Saturday, July 27, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક1 જુલાઈથી શરૂ થશે બાબા અમરનાથની યાત્રા: 62 દિવસ ચાલનારી યાત્રા માટે...

    1 જુલાઈથી શરૂ થશે બાબા અમરનાથની યાત્રા: 62 દિવસ ચાલનારી યાત્રા માટે 17 એપ્રિલથી કરી શકાશે ઓનલાઈન-ઓફલાઈન રજીસ્ટ્રેશન

    આ વખતે આ આખી યાત્રા, વાતાવરણ, રજીસ્ટ્રેશન અને અન્ય અનેક સુવિધાઓનો લાભ મેળવા વેબસાઈટ અને "શ્રી અમરનાથજી યાત્રા" એપ્લીકેશન ગુગલ પ્લે-સ્ટોર પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના થકી યાત્રાળુઓ અનેક સેવાઓનો લાભ મેળવી શકશે.

    - Advertisement -

    ‘બાબા અમરનાથ યાત્રા 2023’ અગામી 1 જુલાઈથી શરુ થશે, જેના માટે 17 એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. આ રજીસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બન્ને માધ્યમથી કરી શકાશે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આ વિશે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, સરકાર બાબાના ભક્તો માટે યાત્રા સરળ રહે તે માટે તમામ પ્રકારની સુવિધાઓની વ્યવસ્થા કરી રહી છે. આ વર્ષે યાત્રા 62 દિવસ ચાલશે, આવનારા તમામ યાત્રીઓને શ્રેષ્ઠ દૂરસંચાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

    મળતી માહિતી અનુસાર બાબા અમરનાથ યાત્રા 2023, ઓગસ્ટ મહિનાની 31 તારીખે પૂર્ણ થશે. બાબા અમરનાથની ગુફા 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. આ વખતે યાત્રા પહલગામ ટ્રેક અને ગાંદરબલ જિલ્લાના બાલટાલના બન્ને રૂટ પરથી એક સાથે શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ પ્રભાત અને સંધ્યા આરતીનું સીધુ પ્રસારણ કરશે. આ યાત્રા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે (13 એપ્રિલ 2023) જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સમીક્ષા માટે મહત્વપૂર્ણ બેઠક કરી હતી.

    આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. આ બેઠક બાદ જ યાત્રાની ઘોષણા કરવામાં આવી હતી.

    - Advertisement -

    બાબા અમરનાથ યાત્રા 2023 માટે વિભિન્ન બાબતોની સમીક્ષા

    SAASBની 44મી બેઠક દરમિયાન સભ્યો અને અધિકારીઓએ બાબા અમરનાથ યાત્રા 2023 માટે વિભિન્ન બાબતોની સમીક્ષા કરી હતી. જેમાં રજીસ્ટ્રેશન, હેલીકોપ્ટર સેવાઓ, સ્વયંસેવકોની વ્યવસ્થા, શિબિરો, ભોજનના લંગરો તેમજ યાત્રીઓ માટે વીમા કવર જેવી મહત્વપૂર્ણ બાબતો આવરવામાં આવી હતી. આ ઉપરાંત અનંતનાગના ડીસી ડૉ. બશારત કયુમે પણ અમરનાથ યાત્રાની તૈયારીઓના અનુસંધાનમાં સમીક્ષા બેઠક કરી હતી.

    આ બેઠકમાં પહલગામના સીઈઓએ પીડીએની કાર્ય યોજનાઓની માહિતી આપી હતી. ઉપરાંત બીઆરઓના પ્રતિનિધિએ પણ જણાવ્યું હતું કે 200થી વધુ શ્રમિકો, મશીનરીઓ ઉપરાંત અમરનાથ તરફ જતા રસ્તાઓ સુગમ કરવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત પવિત્ર ગુફા સુધીના રસ્તામાં બરફ હટાવવાનું કાર્ય પણ પ્રગતિમાં છે.

    ખૂબ જ પવિત્ર અને પ્રમુખ હિંદુ તીર્થધામ બાબા અમરનાથ ગુફા કાશ્મીર ઘાટીમાં શ્રીનગરથી લગભગ 145 કિલોમીટરના અંતરે આવેલી છે. આ ધામની સમુદ્રતટથી ઉંચાઈ લગભગ 4 હજાર મીટર છે. લગભગ 160 ફૂટ લાંબી, 100 ફૂટ પહોળી અને 30 ફૂટ ઉંચી બાબા અમરનાથની ગુફામાં દર વર્ષે પાણીના ટીપાથી બાબા અમરનાથ (ભગવાન શંકર)ના સ્વયંભૂ શિવલિંગનું નિર્માણ થાય છે. હિંદુ ધર્મમાં આ ઘટનાને ખુબજ પવિત્ર અને અલૌકિક માનવામાં આવે છે, અને દર વર્ષે અનેક યાત્રાળુઓ અહી બાબા અમરનાથના દર્શન કરવા આવે છે.

    આ વખતે આ આખી યાત્રા, વાતાવરણ, રજીસ્ટ્રેશન અને અન્ય અનેક સુવિધાઓનો લાભ મેળવા વેબસાઈટ અને ‘શ્રી અમરનાથજી યાત્રા’ એપ્લિકેશન ગુગલ પ્લે-સ્ટોર પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના થકી યાત્રાળુઓ અનેક સેવાઓનો લાભ મેળવી શકશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં