અયોધ્યા સ્થિત પ્રભુ શ્રીરામના ભવ્ય, દિવ્ય મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના આંગણેથી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. ‘આજે આપણા રામ આવી ગયા છે. શતાબ્દીઓની લાંબી પ્રતીક્ષા બાદ આજે રામ આવી ગયા છે’થી તેમણે સંબોધનની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે કહ્યું કે, 22 જાન્યુઆરી, 2024 માત્ર કેલેન્ડર પર લખેલી એક તારીખ નહીં પરંતુ એક નવા કાળચક્રનો ઉદગમ છે. તેમણે ઉમેર્યું, “આ ક્ષણ અલૌકિક છે, આ પળ પવિત્ર છે, આ માહોલ, આ વાતાવરણ, આ ઊર્જા, આ ઘડી….. પ્રભુ શ્રીરામના આપણા સૌની ઉપર આશીર્વાદ છે.”
વડાપ્રધાને કહ્યું કે, “આજે આખો દેશ દિવાળી ઉજવી રહ્યો છે. આજે ગામેગામ એકસાથે કીર્તન અને સંકીર્તન થઈ રહ્યાં છે. આજે મંદિરોમાં ઉત્સવ થઈ રહ્યા છે અને સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. આજે દેશ દેશમાં દિવાળી છે.”
PM કહે છે કે, “આજે અયોધ્યામાં માત્ર શ્રીરામના વિગ્રહ રૂપની પ્રાણપ્રતિષ્ઠા નથી થઈ, આ શ્રીરામના રૂપમાં સાક્ષાત ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અતૂટ વિશ્વાસની પણ પ્રાણપ્રતિષ્ઠા છે. આ સાક્ષાત માનવીય મૂલ્યો અને સર્વોચ્ચ આદર્શોની પણ પ્રાણપ્રતિષ્ઠા છે.” તેમણે કહ્યું, “આ મંદિર માત્ર એક દેવ મંદિર નહીં પરંતુ ભારતની દ્રષ્ટિનું, ભારતના દર્શનનું અને ભારતના દિર્ગદર્શનનું મંદિર છે. આ રામના રૂપમાં રાષ્ટ્ર ચેતનાનું મંદિર છે.”
‘આજના દિવસે આપણે સંકલ્પ લઈએ કે રાષ્ટ્રનિર્માણ માટે જીવનની પળ-પળ ખપાવી દઈશું’ તેમ કહીને PM મોદીએ દેશવાસીઓને અપીલ કરી કે, રામકાજથી રાષ્ટ્રકાજ, સમયની પળપળ, શરીરના કણ-કણ, રામ સમર્પણને રાષ્ટ્ર સમર્પણના ધ્યેય સાથે જોડી દઈશું. તેમણે કહ્યું કે, આ ભારતના વિકાસનો અમૃતકાળ છે. આજે ભારત યુવાશક્તિની પૂંજીથી ઉભરાયું છે. આવી સકારાત્મક પરિસ્થિતિઓ ફરી કેટલા સમય બાદ બનશે. હવે આપણે ચૂકવાનું નથી, બેસવાનું નથી.
સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ ભવ્ય રામ મંદિર ભારતના ઉત્કર્ષ અને ભારતના ઉદયનું સાક્ષી બનશે. આ ભવ્ય મંદિર સાક્ષી બનશે ભવ્ય ભારતના અભ્યુદયનું, સાક્ષી બનશે વિકસિત ભારતનું.
ઉલ્લેખનીય છે કે આજે સોમવારે (22 જાન્યુઆરી, 2024) ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. 12:39 કલાકે અભિજિત મુહૂર્તમાં PM નરેન્દ્ર મોદીએ પૂજાવિધિ કરીને ભગવાનને નિજ મંદિરમાં બિરાજમાન કરાવ્યા હતા.