પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરવાનો વધુ એક કેસ રાજકોટ પોલીસ મથકે નોંધાયો છે. આરોપી ફૈઝલ સામે એક 25 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવતાં લગ્નની લાલચ આપીને હોટેલમાં લઇ જઈને બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે આરોપીની માતા હસીના અને માસા-માસી સરફરાઝ અને રોશન સામે પણ ફરિયાદ નોંધાવી છે.
બનાવની વધુ વિગતો અનુસાર, હિંદુ યુવતીનો પરિચય આરોપી ફૈઝલ ઉર્ફે નવાબ સાથે છ મહિના પહેલાં થયો હતો. ત્યારબાદ બંને અવારનવાર મળતાં હતાં. બંને વચ્ચે મિત્રતા પ્રેમસબંધોમાં પલટાઈ ગઈ હતી અને બંનેએ લગ્ન કરવાની પણ વાતો કરી હતી.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ચાર મહિના પહેલાં ફૈઝલે તેને માલવિયા ચોક પાસે આવેલ તિલક હોટેલમાં મળવા બોલાવતાં તે ત્યાં ગઈ હતી. જ્યાં ફૈઝલે તેને રૂમમાં લઇ જઈને ‘આપણે લગ્ન કરવાના છીએ’ તેમ કહીને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પણ ફૈઝલ અનેક વખત હોટેલ પર બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
દરમ્યાન, ગત 26 ઓક્ટોબરના રોજ ફૈઝલે ફરી એક વખત યુવતીને ફોન કરીને મળવા માટે બોલાવી હતી. યુવતી ત્યાં પહોંચતાં ફરી ફૈઝલે હોટેલ પર જવાની વાત કહેતાં યુવતીએ ઈનકાર કરી દીધો હતો. પરંતુ તેમ છતાં ફૈઝલ તેને લઈને હોટેલ પહોંચ્યો હતો અને તેને ધમકી આપીને ફરી એક વખત દુષ્કર્મ આચર્યું હતું. ફૈઝલે કહ્યું હતું કે, જો તે બીજા સાથે લગ્ન કરશે તોપણ તે (ફૈઝલ) તોડાવી નાંખશે અને તે જ તેની સાથે લગ્ન કરશે.
ત્યારબાદ યુવતી હોટેલમાંથી નીકળી હોટેલના કમ્પાઉન્ડમાં પહોંચતાં ત્યાં ફૈઝલની માતા અને તેના માસ-માસી મળ્યાં હતાં, જેમણે તેની સાથે ઝઘડો કર્યો હતો અને ગાળો ભાંડી માર પણ માર્યો હતો. ત્યારબાદ ફૈઝલે પણ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
આ મામલે રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસે ફરિયાદ લઇ આરોપી ફૈઝલ, તેની માતા અને માસા-માસી સામે આઇપીસીની કલમ 376 (2) (દુષ્કર્મ), 323, 504, 114 હેઠળ કેસ દાખલ કર્યો હતો અને ફૈઝલની ધરપકડ કરી લીધી હતી. હાલ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.