Saturday, April 13, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટરાજકોટના સાંધ્ય દૈનિક પર મુખ્યમંત્રી અંગે અફવા ફેલાવવાનો આરોપ: પત્રકાર, તંત્રી અને...

  રાજકોટના સાંધ્ય દૈનિક પર મુખ્યમંત્રી અંગે અફવા ફેલાવવાનો આરોપ: પત્રકાર, તંત્રી અને અખબાર માલિકો સામે ફરિયાદ બાદ ગુનો દાખલ

  અખબારમાં ‘ગુડબાય ભુપેન્દ્રજી, વેલકમ રૂપાલા!’ શીર્ષક હેઠળ સમાચાર પ્રકાશિત થતાં અટકળો વહેતી થઇ હતી.

  - Advertisement -

  રાજકોટના એક સાંધ્ય દૈનિકે અહેવાલ પ્રકાશિત કરી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સ્થાને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને રાજ્યની કમાન સોંપશે તેવો દાવો કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં અહેવાલ લખનાર પત્રકાર, અખબારના તંત્રી અમે માલિકો સામે અફવા ફેલાવવાના આરોપ લગાવવામાં આવ્યા છે.

  રાજકોટથી પ્રકાશિત થતા સાંધ્ય દૈનિક ‘સૌરાષ્ટ્ર હેડલાઈન’માં ગત 22 ઓગસ્ટ (સોમવાર)ના રોજ ‘ગુડબાય ભુપેન્દ્રજી, વેલકમ રૂપાલા!’ શીર્ષક હેઠળ એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં મુખ્યમંત્રી પદેથી ભુપેન્દ્ર પટેલને સ્થાને પુરુષોત્તમ રૂપાલાને પ્રોજેક્ટ કરવાની હિલચાલ ચાલી રહી હોવાના તેમજ ચૂંટણી પહેલાં પાટીદાર વોટબેન્કને પોતીકી કરવા ભાજપ હાઈકમાન્ડ આવા નિર્ણય લેવાની ફિરાકમાં હોવાના દાવા કરવામાં આવ્યા હતા. 

  ‘આધારભૂત સૂત્રો’ને ટાંકીને અહેવાલમાં ભુપેન્દ્ર પટેલ સરકારનો રિપોર્ટ નબળો આવતાં પીએમ મોદીએ દિલ્હીથી ભાજપ સંગઠન મહામંત્રી બી.એલ સંતોષને ગુજરાત મોકલ્યા હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત, આંતરિક જૂથવાદ અને પ્રદેશ નેતાગીરીથી કાર્યકરો નારાજ હોવાનું કહીને તેમણે ઠપકો આપ્યો હોવાનો દાવો પણ થયો હતો. 

  - Advertisement -

  મુખ્યમંત્રી અંગે આ અહેવાલ પ્રકાશિત થયા બાદ તેની નકલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ હતી અને રાજકીય અટકળો વહેતી થઇ હતી. જે બાદ રાજકોટના એક નાગરિકે પોલીસ મથકે અફવા ફેલાવવાના આરોપ કરી ફરિયાદ નોંધાવતાં પોલીસે અહેવાલ લખનાર પત્રકાર અનિરુદ્ધ નકુમ, અખબારના તંત્રી અને માલિક સામે કેસ દાખલ કર્યો હતો. 

  ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, પત્રકાર અને અખબારે કોઈ પણ પ્રકારની આધારભૂત માહિતી વગર અફવા ફેલાવવાના આશયથી ભારતીય જનતા પાર્ટીમાં ગભરાટ પેદા થાય અને અલગ-અલગ રાજકીય સમર્થક વર્ગો વચ્ચે ધિક્કાર ઉત્પન્ન થાય અને જેથી જાહેર શાંતિ જોખમાય તેવી વિગતો લખેલી છે. તેમજ આ વિગતોના કારણે જનમાનસમાં રાજકીય અસ્થિરતાની લાગણી ફેલાય તેવું કૃત્ય કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. 

  પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર, એફઆઈઆર દાખલ થયા બાદ પત્રકાર અનિરુદ્ધ નકુમને નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યા હતા. જે બાદ આજે સવારે તેઓ નિવેદન નોંધવા માટે પોલીસ સમક્ષ હાજર થયા હતા. પોલીસે જણાવ્યું કે, તેમને નોટિસ આપવામાં આવી છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં