Tuesday, May 7, 2024
More
    હોમપેજગુજરાતવિવાદનો અંત...આવતીકાલે સૂર્યોદય પહેલાં સાળંગપુર મંદિરનાં વિવાદિત ભીંતચિત્રો હટાવવાની જાહેરાત: સંતોની બેઠકમાં...

    વિવાદનો અંત…આવતીકાલે સૂર્યોદય પહેલાં સાળંગપુર મંદિરનાં વિવાદિત ભીંતચિત્રો હટાવવાની જાહેરાત: સંતોની બેઠકમાં સમાધાન

    હિંદુ સમાજનો એક અંગ હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાય સમાજની લાગણીઓ દુભાવવા ઈચ્છતો નથી. જેથી સાળંગપુર મંદિર ખાતેનાં ભીંતચિત્રોથી જે લાગણી દુભાઈ છે, તે આવતીકાલે (મંગળવારે) સૂર્યોદય થતાં પહેલાં જ લઇ લેવામાં આવશે- પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત

    - Advertisement -

    સાળંગપુર મંદિરે હનુમાનજીનાં વિવાદિત ભીંતચિત્રો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ફરી એક વખત સાધુ-સંતોની બેઠક મળી હતી, જેમાં વડતાલ સ્વામિનારાયણ સંસ્થાએ મંગળવારે (5 સપ્ટેમ્બર, 2023) સવાર સુધીમાં ભીંતચિત્રો હટાવી લેવા માટે આશ્વાસન આપ્યું હતું. બેઠક બાદ યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપવામાં આવી હતી. 

    સોમવારે વિશ્વ હિંદુ પરિષદના પ્રયાસોથી અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સનાતની સાધુ-સંતો અને વડતાલ ગાદીના સંતોની એક અગત્યની બેઠક યોજાઈ હતી. લગભગ બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં વિવાદનું નિરાકરણ લાવવા માટે સહમતી બની હતી અને આવતીકાલે સૂર્યોદય પહેલાં તમામ વિવાદિત ભીંતચિત્રો હટાવવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. 

    પ્રેસ કોન્ફરન્સમાં પરમાનંદ સ્વામીએ જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સનાતન ધર્મનો એક અંગ જ છે અને વૈદિક પરંપરાઓ, પૂજાપદ્ધતિઓ અને આચારોનું સૌ ભક્તો અને સંતો આદરપૂર્વક પાલન કરે છે. હિંદુ સમાજનો એક અંગ હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાય સમાજની લાગણીઓ દુભાવવા ઈચ્છતો નથી. જેથી સાળંગપુર મંદિર ખાતેનાં ભીંતચિત્રોથી જે લાગણી દુભાઈ છે, તે આવતીકાલે (મંગળવારે) સૂર્યોદય થતાં પહેલાં જ લઇ લેવામાં આવશે.

    - Advertisement -

    તેમણે આગળ જણાવ્યું કે, હિંદુ સમાજમાં સમરસતા જળવાય રહે તે માટે બાકીના જે વિવાદાસ્પદ મુદ્દાઓ છે તેને લઈને વિશ્વ હિંદુ પરિષદ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ પ્રવાહો અને હિંદુ ધર્મના આચાર્યો-સંતો સાથે એક વિચાર-પરામર્શ બેઠક યોજશે અને આ સૌ હિંદુ સમાજને એક કરવા માટે કટિબદ્ધ છે.

    તેમણે આગળ ઉમેર્યું કે, આ વિવાદનો ઉકેલ લાવવા માટે આજે અત્યંત સક્રિય અને સપ્રેમ પહેલ થઇ છે, જેથી હવે સમાજની સમરસતા તૂટે તેવાં નિવેદનોથી દૂર રહે તેવી અપીલ કરવામાં આવે છે. 

    ઉલ્લેખનીય છે કે વિવાદે વેગ પકડ્યા બાદ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં સાધુ-સંતો અને હિંદુ અગ્રણીઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં પણ વિવાદનું વહેલી તકે સમાધાન લાવવા માટે સહમતી બની હતી. આખરે હવે તેની ઉપર પૂર્ણવિરામ લાગતું જોવા મળી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં