Friday, May 3, 2024
More
    હોમપેજસ્પેશ્યલઅદાણીની શેલ કંપનીઓમાં 20,000 કરોડ રૂપિયાને લઈને રાહુલ ગાંધીના આક્ષેપો કેટલા સાચા?...

    અદાણીની શેલ કંપનીઓમાં 20,000 કરોડ રૂપિયાને લઈને રાહુલ ગાંધીના આક્ષેપો કેટલા સાચા? ચાલો જાણીએ તથ્યો શું કહે છે

    રાહુલ ગાંધી અદાણી મુદ્દે બોલે એ પહેલા તેમની ટીમે તેમને હકીકતથી વાકેફ નહીં કરાવ્યા હોય? શું રાહુલ ગાંધીએ એ આર્ટિકલ નહીં વાંચ્યો હોય?

    - Advertisement -

    કોંગ્રેસ નેતા અને તાજેતરમાં લોકસભાના સભ્યપદેથી બરખાસ્ત કરવામાં આવેલા રાહુલ ગાંધી અદાણી મુદ્દે સતત એકનો એક સવાલ પૂછી રહ્યા છે- “અદાણીની શેલ કંપનીઓમાં 20,000 કરોડ રૂપિયા કોના છે?”

    બદનક્ષીના કેસમાં સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવા માટે રાહુલ ગાંધી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું ટોળું લઈને પહોંચ્યા હતા. ત્યારબાદ ભાજપે એવો આરોપ મૂક્યો હતો કે, રાહુલ ગાંધી ન્યાયતંત્ર પર દબાણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પત્રકારોએ રાહુલને આ આરોપો અંગે સવાલ પૂછતાં પૂર્વ સાંસદ પત્રકારો પર ભડકી ઉઠ્યા હતા. રાહુલે કહ્યું કે, પત્રકારો શા માટે એ જ પૂછી રહ્યા છે જે બીજેપી પૂછી રહ્યું છે? ખરેખર તો આરોપો અંગે પ્રતિક્રિયા, ટિપ્પણીઓ મેળવવી એ તો પત્રકારોનું કામ છે. રાહુલની આવી વર્તણૂક પર ઘણાં લોકોએ નકારાત્મક પ્રતિક્રિયા આપી છે.

    રાહુલ ગાંધી અદાણી મુદ્દે હંમેશા એ સવાલ કરે છે કે- ‘અદાણીની શેલ કંપનીઓમાં 20,000 કરોડ રૂપિયા કોના પડ્યા છે?’ તેમનો દાવો છે કે આ પૈસા ‘બેનામી’ છે. બેનામી ટ્રાન્ઝેક્શન (પ્રોહિબિશન) એક્ટ, 1988 મુજબ, “બેનામી વ્યવહારો એટલે એવા વ્યવહારો કે જેમાં કોઇ મિલકત જે-તે વ્યક્તિના નામે ખરીદવામાં આવી હોય, પરંતુ તેના અવેજની ચૂકવણી અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ હોય.” ભારતીય કાયદાઓમાં ખાસ કરીને બેનામી વ્યવહારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેમાં જેલ સહિતની સજાની જોગવાઈ છે.

    - Advertisement -

    રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે અદાણી જૂથની શેલ કંપનીઓમાં 20,000 કરોડ રૂપિયાના બેનામી નાણાં છે. ચાલો જાણીએ કે રાહુલે આ ચોક્કસ આંકડો ક્યાંથી મેળવ્યો. કારણ કે, તેમણે કોઈ સોર્સનો ઉલ્લેખ નથી કર્યો અને જો આ પૈસા ખરેખર ક્યાંક પડ્યા છે, તો એ ક્યાંથી આવ્યા હશે?

    23 માર્ચ, 2023ના રોજ રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. 25 માર્ચ, 2023ના રોજ તેમણે ગૌતમ અદાણી પર ભ્રષ્ટાચારી વ્યક્તિ હોવાનો આરોપ મૂકતા તેની કોન્ફરન્સની એક ક્લિપ શેર કરી.

    રાહુલ ગાંધીએ વિવિધ રીતે એ વાત પર ભાર મૂક્યો કે પીએમ મોદી આ ભ્રષ્ટ માણસ (અદાણી)ને ‘બચાવી’ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે, “અમને અદાણીની કંપનીમાં 20,000 કરોડ રૂપિયા બહારથી આવ્યા હોવાનું માલૂમ પડ્યું છે. કોઈ નથી જાણતું કે આ પૈસા કોના છે. તે પૈસા ગૌતમ અદાણીના ન હોય શકે.” તેમણે આરોપ લગાવ્યો હતો કે, અદાણી સાથે પીએમ મોદીના સંબંધોનો પર્દાફાશ થઈ જવાના ડરને લીધે તેમને બદનક્ષીના કેસમાં સજા આપવામાં આવી છે જેથી લોકોનું ધ્યાન અદાણી મુદ્દેથી હટી જાય.

    રાહુલ ગાંધીએ ભલે સ્પષ્ટતા નથી કરી પરંતુ, 20,000 કરોડ રૂપિયા મામલે પીએમ મોદી તેમના નિશાના પર છે તેવું આક્ષેપોથી માલૂમ થાય છે. કોંગ્રેસના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ‘મોદાણી’ શબ્દનો ઉપયોગ કરીને એવું દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે પીએમ મોદી પણ ગૌતમ અદાણી સાથે કોઈ મોટા નાણાકીય કૌભાંડનો ભાગ છે.

    અહીં પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધી પાસે આ 20,000 કરોડનો આંકડો ક્યાંથી આવ્યો? જ્યારે તેઓ આ આક્ષેપો કરે છે ત્યારે આ ચોક્કસ રકમ માટેનો સોર્સ નથી આપતા. થોડું સર્ચ કરતાં ગૂગલ અમને લેફ્ટિસ્ટ પ્રોપેગન્ડા વેબસાઈટ ‘ધ વાયર’ તરફ લઈ ગયું જેણે આ રૂ. 20,000 કરોડના આંકડાનું ‘એક્સપ્લેનર’ આપ્યું હતું. ત્યાં સુધી કોઈને ખબર ન હતી કે આ આંકડો ક્યાંથી આવ્યો. એવું લાગી રહ્યું હતું જાણે ‘ધ વાયર’ રાહુલ ગાંધી વતી ખુલાસો કરવા દોડી આવ્યું હતું, જે કામ અગાઉ રાજદીપ અને રવિશ જેવા લોકો કરતા હતા.

    ફાઈનાન્શિયલ ટાઇમ્સના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, અદાણી સાથે જોડાયેલી ઓફશોર કંપનીઓએ 2017 અને 2022 વચ્ચે જૂથમાં ઓછામાં ઓછા 2.6 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. આ 2.6 અબજ ડોલર એટલે કે રૂ. 20,000 કરોડની રાહુલ ગાંધી વાત કરી રહ્યા છે. આ રિપોર્ટમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના એક સહાયક પ્રોફેસરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમનું કહેવું હતું કે અદાણીના ટ્રાન્ઝેક્શન બહુ જટિલ છે.

    સ્પષ્ટ છે કે પ્રોફેસરે ભારતીય કરવેરાના કાયદા અંગે અભ્યાસ નહીં કર્યો હોય. અહીં કહેવાનો અર્થ એ છે કે, કોઈ વસ્તુ જટિલ હોય, એટલે તે ગેરકાયદેસર હોય તે જરૂરી નથી. FTના રિપોર્ટમાં મહુઆ મોઇત્રાના નિવેદનને પણ ટાંકવામાં આવ્યું છે, જેઓ તાજેતરમાં એસબીઆઈના અદાણી ગ્રુપના એક્સપોઝર વિશે ખોટું બોલતાં પકડાયા હતાં.

    જ્યાં સુધી કોઈ કામ કાયદાના દાયરામાં થતું હોય ત્યાં સુધી અદાણી જે રીતે ઈચ્છે પોતાનો બિઝનેસ ચલાવી શકે છે. વળી, 2.6 અબજ ડોલર ક્યાંથી આવ્યા તેનો ચોક્કસ સોર્સ ખુદ FT પાસે પણ નથી. તેમણે દાવો કર્યો છે કે, આ આંકડો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેટાના વિશ્લેષ્ણ બાદ લેવામાં આવ્યો છે. રાહુલ ગાંધી અને FTનો દાવો આધારવિહીન છે એટલે ઑપઇન્ડિયા પણ તેની ચકાસણી નથી કરી શકતું.

    હવે રાહુલ ગાંધીનો સવાલ એ છે કે આ પૈસા કોના છે. માની લઈએ કે ઓફશોર કંપનીઓ દ્વારા અદાણી જૂથની કંપનીઓને રૂ. 20,000 કરોડ મોકલવામાં આવ્યા હતા. FTના અહેવાલ મુજબ મોટાભાગની શેલ કંપનીઓ કે જે અદાણી જૂથને કથિત રીતે FDI સપ્લાય કરે છે તે અદાણીના ‘પ્રમોટર ગ્રૂપ’ના ભાગ તરીકે જાહેર કરવામાં આવી છે. જેનો અર્થ છે, તે અદાણી અથવા તેના જૂથ સાથે જોડાયેલ છે. તો જો આ રિપોર્ટનું માનીએ તો આ રૂ. 20,000 કરોડનો કાલ્પનિક આંકડો એ અદાણીના પોતાના પૈસા છે?

    રાહુલ ગાંધી અદાણી મુદ્દે બોલે એ પહેલા તેમની ટીમે તેમને હકીકતથી વાકેફ નહીં કરાવ્યા હોય? શું રાહુલ ગાંધીએ એ આર્ટિકલ નહીં વાંચ્યો હોય? અત્રે ફરી નોંધનીય છે કે, ઑપઇન્ડિયા રૂ. 20,000 કરોડના બેનામી પૈસાના રાહુલ ગાંધીના આરોપોનું સમર્થન નથી કરતું.

    રાહુલ ગાંધી અને ચીનના અસ્પષ્ટ સંબંધો

    એ જ પ્રેસ કોન્ફરન્સમાં જ્યાં રાહુલ ગાંધીએ સૌપ્રથમ રૂ. 20,000 કરોડનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેમણે તેમાં ઉલ્લેખ કર્યો હતો કે, “અદાણીની શેલ કંપનીઓમાં રૂ. 20,000 કરોડ અચાનક આવી ગયા છે. પૈસા ક્યાંથી આવ્યા? પૈસા કોના છે? આમાંની કેટલીક કંપનીઓ ડિફેન્સ કંપનીઓ છે. સંરક્ષણ મંત્રાલય સવાલ કેમ નથી કરતું? આ ચાઈનીઝ નેશનલ કોણ છે તે અંગે કોઈ પ્રશ્ન કેમ નથી પૂછતું?”

    રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે અદાણીની શેલ કંપનીઓમાં 20,000 કરોડ રૂપિયા આવી ગયા છે. તેઓ દાવો કરે છે કે પૈસા ક્યાંથી આવ્યા અને કોના છે તે કોઈ જાણતું નથી. રાહુલ કહે છે કે આમાંની કેટલીક કહેવાતી શેલ કંપનીઓ ‘ડિફેન્સ કંપનીઓ’ છે. અને તેમાં એક ચીની નાગરિક પણ સામેલ છે.

    અહીં નોંધો કે રાહુલ ગાંધીએ આક્ષેપો કરતી વખતે બે જુદા-જુદા અહેવાલોને મિક્સ કર્યા છે. શેલ કંપનીઓમાં રૂ. 20,000 કરોડ એ FTનો રિપોર્ટ છે, જ્યારે ચીની નેશનલવાળો આરોપ હિંડનબર્ગ રિપોર્ટમાંથી છે. રાહુલ ગાંધીએ ‘જો તમે કોઈને સમજાવી ન શકો, તો તેને કન્ફયુઝ કરો’ એને પોતાનો મંત્ર બનાવ્યો લાગે છે.

    રાહુલ ગાંધી અદાણી મુદ્દે બોલ્યા એટલે દિલ્હીના સીએમ કેજરીવાલે પણ તેમના વિશેષાધિકારોનો ઉપયોગ કરીને દિલ્હી વિધાનસભામાં કોઈપણ પુરાવા કે તથ્યો વિના પીએમ મોદી પર આક્ષેપો કર્યા હતા. તો ગયા અઠવાડિયે બજેટ સત્ર દરમિયાન વિધાનસભાને સંબોધિત કરતી વખતે કેજરીવાલે દાવો કર્યો હતો કે, પીએમ મોદી ‘ખરા રોકાણકાર’ છે અને આગળ અદાણીનો ચહેરો છે.

    અમે અદાણી જૂથ દ્વારા ડિફેન્સ સેક્ટરમાં થયેલા ઇન્વેસ્ટમેન્ટનું સત્ય રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. 31 માર્ચ, 2022ના રોજ પૂરા થતાં નાણાંકીય વર્ષ માટે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના વાર્ષિક હિસાબોનો સાર નીચે મુજબ છે:

    ડિફેન્સ સેક્ટરમાં અદાણી ગ્રુપનું ઇન્વેસ્ટમેન્ટ

    અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીઝ લિમિટેડમાં અદાણીનું રોકાણ રૂ. 500.85 કરોડ છે, જે રૂ. 20,000 કરોડના લગભગ 0.5% છે.

    અદાણી ડિફેન્સ લોન

    આ ઉપરાંત, અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીઝ લિમિટેડને બાકી લોન પણ શૂન્ય છે. તેથી, અદાણીની પેરેન્ટ કંપનીમાંથી તેની ડિફેન્સ સબસિડિયરીમાં કોઈ નાણાં ખસેડાયા નથી. તો રાહુલ ગાંધી સંરક્ષણ મંત્રાલયને ખરેખર શું જોવા માટે કહે છે?

    ઉપરોક્ત રિપોર્ટનો સાર જણાવીએ તો,

    1. રાહુલ ગાંધી જે મામલે આક્ષેપો કરે છે તે રૂ. 20,000 કરોડનો આંકડો એક FT રિપોર્ટમાંથી લીધેલો છે.

    2. આ આંકડા FT ને કઈ રીતે મળ્યા તેની સ્પષ્ટતા કે સોર્સ ઉપલબ્ધ નથી.

    3. જો આ આંકડો સાચો માનવામાં આવે તો પણ, FT રિપોર્ટમાં જ ઉલ્લેખ છે કે ઓફશોર એકાઉન્ટ્સમાંથી પૈસા અદાણી પ્રમોટર ગ્રુપ પાસેથી આવ્યા હતા.

    4. કોમ્પ્લિકેટેડ ટ્રાન્ઝેક્શનનો અર્થ ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન નથી.

    5. 31 માર્ચ, 2022ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ મુજબ, અદાણી જૂથની ડિફેન્સ સેક્ટરની પેટાકંપની, કે ચાઈનીઝ અથવા અન્ય કોઈમાં નવું રોકાણ નથી થયું.

    6. રાહુલ ગાંધીએ FT અને હિંડનબર્ગમાંથી આંકડા લીધા અને પોતાની કોન્સ્પિરસી થિયરી સાથે રજૂ કર્યા.

    7. અદાણી ગ્રૂપે હિંડનબર્ગ રિપોર્ટના તમામ આરોપોને ફગાવી દીધા છે ત્યારે તેમણે FT રિપોર્ટ પર પ્રતિક્રિયા આપવાનું યોગ્ય ગણ્યું નથી અને જો રાહુલ ગાંધી અને કેજરીવાલની દલીલો ખાતર આપણે આરોપોને સાચા માની પણ લઈએ, તો પણ, બધા પૈસા આખરે અદાણીના પોતાના છે, ‘મોદી’ના નહીં.

    8. રાહુલ ગાંધીએ આવા નાણાકીય અનિયમિતતાના આક્ષેપો મૂકતાં પહેલાં પી ચિદમ્બરમ અને કપિલ સિબ્બલ જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની સલાહ લેવી જોઈએ – જેએનયુમાંથી આફ્રિકન સ્ટડીઝમાં ડોક્ટરેટ થયેલા તેના સોશિયાલીસ્ટ સેવકો એટલા બુદ્ધિશાળી નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં