Monday, April 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટસ્થાનિકો બન્યા જાનૈયા, ઘરમાલિકે કન્યાદાન કર્યું: હિમાચલ પ્રદેશમાં રશિયાના યુવાન અને યુક્રેનની...

  સ્થાનિકો બન્યા જાનૈયા, ઘરમાલિકે કન્યાદાન કર્યું: હિમાચલ પ્રદેશમાં રશિયાના યુવાન અને યુક્રેનની યુવતીએ સાત ફેરા લીધા, સનાતની રીત-રિવાજ પ્રમાણે થયાં લગ્ન

  રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે આ તણાવભર્યા માહોલથી દૂર એક યુગલે ભારતમાં સનાતની પરંપરા મુજબ લગ્ન કરી લીધાં હતાં.

  - Advertisement -

  રશિયા અને યુક્રેન છેલ્લા છ મહિનાથી યુદ્ધે ચડ્યા છે. બંને દેશો વચ્ચે હજુ પણ તણાવપૂર્ણ માહોલ છે અને હિંસાનું પ્રમાણ ઘટી રહ્યું નથી તેવા સમયે આવા યુદ્ધના માહોલથી દૂર રશિયા-યુક્રેનના એક પ્રેમી યુગલે લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને ભારત આવી ગયાં હતાં. જ્યાં હિમાચલ પ્રદેશમાં તેઓ લગ્નના બંધને બંધાયા છે. બંનેએ અહીં સનાતની રીતરિવાજ મુજબ લગ્ન કરી લીધાં હતાં. 

  મૂળ ઇઝરાયેલના અને રશિયામાં રહેતા સિરગી નોવિકા અને યુક્રેનમાં રહેતી એલોનાબ્રોમોકા વચ્ચે છેલ્લા ઘણાં વર્ષોથી પ્રેમસબંધ હતો. થોડા સમય પહેલાં તેમણે આ સબંધોને નવું રૂપ આપવાનો નિર્ણય લીધો અને બંને ભારત આવી ગયા હતા. તેઓ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં મેક્લોડગંજમાં એક હોમ સ્ટેમાં રહેતા હતા. ગત મંગળવારે આ બંને પરણી ગયાં હતાં. 

  રશિયા-યુક્રેનના યુગલે ધર્મકોટના એક રાધાકૃષ્ણ મંદિરમાં લગ્ન કરી લીધાં હતાં. તેઓ જે હોમ સ્ટેમાં રહેતા હતા તેના માલિક અને તેમના પરિવારે મળીને લગ્ન પ્રસંગનું આયોજન કર્યું હતું. ઉપરાંત કન્યાદાન વગેરેની વિધિ પણ તેમણે જ કરી હતી. સાથે આસપાસના પાડોશીઓ પણ જોડાયા હતા. સ્થાનિકોમાંથી જ કેટલાક જાનૈયા બન્યા હતા. આ ઉપરાંત, ધર્મકોટમાં રહેતા અન્ય વિદેશી લોકો પણ લગ્નમાં જોડાયા હતા. 

  - Advertisement -

  રાધા કૃષ્ણ મંદિરના પંડિત સંદીપ શર્માએ જણાવ્યું હતું કે, આશ્રમના જ એક પંડિતે હિંદુ રીત-રિવાજ મુજબ તેમનાં લગ્ન કરાવ્યાં હતાં. વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બંનેનાં લગ્ન થયાં તેમજ પંડિતે તે બંનેને સનાતન ધર્મ અને તેની વિધિ અંગે પણ જાણકારી આપી હતી. લગ્ન બાદ બંનેએ પંડિતના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. 

  લગ્ન બાદ પંડિત રમણ શર્માએ કહ્યું કે, એક વિદેશી યુગલને ભારતીય લગ્ન પરંપરામાં રસ ધરાવતું જોઈને આનંદ થયો. તે બંને લગ્ન દરમિયાન પૂજા વિધિ અને મંત્રોને લઈને ખૂબ ઉત્સુક હતા. તેમજ બંનેને મંત્રોની સમજ આપવા માટે એક ટ્રાન્સલેટર પણ રાખવામાં આવ્યો હતો. જે પંડિતના વાક્યોને અંગ્રેજીમાં ભાષાંતર કરીને બંનેને સમજાવતો હતો. 

  ઉલ્લેખનીય છે કે ગત 24 ફેબ્રુઆરીના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક ટેલિવિઝન સંદેશમાં યુક્રેનમાં સૈન્ય ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેની થોડી ક્ષણો બાદ જ રશિયાની સેનાએ યુક્રેનમાં ઘૂસી ગઈ હતી અને એક પછી એક શહેરોમાં તબાહી જોવા મળી હતી. યુદ્ધ છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યું છે તેમજ બંને દેશો વચ્ચે હજુ પણ યુદ્ધવિરામ થઇ શક્યું નથી. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં