Sunday, September 8, 2024
More
    હોમપેજરાજકારણરાહુલ ગાંધીએ વાયનાડ છોડ્યું, રાયબરેલીથી રહેશે સાંસદ: પ્રિયંકા ગાંધી વાડ્રાના ભાગે આવી...

    રાહુલ ગાંધીએ વાયનાડ છોડ્યું, રાયબરેલીથી રહેશે સાંસદ: પ્રિયંકા ગાંધી વાડ્રાના ભાગે આવી બેઠક, પહેલીવાર લડશે લોકસભા ચૂંટણી

    મીડિયાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "રાયબરેલી અને વાયનાડના લોકો સાથે મારું દિલથી જોડાણ છે. મારા માટે તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ હતું. પ્રિયંકા ગાંધી હવે વાયનાડથી ચૂંટણી લડશે પરંતુ હું પણ આવતો-જતો રહીશ."

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ અને ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને જીત મેળવી હતી. ત્યારે હવે તેમણે યુપીના રાયબરેલીથી સાંસદ રહેવાનું નક્કી કરીને વાયનાડ સીટ છોડી દીધી છે. વાયનાડની ખાલી પડેલી બેઠક પર હવે પેટા ચૂંટણી કરવામાં આવશે અને કોંગ્રેસ પક્ષે પ્રિયંકા ગાંધી વાડ્રા અહીંથી પ્રથમવાર લોકસભા લડશે. તાજેતરમાં જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ગાંધી પરિવારે મીડિયા સામે માહિતી આપી હતી.

    મીડિયાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “રાયબરેલી અને વાયનાડના લોકો સાથે મારું દિલથી જોડાણ છે. મારા માટે તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ હતું. પ્રિયંકા ગાંધી હવે વાયનાડથી ચૂંટણી લડશે પરંતુ હું પણ આવતો-જતો રહીશ. અમે વાયનાડને આપેલા વચનો પૂરા કરીશું. રાયબરેલી સાથે મારા દિલના સંબંધ છે. વાયનાડના લોકોને લાગે છે કે તેમની પાસે બે સાંસદ છે – એક મારી બહેન છે અને બીજો હું છું. વાયનાડના લોકો માટે મારા દરવાજા હંમેશા ખુલ્લા છે, હું વાયનાડના દરેક વ્યક્તિને પ્રેમ કરું છું.” નોંધનીય છે કે વાયનાડમાં IUML (ઇન્ડીયન યુનિયન મુસ્લિમ લીગ) કોંગ્રેસને સંપૂર્ણ સમર્થન આપે છે અને ત્યાં મુસ્લિમ સમુદાયની વસ્તી પણ સારી એવી છે.

    બીજી તરફ પ્રિયંકા ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે, “હું વાયનાડનું પ્રતિનિધિત્વ કરવા બદલ ખુશ છું. હું રાહુલની ગેરહાજરી નહીં સાલવા દઉં. હું સખત મહેનત કરીશ અને એક સારા પ્રતિનિધિ બનીને તમામને ખુશ રાખવાનો પૂરો પ્રયત્ન કરીશ. રાયબરેલી અને અમેઠી સાથે મારો જૂનો સંબંધ છે અને તેને તોડી શકાય નહીં. હું રાયબરેલીમાં પોતાના ભાઈની મદદ કરીશ અને અમે બંને વાયનાડ અને રાયબરેલીમાં હાજર રહીશું.”

    - Advertisement -

    રાયબરેલીથી રાહુલ ગાંધી 3.90 લાખ મતોના અંતરથી જીત્યા હતા. તેમને 6.87 લાખ મત મળ્યા હતા તો ભાજપના દિનેશ પ્રતિસિંહને 2.97 લાખ મત મળ્યા હતા. રાયબરેલી બેઠક પર નહેરુ-ગાંધી પરિવાર 13 વખત જીતી ચૂક્યો છે. ઈન્દિરા ગાંધી અહીંથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે, જ્યારે તેમના પતિ ફિરોઝ ગાંધી પણ બે વાર જીત્યા હતા. સોનિયા ગાંધી અહીંથી સતત 5 વખત જીત્યા હતા. આ બેઠક 1999થી કોંગ્રેસના કબજામાં છે.

    વાયનાડની વાત કરીએ તો ત્યાં રાહુલ ગાંધી 3.64 લાખ મતોના અંતરથી જીત્યા છે. ગત વખતે તેઓ અહીંથી 4.31 લાખ મતોથી જીત્યા હતા. સીપીઆઈના ઉમેદવાર એની રાજાને રાહુલ ગાંધીની સામે 2.83 લાખ મત મળ્યા હતા. ભાજપના કે સુરેન્દ્રન 1.41 લાખ મતો સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. હવે પ્રિયંકા ગાંધી અહીંથી ચૂંટણી લડશે. વાયનાડ જિલ્લામાં મુસ્લિમોની વસ્તી લગભગ 30 ટકા છે અને તેમનું સમર્થન કોંગ્રેસને વિજય અપાવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં