Wednesday, April 24, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત કોર્ટમાં રાહુલ ગાંધીની અરજી પરની સુનાવણી 21 ઓગસ્ટ સુધી મોકૂફ: માનહાનિ...

  સુરત કોર્ટમાં રાહુલ ગાંધીની અરજી પરની સુનાવણી 21 ઓગસ્ટ સુધી મોકૂફ: માનહાનિ કેસમાં બે વર્ષની સજા મેળવી ચુક્યા છે કોંગ્રેસ નેતા

  કોંગ્રેસ નેતાના વકીલ કિરીટ પાનવાલાએ અરજી કરી હતી કે રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ મળે, જે મંજૂર કરવામાં આવી હતી. બંને વકીલોને સાંભળ્યા બાદ કોર્ટે આગામી સુનાવણી 21 ઓગસ્ટના રોજ નિર્ધારિત કરી છે.

  - Advertisement -

  સુરત કોર્ટે શનિવારે (20 મે 2023) માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની સજાને લઈને અંતિમ અપીલ પરની સુનાવણી 21 ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે. બીજી તરફ રાહુલ ગાંધીના વકીલે અરજી કરી હતી કે કોંગેસ નેતાને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ મળે, જે મંજૂર કરવામાં આવી છે.

  ઉલ્લેખનીય છે કે, 23 માર્ચે સુરત કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ HH વર્માએ રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ પર ટિપ્પણી કરવા બદલ બે વર્ષની સજા ફટકારી હતી. એ પછી ફોજદારી માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની સજાને પડકારવામાં આવી હતી.

  20 એપ્રિલના રોજ સુરત કોર્ટના એડિશનલ સેશન્સ જજ R P મોગરે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અપીલને ફગાવી દીધી હતી. આ મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં ગયો છે.

  - Advertisement -

  શનિવારે રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલા અને પૂર્ણેશ મોદીના વકીલ કેતન રેશમવાલા સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. કિરીટ પાનવાલાએ અરજી કરી હતી કે રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ મળે, જે મંજૂર કરવામાં આવી હતી. બંને વકીલોને સાંભળ્યા બાદ કોર્ટે આગામી સુનાવણી 21 ઓગસ્ટના રોજ નિર્ધારિત કરી છે.

  એડવોકેટ કેતન રેશમવાલાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, “અમે કોર્ટને કહ્યું હતું કે આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં છે અને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમે આશા રાખીએ છીએ કે વેકેશન બાદ કોર્ટ ફરી ખુલે ત્યારે કોઈ નિર્ણય લેવામાં આવશે. સુરત એડિશનલ સેશન્સ જજે આગામી 21 ઓગસ્ટના રોજ કેસની કાર્યવાહી નક્કી કરી છે.”

  ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટ વેકેશન બાદ જૂનના પ્રથમ સપ્તાહમાં રાહુલ ગાંધી માનહાનિ કેસ મામલે સુનાવણી કરવાની છે.

  માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને થઈ છે બે વર્ષની સજા

  રાહુલ ગાંધીને 23 માર્ચ, 2023ના રોજ સુરતની કોર્ટે માનહાનિ કેસમાં બે વર્ષની સજા ફટકારી હતી. વર્ષ 2019માં કર્ણાટકમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે?” ત્યારબાદ તેમણે નિરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદીના નામ લીધાં હતાં.

  તેમની આ ટિપ્પણી બાદ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ IPC કલમ 499 અને 500 હેઠળ રાહુલ ગાંધી સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેનો ચુકાદો ચાર વર્ષ બાદ આવ્યો હતો અને રાહુલને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં સજા પામ્યા બાદ રાહુલ ગાંધી લોકસભાનું સભ્યપદ પણ ગુમાવી બેઠા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં