Thursday, May 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘...તો 200 વર્ષ સુધી કોઈ ચુકાદો આવ્યો ન હોત’: રામ જન્મભૂમિ કેસમાં...

    ‘…તો 200 વર્ષ સુધી કોઈ ચુકાદો આવ્યો ન હોત’: રામ જન્મભૂમિ કેસમાં ચુકાદો આપનારા અલ્હાબાદ હાઇકોર્ટના પૂર્વ જજનો ખુલાસો; કહ્યું- મારા પર નિર્ણય ન સંભળાવવા માટે દબાણ હતું

    સુધીર અગ્રવાલ 2010માં રામ જન્મભૂમિ કેસમાં નિર્ણાયક ચુકાદો આપનારી અલ્હાબાદ હાઈકોર્ટની ખંડપીઠનો ભાગ હતા.

    - Advertisement -

    હાલ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે. વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો આપ્યો હતો અને જે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો એ હિંદુ પક્ષને સોંપી દીધી હતી. સુપ્રીમ કોર્ટ પહેલાં આ કેસ ઉત્તર પ્રદેશની અલાહાબાદ હાઇકોર્ટમાં ચાલી રહ્યો હતો. આ કેસનો ચુકાદો આપનારા જજ (નિવૃત્ત) સુધીર અગ્રવાલે એક અગત્યનો ખુલાસો કર્યો છે. મેરઠમાં એક કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં સુધીર અગ્રવાલે એવું કહ્યું હતું કે રામ જન્મભૂમિ મામલે તેમના પર ચુકાદો ન આપવાનું દબાણ હતું અને જો આ ચુકાદો ન આવ્યો હોત, તો આગામી બે સદીઓ સુધી કોઈ નિકાલ ન આવત.

    સુધીર અગ્રવાલ 2010માં રામ જન્મભૂમિ કેસમાં નિર્ણાયક ચુકાદો આપનારી અલ્હાબાદ હાઈકોર્ટની ખંડપીઠનો ભાગ હતા. તેઓ 23 એપ્રિલ, 2020ના રોજ હાઈકોર્ટમાંથી સેવાનિવૃત્ત થયા હતા.

    ઉત્તર પ્રદેશના મેરઠમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જસ્ટિસ સુધીર અગ્રવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “ચુકાદો આપ્યા બાદ હું ધન્ય અનુભવું છું. આ કેસનો ચુકાદો મોકૂફ રાખવાનું મારા પર દબાણ હતું. આ દબાણ મારા ઘરની અંદર અને બહારથી પણ હતું. પરિવારના સભ્યો અને સંબંધીઓ મને કોઈ રીતે સમય પસાર કરવા અને ચુકાદો ન આપવાનું ટાળવા માટે દબાણ કરી રહ્યા હતા.”

    - Advertisement -

    ‘..તો 200 વર્ષ સુધી આ કેસનો ચુકાદો ન આવત’

    સુધીર અગ્રવાલે કહ્યું કે, “જો રામ જન્મભૂમિ કેસમાં 30 સપ્ટેમ્બર, 2010ના રોજ ચુકાદો ન આવ્યો હોત, તો આગામી 200 વર્ષ સુધી આ કેસ એમ જ હોત.” ઉલ્લેખનીય છે કે, 30 સપ્ટેમ્બર, 2010ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે 2:1ની બહુમતી સાથે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો અને કહ્યું હતું કે, અયોધ્યા ખાતે 2.77 એકર ભૂમિને ત્રણ પક્ષો- સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા બિરાજમાન વચ્ચે સમાનરૂપે વહેંચવામાં આવશે. રામ જન્મભૂમિ કેસમાં ચુકાદો સંભળાવનારી બેંચમાં જજ સિભગત ઉલ્લાહ ખાન, સુધીર અગ્રવાલ અને ડીવી શર્મા સામેલ હતા. જસ્ટિસ ખાને અન્ય બે જસ્ટિસથી વિરુદ્ધ અભિપ્રાય આપ્યો હતો.

    પછીથી આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં લગભગ 9 વર્ષ સુધી સુનાવણી ચાલ્યા બાદ નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે 5:0થી ચુકાદો આપીને વિવાદિત જમીનનો તમામ હિસ્સો રામલલા બિરાજમાનને સોંપી દીધો હતો અને મુસ્લિમ પક્ષને મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન અન્ય ઠેકાણે આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રામમંદિરનું નિર્માણ શરૂ કરી દેવાયું હતું, જે હાલ પ્રગતિમાં છે અને આગામી જાન્યુઆરી મહિનામાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે.

    18મી સદીથી ચાલતી લડાઈનો અંત આવ્યો

    ઉલ્લેખનીય છે કે, 1528-29માં મોગલ સમ્રાટ બાબરના આદેશ પર સેનાપતિ મીર બાકી દ્વારા મંદિર ધ્વસ્ત કરવામાં આવ્યું હતું અને એ સ્થળે ‘બાબરી મસ્જિદ’નું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેને લઈને દાયકાઓ સુધી સંઘર્ષ ચાલ્યા બાદ 6 ડિસેમ્બર 1992ના રોજ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને સહયોગી સંગઠનોના હિંદુ કાર્યકરો દ્વારા આ વિવાદિત ઢાંચાને તોડી પાડવામાં આવ્યો હતો.

    હિંદુઓ 18મી સદીથી તેમની જમીન પર ફરી દાવો માંડીને ત્યાં રામ મંદિરનું પુનઃનિર્માણ કરવાના અધિકાર માટે લડી રહ્યા હતા. એ પછી સુપ્રીમ કોર્ટના નિર્ણયને પગલે 5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને હાલ તેનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. મંદિરનું ઉદ્ઘાટન જાન્યુઆરી, 2024માં રોજ કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં