શિવસેના સાંસદ સંજય રાઉતની અટકાયત કરી લેવામાં આવી છે. આજે વહેલી સવારે ઇડીના અધિકારીઓ સંજય રાઉતના ઘરે પહોંચ્યા હતા અને તપાસ અને પૂછપરછ શરૂ કરી હતી. હવે સંજય રાઉતની અટકાયત કરીને તેમને ઝૉનલ ઓફિસ લઇ જવામાં આવી રહ્યા છે.
સંજય રાઉતની અટકાયત બાદ ઓફિસે લઇ જઈને તેમની વધુ પૂછપરછ કરવામાં આવશે. જો તેઓ સહકાર નહીં આપે તો ઇડી તેમની ધરપકડ પણ કરી શકે છે.
Enforcement Directorate (ED) detains Shiv Sena leader Sanjay Raut in land scam case in Mumbai after hours of conducting raids at his residence
— ANI (@ANI) July 31, 2022
(File Pic) pic.twitter.com/XHQPhlQ9PK
રિપોર્ટ અનુસાર, ઇડીએ સંજય રાઉત સાથે પ્રવીણ રાઉત સાથેના તેમના વ્યવસાયિક અને અન્ય સબંધો અંગે પૂછપરછ કરી હતી. આ ઉપરાંત, તેમની પત્ની દ્વારા ખરીદવામાં આવેલ સંપત્તિ અંગે પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. ઇડીના અધિકારીઓ સવારે 7 વાગ્યાથી સંજય રાઉતના ઘરે કાર્યવાહીમાં લાગ્યા હતા. જે દરમિયાન તેમણે અમુક દસ્તાવેજો પણ જપ્ત કર્યા હોવાનું કહેવાય છે.
સંજય રાઉત વિરુદ્ધ આ તપાસ પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં કરવામાં આવી રહી છે. આ મામલે વર્ષ 2018માં મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એક કેસ દાખલ કર્યો હતો. જે બાદ આ કેસની તપાસ સંજય રાઉત સુધી આવી પહોંચી છે અને હવે તેમની ઉપર સકંજો કસવામાં આવ્યો છે.
ઇડીને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલ પાત્રા ચાલના પુનર્વિકાસનું કામ એક કન્સ્ટ્રક્શન કંપનીને મળ્યું હતું. કોન્ટ્રાક્ટ હેઠળ તેમણે 672 લોકોના ઘરોનું રીનોવેશન કરવાનું હતું. પરંતુ કંપનીએ MHADAની જાણ બહાર આ જમીન 9 બિલ્ડરોને કુલ 901.79 કરોડમાં વેચી દીધી હતી. જે બાદ એક પ્રોજેક્ટ શરૂ કરીને ગેરકાયદે 1,039 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી અને જે રકમ પછીથી સહયોગીઓને ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.
આ ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સિસ્ટર કંપની છે, જેના ડાયરેક્ટરો પ્રવીણ રાઉત, સારંગ વધાવન અને રાકેશ વધાવન હતા. પ્રવીણ રાઉત સંજય રાઉતના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. આરોપ છે કે આ ત્રણેયે મળીને હજારો કરોડ રૂપિયાની હેરાફેરી કરી છે.
ઇડીની તપાસમાં સામે આવ્યું હતું કે, HDIL દ્વારા લગભગ 100 કરોડ રૂપિયા પ્રવીણ રાઉતના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. જે બાદમાં રાઉતે પોતાના નજીકના માણસો અને સબંધીઓના અલગ-અલગ બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. જેમાં 2010માં પ્રવીણ રાઉતની પત્ની માધુરીના ખાતામાંથી સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં 83 લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેનાથી તેમણે દાદરમાં એક ફ્લેટ ખરીદ્યો હતો.
આ મામલે ઇડીએ પ્રવીણ રાઉત અને તેમના મિત્ર સુજીત પાટકરનાં કેટલાંક ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા અને પ્રવીણની ધરપકડ કરી લેવામાં આવી હતી. પ્રવીણ રાઉત અને સંજય રાઉત મિત્રો હોવાનું કહેવાય છે તો સુજીત પાટકર પણ સંજય રાઉતના નજીકના વ્યક્તિ છે. સુજીત પાટકર અને સંજય રાઉતની પુત્રી એક ફર્મમાં ભાગીદાર છે.
આ ઉપરાંત, તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે સુજીત પાટકરની પત્ની અને સંજય રાઉતની પત્નીએ મળીને અલીબાગમાં એક જમીન ખરીદી હતી. ઇડી આ મામલે પણ તપાસ કરી રહી છે અને જવાબદાર વ્યક્તિઓના નિવેદનો નોંધી રહી છે.