Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘રાજદંડને તેનું ઉચિત સ્થાન મળ્યું, આ ક્ષણો ઐતિહાસિક’: સાંસ્કૃતિક પરંપરાથી સંસદ ભવનના...

    ‘રાજદંડને તેનું ઉચિત સ્થાન મળ્યું, આ ક્ષણો ઐતિહાસિક’: સાંસ્કૃતિક પરંપરાથી સંસદ ભવનના ઉદ્ઘાટન બાદ સાધુ-સંતોએ પીએમ મોદી પર આશીર્વાદ વરસાવ્યા, કહ્યું- તેમનામાં તમામ સદગુણો છે

    મોદી પ્રથમ એવા વડાપ્રધાન છે જેમણે તમિલ અધીનમને આ પ્રકારે આમંત્રણ પાઠવ્યું હોય અને તમિલ સંસ્કૃતિને ગર્વ અપાવ્યો હોય: સંતો

    - Advertisement -

    નવનિર્મિત સંસદ ભવન દેશને સમર્પિત થઇ ચૂક્યું છે. આજે પૂજાવિધિ અને હવન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ઐતિહાસિક રાજદંડની પણ સ્થાપના કરી હતી તો ભવનના નિર્માણમાં સહભાગી થનારા શ્રમિકોનું પણ વિશેષ સન્માન કર્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને સાંસ્કૃતિક પરંપરાથી દેશના નવા સંસદ ભવનના ઉદ્ઘાટન બાદ સાધુ-સંતોએ પીએમ મોદી પર આશીર્વાદ વરસાવ્યા હતા. મીડિયા એજન્સી ANIને પોતાના અનુભવો જણાવતાં તમામ સાધુ-સંતોએ આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો.

    સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પહેલાં પૂજા વિધિ યોજવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર અને હવન સાથે આ વિધિ સંપન્ન થયા બાદ તમિલનાડુના અધીનમ મહંતોએ ઐતિહાસિક રાજદંડની પૂજા કરીને તેને પવિત્ર કર્યો હતો અને પીએમ મોદીને સોંપ્યો હતો. જે તેમણે લોકસભામાં સ્થાપિત કર્યો હતો. તે પહેલાં તેમણે સેંગોલને સાષ્ટાંગ દંડવત પણ કર્યાં હતાં. ત્યારબાદ એક સર્વધર્મ પ્રાર્થનાસભા પણ યોજાઈ હતી, જેમાં વિવિધ ધર્મના વિદ્વાનોએ પોતપોતાના ધર્મોની પ્રાર્થના રજૂ કરી હતી. 

    મદુરાઈ અધીમનના 293માં મહંત શ્રી હરિહર દેસિકા સ્વામીગલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અમને નવનિર્મિત સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લઇ ખૂબ ગર્વનો અનુભવ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદી હંમેશા તમિલ સંસ્કૃતિ અને તમિલ લોકો સાથે ઉભા રહ્યા છે. મોદી પ્રથમ એવા વડાપ્રધાન છે જેમણે તમિલ અધીનમને આ પ્રકારે આમંત્રણ પાઠવ્યું હોય અને તમિલ સંસ્કૃતિને ગર્વ અપાવ્યો હોય.”

    - Advertisement -

    તો બીજી તરફ નવા સંસદ ભવનના લોકાર્પણ સમારોહમાં ભાગ લીધા બાદ અવિનાશી મઠના કામચી દાસર સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે તમામ ‘સદગુણો’ હોવાની વાત કહી હતી.

    આ મહા સમારોહ દરમિયાન બહુધર્મી પ્રાર્થના સભામાં સામેલ થયેલા શીખ ગુરુ બલબીર સિંહે પણ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ANI સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “આ ખૂબ જ સારી બાબત છે કે નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.” વિપક્ષ દળોના વિરોધ પર સવાલ પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, “હું મારી જાતને રાજનીતિથી દુર રાખું છું, હું માત્ર એટલું જ કહી શકું છું કે દેશના વિકાસ માટે તમામ લોકોએ એકજૂટ થઈને કામ કરવું જોઈએ.”

    નવનિર્મિત સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સંમેલિત થવા આવેલા જૈન ધર્મગુરુ આચાર્ય ડૉ. લોકેશ મુનીએ આજના સમારોહને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “ખરેખર આખા ભારતવર્ષ માટે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે અને સંસદ ભવનમાં સર્વ ધર્મ પ્રાર્થના થવાની ઐતિહાસિક, અદ્ભુત, અલૌકિક, અનુપમ ક્ષણ અમને બધાને જોવા મળી. અને ‘ધર્મદંડ, રાજદંડને પુનઃ તેનું ઉચિત સ્થાન મળ્યું, મેં જૈન ધર્મની પ્રાથના પ્રસ્તુત કરતા ભગવાન મહાવીરની વાણી નવકાર મંગલ પાઠ પ્રસ્તુત કરતા સંપૂર્ણ જૈન સમુદાય તરફથી વડાપ્રધાનનો આભાર માન્યો કે, તેમણે ધર્મ દંડ-રાજ દંડને ઉચિત આદર સ્થાન અપાવ્યું.”

    નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં સર્વ ધર્મ પૂજામાં બૌદ્ધ ધર્મના સંતોની પણ હાજરી રહી હતી. સમારોહ બાદ પોતાના અનુભવો જણાવતા હિમાલય બૌદ્ધ સંસ્કૃતિક સંઘના અધ્યક્ષ લામા ચોસ્ફેલ જોપાતે કહ્યું હતું કે, “નવા સંસદ ભવનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, મેં બૌધ પરંપરાઓ અનુસાર પૂજા-અર્ચના કરી. તમામ લોકોએ એકજૂટ થઈને દેશના વિકાસ માટે કામ કરવું જોઈએ અને રાજનીતિને તેનાથી અલગ રાખવી જોઈએ.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં