Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈસરોના ચંદ્રયાન-3 મિશનનું નેતૃત્વ કરી રહ્યાં છે ભારતના ‘રૉકેટ વુમન’: જાણો કોણ...

    ઈસરોના ચંદ્રયાન-3 મિશનનું નેતૃત્વ કરી રહ્યાં છે ભારતના ‘રૉકેટ વુમન’: જાણો કોણ છે રિતુ કરિધાલ શ્રીવાસ્તવ, જેમના માથે છે સમગ્ર મિશનની જવાબદારી

    તેમણે ચંદ્રયાન-2 મિશન દરમિયાન પણ અગત્યની ભૂમિકા ભજવી હતી. હાલ તેમના હાથમાં ચંદ્રયાન-3 મિશનને સફળતાપૂર્વક પાર પાડવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. 

    - Advertisement -

    ભારત અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ મેળવવા જઈ રહ્યું છે. આજે (14 જુલાઈ, 2023) ભારતની અવકાશીય સંશોધન કરતી સંસ્થા ISRO બપોરે 2:35 કલાકે ઓડિશાના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3 લૉન્ચ કરશે. યાન લગભગ 50 દિવસની મુસાફરી બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ઉતરશે અને સફળ લેન્ડિંગ થાય તો આમ કરનારો ભારત ચોથો દેશ બનશે. આ સમગ્ર મિશનનું નેતૃત્વ કરી રહ્યાં છે ISROના યુવા અવકાશ વૈજ્ઞાનિક રિતુ કરિધાલ શ્રીવાસ્તવ.

    રિતુ કરિધાલ ચંદ્રયાન-3નાં મિશન ડાયરેક્ટર છે. તે પહેલાં તેઓ મંગળયાન મિશનનાં ડેપ્યુટી ઓપરેશન ડાયરેક્ટર રહી ચૂક્યાં છે. તેમને અભ્યાસ દરમિયાન જ અંતરિક્ષના ક્ષેત્રમાં ખૂબ રસ હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ લખનૌમાં પૂર્ણ કર્યું અને ત્યારબાદ ફિજીક્સ વિષય સાથે લખનૌમાં જ M.SC કર્યું હતું. ત્યારબાદ તેમણે બેંગ્લોર ઇન્ડિયન સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મેળવીને અંતરિક્ષ વિજ્ઞાનમાં વધુ અભ્યાસ કર્યો હતો. વર્ષ 1997માં તેમને ISROમાં નોકરી મળી હતી. 

    તેમણે દેશનાં અનેક મોટાં સ્પેસ મિશનમાં અગત્યની ભૂમિકા ભજવી છે. જેથી તેમને ભારતનાં રોકેટ વુમન પણ કહેવામાં આવે છે. તેમણે ચંદ્રયાન-2 મિશન દરમિયાન પણ અગત્યની ભૂમિકા ભજવી હતી. હાલ તેમના હાથમાં ચંદ્રયાન-3 મિશનને સફળતાપૂર્વક પાર પાડવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. 

    - Advertisement -

    રિતુ કરિધાલને તેમની વિશિષ્ટ ઉપલબ્ધિઓન કારણે અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. 2007માં તેમને યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ મળ્યો હતો. આ સિવાય તેમને ડૉ. એપીજે અબ્દુલ કલામ યુવા વૈજ્ઞાનિક પુરસ્કાર, માર્સ આર્બિટ્રેટર મિશન માટે ઈસરો ટીમ પુરસ્કાર, ASI ટીમ પુરસ્કાર, સોસાયટી ઑફ ઇન્ડિયન એરોસ્પેસ ટેક્નોલોજી એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એરોસ્પેસ વુમન એચિવમેન્ટ પુરસ્કાર વગેરે એવોર્ડ મળી ચૂક્યા છે. વૈજ્ઞાનિક હોવા સાથે તેઓ રિસર્ચ પેપર્સ પણ લખી ચૂક્યાં છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં તેમના 20થી વધુ રિસર્ચ પેપર્સ પ્રકાશિત થઇ ચૂક્યાં છે. 

    આ પહેલાં ભારતે ચંદ્રયાન 1 અને 2 લૉન્ચ કર્યાં હતાં, જેમાં સંપૂર્ણ નિષ્ફ્ળતા મળી ન હતી પરંતુ હજુ સુધી કોઈ યાન ચંદ્ર પર લેન્ડ થઇ શક્યું નથી. ચંદ્રયાન-2 જુલાઈ, 2019માં લૉન્ચ કરવામાં આવ્યું હતું, જે સપ્ટેમ્બરમાં ચંદ્ર પર પહોંચ્યું હતું પરંતુ લેન્ડિંગની થોડી જ ક્ષણો પહેલાં તેણે સંપર્ક ગુમાવી દીધો હતો અને ક્રેશ થઇ ગયું હતું. હવે ચંદ્રયાન-3 તેનો આગલો તબક્કો છે, જે ચંદ્રની સપાટી પર ઉતરીને પરીક્ષણ કરશે. જેમાં એક પ્રોપલ્શન મોડેલ, લેન્ડર અને રોવર હશે. આ વખતે ઓર્બિટર મોકલવામાં નહીં આવે. ઉપરાંત, મિશનની સફળતા માટે એલ્ગોરિધમ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે તો ઉપકરણ પણ નવાં બનાવવામાં આવ્યાં છે. 

    બધું યોજના અનુસાર ચાલ્યું તો 14 જુલાઈએ પ્રક્ષેપિત થયા બાદ 23 કે 24 ઓગસ્ટના રોજ આ યાન ચંદ્ર પર ઉતરશે. લેન્ડ કરતાંની સાથે જ આમ કરનારો ભારત અમેરિકા, રશિયા અને ચીન બાદ ચોથો દેશ બનશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં