Sunday, September 15, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધીને લોકસભા સચિવાલયે નોટિસ ફટકારી, 15મી સુધીમાં જવાબ આપવા ફરમાન: પીએમ...

    રાહુલ ગાંધીને લોકસભા સચિવાલયે નોટિસ ફટકારી, 15મી સુધીમાં જવાબ આપવા ફરમાન: પીએમ મોદી વિશે કરી હતી અસંસદીય ટિપ્પણીઓ 

    સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને નિયમ 380 હેઠળ રાહુલ ગાંધીના અસંસદીય અને અપમાનજનક આરોપોને ગૃહના રેકોર્ડ પરથી હટાવવાની માંગ કરી હતી. 

    - Advertisement -

    સંસદના બજેટ સત્ર દરમિયાન લોકસભામાં બોલતી વખતે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરેલી ટિપ્પણીઓ હવે તેમના માટે મુશ્કેલી બની છે. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને એક નોટિસ જારી કરી છે અને 15 ફેબ્રુઆરી સુધીમાં જવાબ દાખલ કરવા માટે કહ્યું છે. 

    ભાજપ સાંસદોએ રાહુલ ગાંધી વિરુદ્ધ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર બોલતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખોટા, અસંસદીય અને અપમાનજનક તથ્યો રજૂ કરવાનો આરોપ લગાવ્યો હતો.

    રાહુલ ગાંધીના ભાષણને લઈને ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ વિશેષાધિકાર હનન નોટિસ જારી કરી હતી. બીજી તરફ, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને નિયમ 380 હેઠળ રાહુલ ગાંધીના અસંસદીય અને અપમાનજનક આરોપોને ગૃહના રેકોર્ડ પરથી હટાવવાની માંગ કરી હતી. 

    - Advertisement -

    નોટિસ મામલે હવે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને ઈ-મેઈલ મોકલીને 15 ફેબ્રુઆરી સુધીમાં જવાબ દાખલ કરવા માટે જણાવ્યું છે. 

    લોકસભા અધ્યક્ષને લખેલા પત્રમાં ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ રાહુલ ગાંધી ઉપર ગૃહને ભ્રમિત કરવાનો અને કોઈ પણ દસ્તાવેજી પુરાવાઓ વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આરોપ લગાવવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે પત્રમાં લખ્યું હતું કે, લોકસભામાં  રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર બોલતી વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન વિરુદ્ધ અસત્ય, અપમાનજનક અને માનહાનિ થાય તેવાં નિવેદનો આપ્યાં હતાં અને આ માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવી ન હતી. 

    તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ તેમનાં નિવેદનો પુરવાર કરવા માટે કોઈ દસ્તાવેજી પુરાવાઓ આપ્યા ન હતા અને ગૃહને ગેરમાર્ગે દોર્યું હતું. તેમણે આ વર્તનને ગૃહની અવમાનનાનો મામલો ગણાવીને કહ્યું કે તે ગૃહ અને તેના સભ્યોના વિશેષાધિકારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે જેથી આ વિશેષાધિકારના હનન બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. 

    અહીં ઉલ્લેખનીય છે કે મંગળવારે (7 ફેબ્રુઆરી, 2023) લોકસભામાં બોલતી વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકાર વિરુદ્ધ અનેક આરોપો લગાવ્યા હતા અને ઉદ્યોગ સમૂહ અદાણી ઉપર અમેરિકી ફર્મ હિંડનબર્ગના રિપોર્ટને લઈને સરકાર પર આક્ષેપો કર્યા હતા. જોકે, પછીથી ભાજપ તરફથી પણ પલટવાર કરવામાં આવ્યો હતો તો બીજા દિવસે વડાપ્રધાને પણ લોકસભામાં ભાષણ આપ્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં