ઉત્તર પ્રદેશની સંભલ લોકસભા સીટના સાંસદ શફીકુર્રહમાન બર્કનો ઇંતકાલ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 27 ફેબ્રુઆરી 2024ના રોજ તેમણે મુરાદાબાદની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. છેલ્લા લાંબા સમયથી તેમની તબિયત ખરાબ હતી. ડૉકટરોના જણાવ્યા અનુસાર તેમને ઝાડા થઈ ગયા હતા અને કિડનીમાં ચેપ લાગ્યો હતો. વધુ પડતી ઉંમરના કારણે તેમની રીકવરી ન થઈ શકી અને તેમનું નિધન થયું.
94 વર્ષના શફીકુર્રહમાન બર્ક લોકસભામાં સહુથી વધુ ઉંમરવાળા સભ્ય હતા. ગઈકાલે અચાનક તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. સતત સારવાર છતાં તેમની તબિયતમાં કોઈ સુધારો ન આવ્યો અને અંતે ટૂંકી બીમારી બાદ તેમનું મૃત્ય થયું. તેમને સંભલ અને મુરાદાબાદમાં મોટો રાજનૈતિક ચહેરો માનવામાં આવતા હતા.
સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવ દુઃખી
શફીકુર્રહમાન બર્કનો ઇંતકાલ થયો હોવાની માહિતી મળતા જ સમાજવાદી પાર્ટીમાં ગમગીની છવાઈ ગઈ હતી. પાર્ટીના આધિકારિક X હેન્ડલ પરથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા, અનેકવારના સાંસદ જનાબ શફીકુર્રહમાન બર્ક સાહેબનો ઇંતકાલ, અત્યંત દુઃખદ. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. શોકાતુર પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે. ભાવભીની શ્રદ્ધાંજલિ.”
समाजवादी पार्टी के वरिष्ठ नेता, कई बार के सांसद जनाब शफीकुर्रहमान बर्क साहब का इंतकाल, अत्यंत दु:खद।
— Samajwadi Party (@samajwadiparty) February 27, 2024
उनकी आत्मा को शांति दे भगवान।
शोकाकुल परिजनों को यह असीम दु:ख सहने का संबल प्राप्त हो।
भावभीनी श्रद्धांजलि ! pic.twitter.com/94zP5YZ9E9
બીજી તરફ બર્કના નિધનથી સમાજવાદી પાર્ટીના કર્તાહર્તા અખિલેશ યાદવ પણ શોકાતુર જોવા મળ્યા હતા. તેમણે પણ X પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જોકે સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવની પોસ્ટના શબ્દો સરખા જ હતા. તેમની પાર્ટીએ શફીકુર્રહમાન બર્કને આગામી 2024ની લોકસભા ચૂંટણીને લઈને સંભલના ઉમેદવાર ઘોષિત કર્યા હતા.
લાંબુ રાજનૈતિક કરિયર, નિવેદનોના કારણે રહેતા ચર્ચામાં
ઉલ્લેખનીય છે કે શફીકુર્રહમાન બર્ક લાંબા સમયથી રાજકારણ સાથે જોડાયેલા હતા. તેઓ ચાર વાર વિધાનસભા ચૂંટણીમાં જીતી ચુક્યા હતા. તેઓ સંભલ અને મુરાદાબાદથી લોકસભા સાંસદ રહી ચુક્યા હતા. મૂળ સંભલના રહેવાસી બર્ક પોતાના નિવેદનોને લઈને વધુ ચર્ચામાં રહેતા હતા. NCERT અભ્યાસક્રમમાં રામાયણ-મહાભારત ઉમેરવા પર તેમણે વિરોધ દર્શાવ્યો હતો. તેમણે માંગ કરી હતી કે હિંદુ ધર્મગ્રંથોની જગ્યાએ કુરાનને પાઠ્યક્રમમાં ઉમેરવામાં આવે, કારણકે તે વિશ્વની સહુથી મહાન પુસ્તક છે અને અલ્લાહનો કલામ છે.
વર્ષ 2023ના ડિસેમ્બર મહિનામાં તેમણે નવા સંસદ ભવનને લઈને કહ્યું હતું કે, “જુઓ, નમાજ પઢવા માટે અહીં પણ જગ્યા નથી. નવી સંસદમાં મુસલમાનો માટે નમાજ માટે પણ એક અલગ જગ્યા હોવી જોઈએ. આ લોકોએ નફરત ફેલાવી રાખી છે. આ શું જગ્યા આપશે, મુસલમાનો સામે નફરત ફેલાવી રાખી છે.”
વર્ષ 2022માં જયારે કર્ણાટકમાં હિજાબને લઈને વિવાદ ફાટી નીકળ્યો, તે સમયે પણ તેમણે કહ્યું હતું કે, “હું હિજાબના પક્ષમાં છું. ઇસ્લામનું કહેવું છે કે યુવતીઓએ હિજાબમાં જ રહેવું જોઈએ. જો યુવતીઓ પડદામાં નહીં રહે તો તેનાથી ખતરો ઉભો થઈ જશે. પડદામાં રહેશે તો તેમનું જિસ્મ (શરીર) ઢંકાયેલું રહેશે. અન્યથા ઉઘાડા અંગે લોકો તેમને ખરાબ નજરે જોશે અને પરિસ્થિતિ કફોડી થઈ જશે.”
કોરોના અલ્લાહનો પ્રકોપ, તિરંગા પર વિવાદિત નિવેદન
આ પહેલા પણ તેમણે કોરોનાને લઈને એક વિચિત્ર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો કોરોના કોઈ બીમારી હોત તો તેનો ઈલાજ મળી ગયો હોત. કોરોનાની આ બીમારી આઝાદે ઈલાહી છે જે અલ્લાહ સામે કરગરીને માફી માંગવાથી જ ખતમ થશે.
તેમણે સ્વતંત્રતા દિવસે ઘરે-ઘરે તિરંગો લગાવવા પર પણ નારાજગી જતાવી હતી. તેમણે કહ્યું હતું કે આ મુલ્કનો ઝંડો છે. મુલ્કવાળા તેને લગાવે છે. સત્તાધારી ભાજપ પર નિશાનો સાધતા તેમણે કહ્યું હતું કે, “તેઓ અમને મુલ્કના માનતા જ નથી. તિરંગો મુલ્કનો ઝંડો છે, મુલ્કના કાર્યાલયો પર ફરકાવવામાં આવશે. જેની મરજી હોય તે ઝંડો ફરકાવે. શું ઝંડો ફરકાવવાથી જ દેશભક્તિ સાબિત થશે?