કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અમેરિકાની (USA) મુલાકાત પર ગયા છે. દર વખતની જેમ આ વખતે પણ તેઓ વિદેશની ધરતી પર જઈને ભારતને બદનામ કરતાં નિવેદનો આપી રહ્યા છે. તેમણે અમેરિકામાં જે લોકો સાથે મુલાકાત કરી છે, તેમાં એક નામ ઈલ્હાન ઉમરનું (Ilhan Omar) પણ છે. ઉમર અમેરિકી સાસંદ છે અને કટ્ટરપંથી ઇસ્લામવાદી તરીકેની તેની ઓળખ છે. તે ભારત અને હિંદુવિરોધી (Anti India) નિવેદનો અને ભડકાઉ ભાષણોને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. રાહુલ ગાંધીએ તેની મુલાકાત લીધા બાદ નવો વિવાદ પણ શરૂ થઈ ગયો છે.
ઈલ્હાન ઉમર અમેરિકી સાંસદોના તે સમૂહનો ભાગ હતી, જેણે વોશિંગ્ટન ડીસીના (Washington, D.C.) રેબર્ન હાઉસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. આ બેઠકનું સંચાલન અમેરિકી સાંસદ બ્રેડલી જેમ્સ શેરમેને કર્યું હતું. ઉમર સિવાય આ બેઠકમાં સાંસદ જોનાથન જેક્સન, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ, બારબરા લી, શ્રી થાનેદાર, જીસસ જી ગ્રાસિયા, હેંક જોન્સન અને જૈન શાકોવસ્કી પણ સામેલ હતા. રાહુલ ગાંધીની ઈલ્હાન ઉમર સાથેની મુલાકાત બાદ એક નવો વિવાદ શરૂ થયો છે. ભાજપ નેતાઓએ રાહુલ ગાંધી પર શાબ્દિક હુમલા પણ કર્યા છે.
ભાજપે રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અમિત માલવિયાએ રાહુલ ગાંધીની ઉમર સાથેની મુલાકાતને લઈને તેમને ઘેર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે કહ્યું છે કે, “નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીએ અમેરિકામાં ઈલ્હાન ઉમર સાથે મુલાકત કરી છે. ઈલ્હાન ભારતવિરોધી, કટ્ટરપંથી ઇસ્લામિક અને આઝાદ કાશ્મીરની સમર્થક છે. આ મુલાકાતને લઈને પાકિસ્તાનના નેતાઓ પણ આશ્ચર્યચકિત થઈ જશે. કોંગ્રેસ હવે ખુલ્લીને ભારતવિરોધી કામ કરી રહી છે.”
India’s Leader of Opposition Rahul Gandhi meets Ilhan Omar in the USA, a Pakistan sponsored anti-India voice, a radical Islamist and an advocate of independent Kashmir.
— Amit Malviya (@amitmalviya) September 11, 2024
Even Pakistani leaders would be more circumspect about being seen with such rabid elements.
Congress is now… pic.twitter.com/kEkNLrXvCV
ભાજપ નેતા નિશિકાંત દુબેએ પણ રાહુલ ગાંધી પર વાર કર્યો હતો. તેમણે કહ્યું કે, “લાલ સર્કલમાં રહેલી આ મહિલા અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીની નેતા ઈલ્હાન ઉમર છે, જે ખાલિસ્તાન અને કાશ્મીરને અલગ દેશ બનાવવાનું ખુલ્લુ સમર્થન કરે છે. હમણાં અમેરિકામાં રાહુલ ગાંધી પણ આ જ એજન્ડાને લઈને સમર્થન એકઠું કરી રહ્યા છે.”
કોણ છે ઈલ્હાન ઉમર?
ઈલ્હાન ઉમર અમેરિકી સાંસદ છે. તે 2019થી અમેરિકી કોંગ્રેસની ડેમોક્રેટ સભ્ય છે. તે પહેલી આફ્રીકી શરણાર્થી છે જે ચૂંટણી જીતીને અમેરિકી સંસદ સુધી પહોંચી હતી. અમેરિકામાં ઇઝરાયેલ અને ભારતવિરોધી વલણ માટે તે કુખ્યાત છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક ચૂંટણી રેલીઓમાં સાર્વજનિક રીતે કહ્યું હતું કે, ઉમરે પોતાના જ સગા ભાઈ સાથે નિકાહ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે, “ઈલ્હાન ઉમરને અમેરિકા, અહીંના શાસન-પ્રશાસન અને અહીંના લોકો પર પણ નફરત છે. તે આપણાં દેશને માત્ર નફરત કરે છે. તે એવી જગ્યા પરથી આવી છે, જ્યાં સરકાર છે જ નહીં અને અહીં આવીને આપણને જ જ્ઞાન આપી રહી છે કે, દેશ કેમ ચલાવવાનો છે.”
આટલું જ નહીં, પરંતુ ટ્રમ્પે એકવાર કહ્યું હતું કે, ઈલ્હાન ઉમરનો બીજો શોહર અહમદ ઈલ્મી અન્ય કોઈ નહીં, પરંતુ તેનો જ સગો ભાઈ છે. મૂળ સોમાલિયાની ઉમર ભારતવિરોધી વલણ માટે જાણીતી છે. 2022માં તેણે PoKની મુલાકાત લીધી હતી અને પાકિસ્તાનની ભરપૂર પ્રશંસા કરી હતી. તે ખાલિસ્તાન અને કાશ્મીરને ‘આઝાદ’ કરનારા લોકોનું ખુલ્લુ સમર્થન કરે છે. વડાપ્રધાન મોદીએ અમેરિકી સંસદમાં આપેલા ભાષણનો પણ તેણે વિરોધ કર્યો હતો.
ઉમર ઘણી વખત વિદેશી મંચો પરથી ભારતવિરોધી ઝેર ઓકતી જોવા મળે છે. તેણે અન્ય દેશોમાં જઈને તેવું પણ કહ્યું હતું કે, ભારતમાં મુસ્લિમ હોવું એક ગુનો છે. ઈલ્હાન ઉમરને મુસ્લિમ દેશોમાં સેલિબ્રિટી તરીકે જોવામાં આવે છે. તેણે અમેરિકી સંસદમાં એક વક્તવ્ય દરમિયાન એવું પણ કહ્યું હતું કે, આખરે ભારતની મોદી સરકાર મુસ્લિમો વિરુદ્ધ કેટલો અત્યાચાર કરશે? તેણે બાયડન પ્રશાસનને કાર્યવાહી માટે પણ કહ્યું હતું.