મહારાષ્ટ્રમાં 21 જૂનથી શરૂ થયેલો રાજકીય ખેલ હજુ સુધી ચાલુ જ છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના ધીમે-ધીમે તૂટી રહી છે અને સામે બળવો કરીને આસામ પહોંચેલા નેતા એકનાથ શિંદેનું જૂથ વધુ મજબૂત બની રહ્યું છે. એક સમયે ‘સરકાર બચશે કે નહીં’ તેવા સવાલ સાથે શરૂ થયેલો ખેલ હવે ‘પાર્ટી બચશે કે નહીં’ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, એક પછી એક ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેને છોડીને જઈ રહ્યા છે અને તેમ છતાં સંજય રાઉતના વિવાદિત નિવેદનો ચાલુ જ રહ્યા છે.
સામાન્ય રીતે આવા સમયે પાર્ટીનું મોવડી મંડળ અને તેના નેતાઓ પરિસ્થિતિને સમજીને યોગ્ય ઉકેલ લાવવા માટે કામ કરતા હોય છે. પરંતુ શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે બીજું જ કામ માંડ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમમાં સંજય રાઉતે સતત બેફામ અને વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં છે, અને તેનું નુકસાન આખરે પાર્ટીએ જ ભોગવવું પડી રહ્યું છે.
સંજય રાઉતનાં નિવેદનો હવે ઘરમાંથી પણ નુકસાન કરાવશે તેવું મીડિયાના અહેવાલો પરથી લાગી રહ્યું છે. ગઈકાલે ન્યૂઝ18ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉત પણ એકનાથ શિંદે જૂથના સંપર્કમાં છે અને ગમે તે સમયે તેમની સાથે જોડાઈ શકે છે. આ અહેવાલ ન્યૂઝ18નાં સૂત્રોને ટાંકીને પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો, તે અનુસાર 2019 માં મહાવિકાસ આઘાડી સરકાર બની ત્યારે પોતાને મંત્રીપદ ન મળવાથી સુનીલ રાઉત નારાજ હતા. જોકે, શિંદેની આગેવાનીમાં બળવો થયો ત્યારપછી પણ તેઓ ઉદ્ધવ જૂથ સાથે જ હતા પરંતુ છેલ્લા બે દિવસથી તેમણે શિંદે જૂથ સાથે સંપર્કો કરવા માંડ્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બળવાખોર ધારાસભ્યો પૈકીનો એક વર્ગ સુનીલ રાઉતને આવકારવાના મૂડમાં નથી, જેના કારણે હજુ સુધી આ મામલે નિર્ણય થઇ શક્યો નથી. જો શિંદે કૅમ્પ તરફથી ગ્રીન સિગ્નલ મળે તો સુનીલ રાઉત પણ તેમની સાથે ભેગાઈ જાય તો નવાઈ નહીં! જો તેમ થાય તો શિવસેના અને ખાસ કરીને સંજય રાઉત માટે મોટા ઝટકા સમાન હશે.
જોકે, બીજી તરફ, આજે સુનીલ રાઉતે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેઓ ગુવાહાટી જઈ રહ્યા નથી અને પાર્ટીમાં જ રહેશે. ANI સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “હું ગુવાહાટી શા માટે જાઉં? પેલા ગદ્દારોના મોં જોવા માટે? હું શિવસૈનિક છું અને મારા અંતિમ શ્વાસ સુધી પાર્ટી માટે કામ કરતો રહીશ. તેમણે કહ્યું કે, હું શિવસેનામાં છું અને આખર સુધી શિવસેનામાં જ રહીશ.”
બીજી તરફ, ગઈકાલે ઉદ્ધવ સરકારના વધુ એક મંત્રી ઉદય સામંત ગુવાહાટી પહોંચ્યા હતા. રવિવારે મુંબઈથી સુરત ગયા બાદ ત્યાંથી ચાર્ટડ ફ્લાઇટ મારફતે તેઓ ગુવાહાટી પહોંચ્યા હતા અને ત્યાંથી હોટેલ પહોંચ્યા હતા. શિંદે જૂથ સાથે જોડાનારા તેઓ આઠમા મંત્રી છે.
મુંબઈમાં સંજય રાઉતના એક પછી એક વિવાદિત નિવેદનો સામે આવી રહ્યા છે. ગઈકાલે તેમણે કહ્યું હતું કે ગુવાહાટીથી 40 મૃતદેહો આવશે અને તેમનું પોસ્ટમોર્ટમ મહારાષ્ટ્ર વિધાનસભામાં કરવામાં આવશે. તેમણે કહ્યું, “આ 40 લોકો જીવતી લાશો છે. મૃત છે. તેમના મૃતદેહો અહીં આવશે. તેમનો આત્મા મરી ગયો છે.” આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, કામાખ્યા મંદિરમાં પશુઓનું બલિદાન આપવામાં આવે છે, અમે ત્યાં 40 લોકોને બલિ ચઢાવવા મોકલ્યા છે. તેમણે ધમકી આપી હતી કે શિવસેનાના હજારો સમર્થકો શાંત છે, નહીં તો બધા જાણે છે કે તેઓ એક ઇશારે શું કરી શકે છે.