Monday, November 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજભા ઝાલાની ઘરવાપસી: આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ ભાજપનો ખેસ...

    રાજભા ઝાલાની ઘરવાપસી: આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ ભાજપનો ખેસ પહેર્યો, કહ્યું- ‘આપ’ કાર્યકરોની લાગણીઓ સાથે રમત રમે છે 

    રાજભા ઝાલાએ આજે ગાંધીનગર સ્થિત કમલમ્ ખાતે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી પાર્ટીમાં ઘરવાપસી કરી લીધી હતી. 

    - Advertisement -

    રાજકોટમાંથી આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝાટકો લાગ્યો છે. પહેલાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજીનામું આપીને પરત કોંગ્રેસમાં ગયા બાદ હવે રાજભા ઝાલાએ પણ ઘરવાપસી કરી લીધી છે. તેઓ થોડા દિવસોથી આમ આદમી પાર્ટીથી નારાજ હતા. ત્યારબાદ પાર્ટીમાંથી રાજીનામું આપીને રાજભા ઝાલા ભાજપમાં સામેલ થઇ ગયા છે.

    રાજભા ઝાલાએ આજે ગાંધીનગર સ્થિત કમલમ્ ખાતે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી પાર્ટીમાં ઘરવાપસી કરી લીધી હતી. 

    ભાજપમાં સામેલ થયા બાદ રાજભા ઝાલાએ કહ્યું કે, હું 18 વર્ષ ભાજપમાં જોડાયેલો રહ્યો અને કામ પણ ખૂબ કર્યું. પરંતુ સંજોગોના કારણે ભારતીય જનતા પાર્ટી છોડી હતી. આ સમયની બલિહારી જ કહેવાય. પરંતુ આજે આનંદનો દિવસ છે. 

    - Advertisement -

    તેમણે આમ આદમી પાર્ટીને લઈને કહ્યું કે, તેઓ મે 2020થી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પણ લડી હતી. ત્યારબાદ પ્રદેશ સંગઠન મંત્રી તેમજ ત્રણ જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી આપવામાં આવી હતી. 

    તેમણે ‘આપ’ પ્રભારી સંદીપ પાઠકને લઈને કહ્યું કે, તેમણે આવીને આખું સંગઠન નિષ્ક્રિય કરી નાંખ્યું અને જેમણે તનતોડ મહેનત કરીને જવાબદારીઓ છીનવી લીધી અને નિષ્ઠાવાન અને જવાબદાર કાર્યકરોને દૂર કરી દીધા. આવું કેમ કર્યું એ હજુ પણ પ્રશ્ન છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓને સાંભળનારું કોઈ નથી અને હજારો કાર્યકર્તાઓ નારાજ છે. 

    ભાજપમાં જોડાવા પૂર્વે તેમણે એક ટ્વિટ પણ કર્યું હતું. તેમણે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓના ટ્વિટર હેન્ડલ ટેગ કરીને લખ્યું કે, 20 મે 2020થી આજ સુધી મારી યાત્રામાં સહયોગ કરનારાઓ તમામનો આભાર અને સૌને પ્રણામ. 

    તાજેતરમાં જ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપ છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો ત્યારબાદ રાજભા ઝાલાએ પણ ખુલીને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આમ આદમી પાર્ટી પર ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આર્થિક ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી જે રીતે નિર્ણયો લઇ રહી છે અને ટિકિટો આપી રહી છે તેને જોતાં લાગે છે કે પાર્ટી જુદી દિશામાં જઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, નવા નેતાઓ આવે એટલે જૂનાને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. અવસરવાદી નીતિ છે અને એમાં હું સેટ ન થઇ શકું. 

    ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે રાજભા ઝાલા પણ પાર્ટી છોડી શકે છે. આખરે તેઓ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા છે. 

    રાજભા ઝાલા અગાઉ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના નેતા રહ્યા હતા. તેઓ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. જોકે, પાર્ટીથી નારાજ થયા થોડાં વર્ષો પહેલાં તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. જોકે, ત્યાંથી પણ બે વર્ષ પહેલાં રાજીનામું આપી દીધું હતું. 

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં મે 2020માં રાજભા ઝાલા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા હતા અને ત્યારબાદ પાર્ટીમાં પણ જોડાઈ ગયા હતા. જોકે, અઢી વર્ષ પાર્ટીમાં રહ્યા બાદ રાજભા ફરી ભારતીય જનતા પાર્ટીમાં પરત ફરી રહ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસમાંથી બે મોટા નેતાઓ ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજભા ઝાલાને પોતાની તરફ કરી લીધા હતા, પરંતુ ચૂંટણી આવતા સુધીમાં બંને નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં