણ માંગ કરવામાં આવી હતી. જે મામલે ઇડીએ પણ સહમતી દર્શાવી હતી અને કહ્યું હતું કે તેઓ સવારે એક કલાક પોતાના વકીલ સાથે વાતચીત કરી શકશે તેમજ અધિકારીઓ રાત્રે 10:30 બાદ પૂછપરછ કરશે નહીં.
ઉલ્લેખનીય છે કે પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસ મામલે 2018માં કેસ નોંધાયો હતો. આ મામલે સંજય રાઉતના મિત્ર પ્રવીણ રાઉત અને અન્ય કેટલાક લોકો પર હજારો કરોડ રૂપિયાની હેરફેર કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે તપાસનો રેલો સંજય રાઉત સુધી પહોંચતા ઇડીએ ગત મહીને તેમને સમન્સ પાઠવ્યા હતા. પરંતુ સતત બે સમન્સ બાદ પણ રાઉત હાજર ન રહેતાં અધિકારીઓ ગઈકાલે તેમના ઘરે જઈ ચડ્યા હતા.