Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધી જેવી મુસીબતમાં ફસાયા સંજય રાઉત, વિશેષાધિકાર હનનનો મામલો ઉપરાષ્ટ્રપતિ પાસે...

    રાહુલ ગાંધી જેવી મુસીબતમાં ફસાયા સંજય રાઉત, વિશેષાધિકાર હનનનો મામલો ઉપરાષ્ટ્રપતિ પાસે મોકલાયો: વિગતો

    સંજય રાઉતના જવાબથી પ્રસ્તાવ પર નિર્ણય કરનારી સમિતિને સંતોષ થયો નથી અને હવે તેમની વિરુદ્ધ વિશેષાધિકાર હનનનો આ પ્રસ્તાવ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યો છે. 

    - Advertisement -

    શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સાંસદ સંજય રાઉત (Sanjay Raut) નવી મુસીબતમાં ફસાયા છે. તેમની સામે વિશેષાધિકાર હનનના પ્રસ્તાવ (Breach of privilege Motion) પર નોટિસને લઈને કાર્યવાહીની તલવાર લટકી રહી છે. તેમની સામેનો વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ રાજ્યસભા ચેરમેન ઉપરાષ્ટ્રપતિને મોકલવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરે શનિવારે (25 માર્ચ, 2023) આ જાણકારી આપી હતી. 

    શું છે મામલો? 

    વાસ્તવમાં સાંસદ સંજય રાઉતે એક વિવાદાસ્પદ નિવેદન આપીને વિધાનમંડળને ‘ચોરમંડલી’ ગણાવ્યું હતું. ત્યારબાદ તેમની સામે ધારાસભ્ય અતુલ ભાતખલકરે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવવાની માંગ કરી હતી અને તેમની ઉપર મહારાષ્ટ્ર વિધાનમંડળ, મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓના અપમાનનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ રાઉત વિરુદ્ધ વિશેષાધિકારના હનનની નોટિસ મોકલવામાં આવી હતી. 

    - Advertisement -

    સંજય રાઉતે ગત 1 માર્ચના રોજ કોલ્હાપુરમાં વિધાનમંડળને લઈને આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ મામલે સફાઈ આપતાં સંજય રાઉતે કહ્યું હતું કે તેમણે વિધાનમંડળને નહીં પરંતુ શિંદે જૂથને લઈને આ નિવેદન આપ્યું હતું. જોકે, તેમની આ વાતથી પ્રસ્તાવ પર નિર્ણય કરનારી સમિતિને સંતોષ થયો નથી અને હવે સંજય રાઉત વિરુદ્ધ વિશેષાધિકાર હનનનો આ પ્રસ્તાવ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યો છે. 

    વિધાનસભા સ્પીકર નાર્વેકરે કહ્યું કે, નોટિસને લઈને સંજય રાઉતનો જવાબ ખોટો અને અત્યંત અસંતોષકારક હતો. તેમણે વાંધાજનક ટિપ્પણી કરીને સન્માનિત ગૃહની નિષ્પક્ષતા ઉપર શંકા વ્યક્ત કરી છે. તેઓ પોતે રાજ્યસભા સાંસદ હોવાના કારણે મામલો ઉપરાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવ્યો છે. નોંધનીય છે કે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ પણ હોય છે. 

    શું હોય છે વિશેષાધિકાર હનન પ્રસ્તાવ? 

    વિશેષાધિકાર હનન પ્રસ્તાવ સંસદ કે વિધાનસભામાં અપાતા વિશેષ અધિકારોના હનન વિરુદ્ધ લાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ વ્યક્તિગત રીતે સભ્યો કે સભાની સામૂહિક રીતે અવજ્ઞા કરે કે વાંધાજનક ટિપ્પણીઓ કરે તો તેને વિશેષાધિકાર હનન કહેવાય છે. તદુપરાંત, જો કોઈ સભ્ય એવી ટિપ્પણી કરે જે ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડવા માટે પૂરતી હોય તો એ સ્થિતિમાં તેની ઉપર ગૃહની અવમાનના અને વિશેષાધિકાર હનન હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. 

    સંસદ કે વિધાનસભામાં કાર્યવાહી દરમિયાન કોઈ સભ્યને લાગે કે અન્ય કોઈ સભ્ય ગૃહમાં ખોટાં તથ્યો રજૂ કરીને વિશેષાધિકારનું ઉલ્લંઘન કરે છે તો તેઓ તેની સામે આ પ્રસ્તાવ લાવી શકે છે. વિશેષાધિકારના ઉલ્લંઘન માટે દોષી જણાયા બાદ જે-તે સભ્યને નોટિસ પાઠવવામાં આવે છે. 

    સંજય રાઉત રાજ્યસભા સાંસદ હોવાના કારણે તેમનો મામલો રાજ્યસભાના સભાપતિ પાસે મોકલવામાં આવ્યો છે. જો સમિતિ તેમને દોષી ઠેરવે તો તે તેમની સામે પગલાં લેવા માટે ભલામણ કરી શકે છે, જેમાં ગૃહમાંથી બરતરફ કરવા સુધીનાં પણ પગલાં લેવાય શકે છે. 

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ તેમનું સાંસદપદ ગુમાવ્યું છે. તેમને સુરતની કોર્ટે બદનક્ષીના એક કેસમાં 2 વર્ષની સજા સંભળાવી હોવાના કારણે નિયમાનુસાર તેમને સાંસદ પદેથી બરતરફ કરવામાં આવ્યા છે ત્યારે હવે રાજ્યસભા સાંસદ સંજય રાઉત ઉપર પણ પદ ગુમાવવાનું સંકટ તોળાઈ રહ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં