ઉત્તર પ્રદેશના વારાણસીમાં તંત્ર દીક્ષા લઈ રશિયાના મનોચિકિત્સક (Psychiatrist) એન્ટોન એન્ડ્રીવ (Anton Andreev) હિંદુ બન્યા છે. અનેક વર્ષોના પ્રયત્નો બાદ એન્ડ્રીવ તંત્ર દીક્ષા પૂરી કરી શક્યા છે. કાશીના શિવલા સ્થિત વાગ્યોય ચેતના પીઠમમાં ગુરુવાર (18 મે 2023)ના રોજ ખાસ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એન્ટોનને ગુરુમંત્ર સાથે નવું નામ ‘અનંતાનંદ નાથ’ મળ્યું, તેમને કશ્યપ ગોત્ર મળ્યું છે.
સેન્ટપીટ્સબર્ગના મનોચિકિત્સક એન્ટોન એન્ડ્રીવને શરૂઆતથી જ હિંદુ સંસ્કૃતિ સાથે લગાવ હતો. તેમણે તંત્ર વિદ્યાની અદ્રશ્ય શક્તિઓ વિશે વાંચ્યું હતું. તેમને પણ કુંડલીની જાગૃત કરીને વિદ્યા પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. ઘણા રિસર્ચ બાદ તેમને વારાણસીના વગીશ શાસ્ત્રી વિશે માહિતી મળી. જાન્યુઆરી 2015માં એન્ટોન ભારત આવ્યા અને વગીશ શાસ્ત્રી પાસે તંત્ર વિદ્યાની શિક્ષા મેળવવાની ઈચ્છા જાહેર કરી. એન્ટોન આ દરમિયાન જરૂરી માનકોને પૂર્ણ ન કરી શક્યા અને કુંડલીની જાગ્રત ન થઈ શકી, જે બાદ તેઓ રશિયા પરત ફર્યા હતા.
એન્ટોન વર્ષ 2016માં ફરી ભારત આવી પહોંચ્યા પણ તેમની કક્ષાઓ પૂર્ણ ન થઈ શકી. વર્ષ 2022માં ગુરુ વગીશ શાસ્ત્રીનું નિધન થઈ ગયું, 25 એપ્રિલ 2023ના રોજ એન્ટોન પોતાની ઈચ્છા લઈને પંડિત અશપતી શાસ્ત્રી પાસે પહોંચ્યા. જ્યાં તેમણે કુંડલિની જાગૃત કરવાની શિક્ષા લીધી. 10 દિવસના અભ્યાસ અને 5 દિવસના સ્વતંત્ર ધ્યાન દરમિયાન એન્ડ્રીવે માતા તારા શક્તિ (મા કાળકાનું એક રૂપ)નું ધ્યાન કર્યું.
મીડિયા અહેવાલો અનુસાર એન્ટોન એન્ડ્રીવે પંડિત અશપતી પાસે આગળની શિક્ષા લેવાની ઈચ્છા જાહેર કરી. પંડિત અશપતીએ તેમને તેમના ઈષ્ટ દેવનું ધ્યાન કરવા કહ્યું. અનેક કલાકોના ધ્યાન બાદ તારાપીઠમાં તેમણે દેવીની છાયાનો અભાસ થયો. પંડિત અશપતીએ આગળની ગોપનીય બાબતોની જાણકારી તો ન આપી, પરંતુ તેમના અનુસાર અધ્યાત્મિક રૂપે તૈયાર થયા બાદ રશિયાના મનોચિકિત્સકને ગુરુ દીક્ષા આપવામાં આવી.
પંડિત અશપતી જણાવે છે કે તંત્ર વિદ્યા પ્રાપ્ત કરવા માટે કુંડલીની જાગૃત કરવી આવશ્યક છે. અલગ-અલગ લોકોની કુંડલીની જાગૃત કરવામાં અલગ અલગ સમયગાળો લાગે છે. કેટલાક લોકો તેને 10 દિવસમાં જાગૃત કરી લે છે, તો કેટલાક લોકોને વર્ષો સુધી અભ્યાસ કરવો પડે છે. કુંડલીની જાગૃત કરવાનો અર્થ તે નથી કે તે વ્યક્તિ સર્વશક્તિમાન બની ગયો છે. પરંતુ તેનો અર્થ તે છે કે હવે તે વ્યક્તિ તંત્ર સાધના કરવા માટે સંપૂર્ણ રૂપે તૈયાર છે.
પંડિત અશપતી શાસ્ત્રીનું માનીએ તો દિક્ષા લેનારા લોકોમાં યુક્રેન અને રશિયાના નાગરિકોની સંખ્યા વધુ છે. મુસ્લિમ અને ખ્રિસ્તી દેશોના લોકો પણ ગુરુ દીક્ષા લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે મઠમાં અત્યાર સુધી 80 દેશોના 15 હજારથી વધુ વિદેશી શિષ્યો દિક્ષા લઈ ચૂક્યા છે. તેમાં વધારો કરતા રશિયાના મનોચિકિત્સક એન્ટોન એન્ડ્રીવ પણ વારાણસીમાં તંત્ર દિક્ષા પૂરી કરી હિંદુ બન્યા છે.