ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજકાલ ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. આ યાત્રા દરમ્યાન તેઓ ગઈકાલે મહારાષ્ટ્રના નાંદેડ ખાતે આવી પહોંચ્યા હતાં. અહીં એક સભાને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ એવા વચનો ઉચ્ચાર્યા હતાં કે જેનાથી મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેના સબંધોમાં કડવાશ આવી શકે છે.
રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં હાલમાં જ ગુજરાતને મળેલા માઈક્રોચીપ પ્રોજેક્ટ ફોક્સકોન અને એરબસના પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એરબસ પ્લેન બનાવે છે અને એ પ્લેન મહારાષ્ટ્રમાં બનવાનું હતું પરંતુ તે ઉડીને ક્યાં જતું રહ્યું તમને ખબર છે?
ત્યારબાદ રાહુલ ગાંધીએ લોકોને પૂછ્યું હતું કે શું તેમની પાસે મોબાઈલ ફોન છે? ત્યારબાદ તેમણે કહ્યું હતું કે આ મોબાઈલ ફોનમાં જે ચીપ આવે છે એ બનાવવાનો ઉદ્યોગ એટલેકે ફોક્સકોન પણ ગુજરાત ચાલ્યો ગયો છે.
#WATCH | Maharashtra: Your projects are going to Gujarat as Airbus project went from Maharashtra because elections are there in Gujarat. Even the Foxconn project went. Apart from money, jobs & future of state's youth are also being snatched: Congress MP Rahul Gandhi in Nanded pic.twitter.com/1NDyEkEyNZ
— ANI (@ANI) November 9, 2022
રાહુલ ગાંધીએ આ બંને ઉદ્યોગો મહારાષ્ટ્રના હોવાનું કહ્યું હતું પરંતુ ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે એટલે તેને ગુજરાત ટ્રાન્સફર કરી દેવાયા હોવાનું કહ્યું હતું. આ બંને પ્રોજેક્ટ્સ મહારાષ્ટ્રમાં હતાં અને ગુજરાતમાં આવ્યા તે હકીકત છે પરંતુ રાહુલ ગાંધીએ જે રીતે આ હકીકતને ટ્વિસ્ટ કરીને કહ્યું તેનાથી મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેના સબંધોમાં કડવાશ આવી શકે છે.
રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું હતું કે આ તમારા પ્રોજેક્ટ્સ હતાં જે ચૂંટણીને લીધે ગુજરાતમાં જતાં રહ્યાં છે. આ રીતે તેઓ મહારાષ્ટ્રના લોકોની ભાવનાને ભડકાવવાનું કાર્ય કદાચ કરી બેઠાં છે. રાહુલ ગાંધી આ રીતે મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકો વચ્ચે કોઈ ખાઈ ઉભી કરવા માંગે છે જેના કારણે તેઓ મહારાષ્ટ્રમાં પોતાની ગુમાવેલી સત્તા પરત મેળવી શકે, પરંતુ જો આમ થયું તો બંને રાજ્યોના લોકો એકબીજાના રાજ્યમાં શાંતિથી રહી નહીં શકે તે સ્પષ્ટ છે.
જો કે રાહુલ ગાંધી મહારાષ્ટ્રના લોકોની લાગણી ભડકાવીને ત્યાં મત મેળવવાનો પ્રયાસ તો કરી રહ્યાં છે પરંતુ તેઓ એ હકીકત ભૂલી ગયાં કે ગુજરાતમાં તો હવે ચૂંટણી આવી પહોંચી છે. આ રીતે તેઓ મહારાષ્ટ્રમાં જઈને ગુજરાત અને ગુજરાતીઓની વિરુદ્ધ ત્યાંના લોકોની લાગણી ભડકાવશે તો ગુજરાતીઓને કોંગ્રેસને મત આપવા માટે મનાવવા અહીં આવશે ત્યારે શું તેઓ તેમના આ કાર્યમાં સફળ થઇ શકશે ખરાં?
એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર નીકળ્યાં છે પરંતુ તેમના વાણી અને વર્તન દ્વારા તેઓ એ જ ભારતના બે સાહસિક રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકો વચ્ચે વેરભાવ ઉત્પન્ન કરવાનો પ્રયાસ ફક્ત તેમનાં ચૂંટણીલક્ષી રાજકારણને ચમકાવવા કરી રહ્યાં છે તેની અસર પણ કદાચ ગુજરાતની આવનારી વિધાનસભાની ચૂંટણીમાં થઇ શકે જે કોંગ્રેસ વિરુદ્ધ જઈ શકે છે.