Tuesday, April 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફિલ્મ ‘સુપર ફ્લૉપ’ ગયા બાદ સંજય દત્તે હૈયાવરાળ ઠાલવી, ટીકાકારોને નફરત ફેલાવનારા...

    ફિલ્મ ‘સુપર ફ્લૉપ’ ગયા બાદ સંજય દત્તે હૈયાવરાળ ઠાલવી, ટીકાકારોને નફરત ફેલાવનારા કહ્યા: લોકોએ કહ્યું- હવે હિંદુત્વની મજાક બનાવીને પૈસા કમાવાના દિવસો ગયા

    લોકોએ સંજય દત્તને સમજ પાડી કે ફિલ્મ ન ચાલી તો તે માટે દર્શકો અને ટીકાકારોને જવાબદાર ગણાવવાના બદલે તેમણે તે પાછળનાં કારણો શોધવા જોઈએ.

    - Advertisement -

    તાજેતરમાં જ રિલીઝ થયેલી અને ફ્લૉપ ગયેલી બૉલીવુડ ફિલ્મ ‘શમશેરા’ ના નિર્માતાઓ અને અભિનેતાઓ અચાનક સામે આવ્યા છે અને હિંદુફોબિક કોન્ટેન્ટના કારણે ફિલ્મની ટીકા કરનારાઓને વિષવમન કરતા હોવાનું કહીને હૈયાવરાળ ઠાલવી છે. ફિલ્મના ડાયરેક્ટર કરણ મલ્હોત્રાએ એક નિવેદન જારી કર્યું હતું તો બાદમાં ફિલ્મના અભિનેતા સંજય દત્તે પણ એક ટ્વિટ કર્યું હતું. 

    અભિનેતા સંજય દત્તે એક નિવેદન ટ્વિટ કર્યું હતું. તેની સાથે તેમણે #ShamsheraIsOurs નામનું હૅશટેગ પણ વાપર્યું હતું. સંજય દત્ત કહે છે કે તેમણે બહુ મહેનતથી ફિલ્મ બનાવી હોવા છતાં તેમને નફરત મળી રહી છે અને લોકો તેમની મહેનતની કદર કરી રહ્યા નથી. તેમણે ફિલ્મ ડાયરેક્ટર સાથે તેમના ઘણા સારા સબંધો હોવાનું તેઓ હંમેશા તેમની પડખે રહેતા હોવાનું પણ કહ્યું હતું. 

    ‘શમશેરા’ને બનાવવામાં તેમણે પરસેવો રેડ્યો હોવાનું કહીને સંજય દત્ત ઉમેરે છે કે જેમ દરેક ફિલ્મ વાર્તાઓ કહેવાના અને જીવંત પાત્રોને ફિલ્મી પડદે લાવવાના એક પ્રયાસનું પરિણામ હતું અને આ તેમનું એક સપનું હતું. જે બાદ તેઓ કહે છે કે, શમશેરાને ઘણા લોકો તરફથી નફરત મળી રહી છે. તેમણે દાવો કર્યો કે કેટલાકે લોકો એવા છે જેમણે ફિલ્મ જોઈ જ નથી, છતાં ટિપ્પણી કરી રહ્યા છે. 

    - Advertisement -

    સંજય દત્ત આને ‘આઘાતજનક’ ગણાવીને કહે છે કે લોકો તેમની મહેનતનું સન્માન કરી રહ્યા નથી. રણબીર કપૂરનો ઉલ્લેખ કરીને સંજય દત્તના નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, ‘એ જોઈને દુઃખ થાય છે કે કઈ રીતે લોકો એક મહેનતુ અને પ્રતિભાશાળી અભિનેતાના કામ વિરુદ્ધ નફરત ફેલાવવા માટે આતુર છે. અંતે તેઓ હિન્દીની પ્રખ્યાત પંક્તિ ટાંકીને કહે છે કે, ‘કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના’ 

    સંજય દત્તના આ નિવેદન બાદ લોકો તરફથી જ વિવિધ પ્રતિક્રિયા મળી રહી છે. લોકોએ સંજય દત્તને સમજ પાડી કે ફિલ્મ ન ચાલી તો તે માટે દર્શકો અને ટીકાકારોને જવાબદાર ગણાવવાના બદલે તેમણે તે પાછળનાં કારણો શોધવા જોઈએ. વળી કેટલાક યુઝરોએ હિંદુવિરોધી હોવાના કારણે ફિલ્મની આ દશા થઇ હોવાનું જણાવ્યું હતું. 

    એક યુઝરે કહ્યું કે, જો સંજય દત્ત ખરેખર ‘કુછ તો લોગ કહેંગે’માં માનતા હોત તો તેમણે આટલો લાંબો નિબંધ ન લખ્યો હોત. તેમણે કહ્યું કે, દર્શકો પૈસા આપીને ફિલ્મ જોવા આવે છે. એ દર્શકો જ હતા જેમણે સંજુ ફિલ્મને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો. તેમણે આત્મચિંતન કરવા માટે સલાહ આપી હતી. 

    એક યુઝરે સંજય દત્તની ત્રિપુંડ-શિખાવાળી તસ્વીર પોસ્ટ કરીને કહ્યું કે, ‘વિલનને આ રૂપમાં બતાવીને તમે આશા રાખો છો કે લોકો પ્રતિક્રિયા પણ ન આપે. બૉલીવુડને હજુ પણ સમજાય રહ્યું નથી.’ ઉલ્લેખનીય છે કે શમશેરા ફિલ્મમાં સંજય દત્તે શુદ્ધ સિંહ નામના વિલનનું પાત્ર ભજવ્યું છે, જેને માથે ત્રિપુંડ અને શિખા રાખતો બતાવવામાં આવ્યો છે. 

    નિખિલ નામના યુઝરે કહ્યું કે, જ્યારે ફિલ્મ સારું પ્રદર્શન ન કરી શકે ત્યારે બૉલીવુડ દોષનો ટોપલો લોકો પર ઢોળી દે છે અને એ જ કારણે તેઓ નીચે આવી ગયા છે. 

    અન્ય એક યુઝરે કટાક્ષ કરતાં લખ્યું હતું કે, તેઓ એટલા તણાવમાં હતા કે તેમને ઊંઘ આવતી ન હતી. પછી તેઓ શમશેર જોવા ગયા તો 2-3 કલાક ક્યાં નીકળી ગયા તેની ખબર પણ ન પડી. તેમણે આગળ કહ્યું કે, જો પોપકોર્ન વેચનારે તેમને ઉઠાડ્યા ન હોત તો તેઓ ત્યાં જ ઊંઘી રહ્યા હોત. તેમણે આભાર માનતા કહ્યું કે, ફિલ્મના કારણે તેમને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ હતી. 

    અવિનાશ સિંહ નામના એક યુઝરે ટિપ્પણી કરતાં કહ્યું કે, બોલીવુડે સમજવું પડશે કે હવે હિંદુત્વની મજાક બનાવીને પૈસા નહીં બનાવી શકો. 

    એક યુઝરે ટ્વિટને ક્વોટ કરીને લખ્યું કે, કરોડો લોકોના આસ્થાના પ્રતીક સમાન ત્રિપુંડ તિલકનું અપમાન ભૂલથી પણ ન કરવું જોઈએ. તમે જે કર્યું છે તે ગુનો છે અને બદઇરાદે કરવામાં આવેલ મહેનત ક્યારેય લેખે લાગતી નથી. 

    ઉલ્લેખનીય છે કે ફિલ્મ શમશેરાનું જ્યારે ટ્રેલર રિલીઝ થયું ત્યારે જ તે વિવાદોનું કારણ બની હતી. કારણ કે ફિલ્મમાં વિલનને ત્રિપુંડ તિલક અને શિખા રાખતો બતાવવામાં આવ્યો હતો. આ ફિલ્મ જ્યારે રિલીઝ થઇ ત્યારે સાવ મોળો પ્રતિસાદ મળ્યો અને ફિલ્મ ‘સુપર ફ્લૉપ’ સાબિત થઇ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં