અર્નાકુલમ કેરળમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રાના ભાગરૂપે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ NDTVનાં એક મહિલા પત્રકારનું અપમાન કર્યું હતું. મહિલા પત્રકારે સવાલ પૂછતાં મૂળ પ્રશ્નનો જવાબ આપવાને બદલે રાહુલ ગાંધી વારંવાર ‘તમારા માલિક બદલાઈ ગયા છે’ કહીને જવાબ આપવાના ટાળતા જોવા મળ્યા હતા.
પત્રકાર પરિષદ દરમિયાન NDTVના મહિલા પત્રકારે રાહુલ ગાંધીને પૂછ્યું હતું કે તેઓ ભારત જોડો યાત્રાની આગેવાની કરી રહ્યા છે, પરંતુ આવનાર કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે શા માટે દાવેદારી નથી નોંધાવી રહ્યા. પરંતુ તેમના પ્રશ્નનો જવાબ આપવાને બદલે રાહુલ ગાંધીએ તેમના ચહેરા પર સ્મિત સાથે ટિપ્પણી કરી હતી કે, મને ખ્યાલ છે ત્યાં સુધી તમારી કંપનીમાં નવા માલિક આવ્યા છે.
જોકે, મહિલા પત્રકાર આ જવાબની અવગણના કરે છે અને પ્રશ્નો પૂછવાનું ચાલુ રાખે છે. પરંતુ રાહુલ ગાંધી તેમનું અપમાન કરવા માટે મક્કમ હોય તેમ બાકીના પ્રશ્નોને અવગણીને ફરી તેમના માલિક વિશે જ પૂછતા જોવા મળે છે.
દરમ્યાન, રાહુલ ગાંધીએ અગાઉના જવાબનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે તેઓ એ વિશે જ વાત કરી રહ્યા છે. અગાઉના જવાબમાં અંબાણી-અદાણી સામેના તેમના આરોપો ચાલુ રાખતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, માત્ર 2-3 મોટા ઉદ્યોગપતિઓ જ બંદરો, એરપોર્ટ વગેરેનાં કામો કરી રહ્યા છે.
आज प्रेस कॉन्फ्रेंस के दौरान राहुल गांधी उद्योगपतियों की मशहूर जोड़ी के बारे में बात कर रहे थे। जब एक चैनल की पत्रकार ने उन्हें टोका तो सुनिये उन्होंने क्या कहा👇 pic.twitter.com/Ab5DmY0RGU
— Aadesh Rawal (@AadeshRawal) September 22, 2022
તેથી જ્યારે એનડીટીવીના રિપોર્ટર દ્વારા આગળનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમને અંબાણી-અદાણીની મજાક ઉડાડવાની એક તક મળી ગઈ હતી. કારણ કે અદાણી જૂથે ગયા મહિને જ એનડીટીવીમાં 29.18% હિસ્સો હસ્તગત કરવાની જાહેરાત કરી હતી, જેની ચર્ચા પણ ખૂબ થઇ હતી. આ 29.18 ટકાનું હસ્તાંતરણ પરોક્ષ રીતે હશે અને જે વિશ્વપ્રધાન કમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેની માલિકી અદાણી એન્ટરપ્રાઈઝની સહયોગી કંપની AMG મીડિયા નેટવર્ક ધરાવે છે.
મહિલા પત્રકાર જે મીડિયા સંસ્થા માટે કામ કરે છે તેના માલિકોને તેઓ નફરત કરતા હોવાનો અહેસાસ કરાવ્યા બાદ રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે, માલિકીથી મોટો ફેર પડે છે. કારણ કે અખબારોની માલિકી કોની છે એ પરથી નક્કી થાય છે કે અખબારો કેવું કામ કરે છે. આમ કહીને તેઓ સંકેત આપી રહ્યા હતા કે એનડીટીવીને અદાણીએ હસ્તગત કર્યા બાદ તેના સંપાદકીય વલણમાં ફેરફાર આવશે.
જ્યારે તેમણે કહ્યું કે તેઓ પ્રશ્ન પર આવી રહ્યા છે, ત્યારે તેમણે વાસ્તવમાં જવાબ આપવાના બદલે NDTV પત્રકાર પર ભારત જોડો યાત્રા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ યાત્રા કોંગ્રેસના લાખો કાર્યકરોની છે, અને તેઓ માત્ર સહભાગી છે. પરંતુ તેમના જેવા પત્રકારો તેમના પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
પછી તેમણે કહ્યું હતું કે, “હું ઉમેદવાર છું કે નહીં તે અંગેનો તમારો પ્રશ્ન અમે જે કરી રહ્યા છીએ તેના પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવ્યો છે. અને હું એ જાળમાં ફસાવાનો નથી. જે બાદ કોંગ્રેસના એક નેતાએ પત્રકારોને રાહુલ ગાંધીની કોંગ્રેસ અધ્યક્ષ પદની ઉમેદવારી વિશે ન પૂછવા માટે કહ્યું હતું અને કહ્યું હતું કે તેઓ પહેલાં જ જવાબ આપી ચૂક્યા છે.
એક પત્રકાર પર તેના એમ્પ્લોયરને સામેલ કરવા બદલ હુમલો કરવો અયોગ્ય છે, કારણ કે પત્રકારનું તે બાબત પર કોઈ નિયંત્રણ હોતું નથી, ખાસ કરીને જ્યારે NDTV લિસ્ટેડ સંસ્થા છે. એનડીટીવીના પ્રમોટર પ્રણય રોય અને તેમનાં પત્ની રાધિકા રોયે એનડીટીવીમાં 29.18% શેર મૂલ્યના વોરંટ જારી કર્યા હતા, અને અદાણી જૂથે વોરંટ ધરાવતી કંપનીને ખરીદી લીધી હતી, અને પછી વોરંટનો અમલ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રમોટરો દ્વારા વ્યાજમુક્ત લોન સામે વોરંટ જારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ વ્યવહારમાં પત્રકારો સહિત મીડિયા હાઉસના કર્મચારીઓની કોઈ ભૂમિકા નથી.