Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજકોટની દરગાહમાંથી મળી આવ્યો લાખોની કિંમતનો ગાંજો, મુંજાવર હબીબશાની ધરપકડ

    રાજકોટની દરગાહમાંથી મળી આવ્યો લાખોની કિંમતનો ગાંજો, મુંજાવર હબીબશાની ધરપકડ

    પૂછપરછ કરતાં હબીબશાએ જણાવ્યું હતું કે, તે છેલ્લાં 22 વર્ષથી અહીં જ રહે છે અને દરગાહમાં સેવા આપે છે. જોકે પોલીસે ઓળખ માટે આધાર-પુરાવા માંગતાં તેની પાસે કંઈ ન હોવાનું જણાવ્યું હતું.

    - Advertisement -

    રાજકોટની એક દરગાહમાંથી પોલીસે 24 કિલોગ્રામ ગાંજા સાથે મુંજાવરની ધરપકડ કરી છે. રાજકોટ પોલીસને બાતમી મળ્યા બાદ દરગાહમાં દરોડા પાડ્યા હતા, જ્યાં રહેતા મુંજાવર હબીબશા કાસમશા પસ્તીવાળા પાસેથી ગાંજો મળી આવ્યો હતો. જેને જપ્ત કરી લઈને હબીબશાની ધરપકડ કરી લેવામાં આવી છે. 

    આ મામલે રાજકોટના લોધિકા પોલીસ મથકે FIR દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

    મામલાની વધુ વિગતો એવી છે કે, રાજકોટના લોધિકાના ચીભડા રોડ પર આવેલી હઝરત ઈશરારશાહ વલીની દરગાહમાં ગાંજો રાખવામાં આવતો હોવાની બાતમી મળ્યા બાદ શનિવારે (24 જૂન, 2023) પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ટીમને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. જ્યાં દરગાહમાં જ રહેતા હબીબશા નામના વ્યક્તિના મકાનમાં તપાસ કરતાં પોલીસને એક જગ્યાએથી કોથળામાં ભરેલો માદક પદાર્થ મળી આવ્યો હતો. ઉપરાંત, બીજે એક ઠેકાણેથી એક કોથળો ભરીને તીવ્ર વાસ મારતો માદક પદાર્થ મળી આવ્યો હતો. 

    - Advertisement -

    પકડાયેલા આ પદાર્થની ચકાસણી કરવા માટે FSL અધિકારીને સ્થળ પર બોલાવીને તપાસ કરતાં તે ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ વજન કરતાં પહેલા કોથળાનું વજન 14 કિલોગ્રામ અને બીજાનું વજન 10 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું. જેની બજારની કિંમત આંકતાં 10,000 પ્રતિ કિલોના લેખે કુલ 24 કિલો 615 ગ્રામ ગાંજાના જથ્થાની કિંમત 2,46,150 જાણવા મળી હતી. 

    પોલીસે પૂછપરછ કરતાં હબીબશાએ જણાવ્યું હતું કે, તે છેલ્લાં 22 વર્ષથી અહીં જ રહે છે અને દરગાહમાં સેવા આપે છે. જોકે પોલીસે ઓળખ માટે આધાર-પુરાવા માંગતાં તેની પાસે કંઈ ન હોવાનું જણાવ્યું હતું. દરગાહના વીજ કનેક્શન બાબતે બિલ રજૂ કરવાનું કહેતાં તેણે મીટર કોના નામે છે અને બિલ ક્યાં છે તે બાબતે તેને કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. 

    રાજકોટની દરગાહમાંથી ગાંજા સાથે ઝડપાયેલા હબીબશા પસ્તીવાળાની ધરપકડ કરીને રાજકોટ પોલીસે તેની સામે NDPS એક્ટની કલમ 8(C), 20(b)(2)(C) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ હાલ આ ગાંજો ક્યાંથી આવ્યો અને અન્ય પણ કોઈ વ્યક્તિ આમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે જાણવાના પ્રયાસો કરી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં