Sunday, April 28, 2024
More
    હોમપેજદેશ'હજુ અમે આલુ-સોના પચાવી નથી શક્યા... હોશમાં તો છોને?": સ્ટવમાં કોલસા નાખીને...

    ‘હજુ અમે આલુ-સોના પચાવી નથી શક્યા… હોશમાં તો છોને?”: સ્ટવમાં કોલસા નાખીને ચા બનાવવાની નવી રેસિપી આપતા રાહુલ ગાંધી પર આસામના CM હિમંતા બિસ્વાના ચાબખા

    આ પહેલી વાર નથી કે રાહુલ ગાંધી પોતાના કોઇ નિવેદનને લઈને હાંસીને પાત્ર બન્યા હોય. આ પહેલા પણ અનેકવાર આવું થઈ ચૂક્યું છે. જેમાં તેમના 'આલુ-સોના' વાળા નિવેદનને નેટીઝન્સ હંમેશા યાદ કરતા હોય છે.

    - Advertisement -

    હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાની ભારત જોડો ન્યાય યાત્રા સાથે ભારતના ઉત્તર-પૂર્વી રાજ્યોમાં પ્રવાસ કરી રહ્યા છે. જેમાં બુધવાર, 24 જાન્યુઆરીના રોજ આસામની એક સભામાં તેઓએ એક એવું નિવેદન આપ્યું કે જેનાથી તેમની ભારે ઠેકડી ઊડી રહી છે. વાઇરલ થઈ રહેલા એક વિડીયોમાં રાહુલ ગાંધી ચા બનાવવા સ્ટવમાં કોલસા મૂકવાની વાત કરી રહ્યા છે. જેને લઈને આસામના CM હિમંતા બિસ્વા તેમને પૂછી રહ્યા છે કે, “ભાઈ હોશમાં તો છો ને?”

    આખી વાત એમ છે કે પોતાની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કે જેઓ અવારનવાર પોતાના અણગઢ નિવેદનોને લઈને હાંસીને પાત્ર બનતા હોય છે, તેઓ એક સભા સંબોધી રહ્યા હતા. જેમાં તેઓ લોકોને ચા બનાવવાની રીત સમજાવી રહ્યા હતા. તેઓ કહેતા સંભળાય છે કે, “સવારે ઊઠો છો. ચા ગરમ કરવા માટે સ્ટવમાં કોલસા નાખો છો. તેને સળગાવો છો.”

    હવે તેમના આ જ નિવેદનને લઈને ફરી એકવાર તેઓની સોશિયલ મીડિયામાં ભારે મજાક ઉડી રહી છે. નોંધનીય છે કે સ્ટવ મોટા ભાગે ગેસ કે પેટ્રોલથી ચાલતો હોય છે, તેમા કોલસો નાખવાની જરૂર નથી હોતી. કોલસો ચૂલામાં વાપરવામાં આવે છે.

    - Advertisement -

    આસામના CM હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધીના આ જ વિડીયો સાથે લખ્યું છે કે, “સ્ટવ પર કોલસો? તમારી બટાકામાંથી સોનુ બનાવવાની વાત હજુ અમે પચાવી નથી શક્યા ત્યાં તમે સ્ટવમાં કોલસો નાખીને અમને ભારે અચરજમાં મૂકી દીધા છે. આપ હોશમાં તો છો ને?”

    આ સાથે જ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ વિડીયો સાથે પોતાના અવનવા પ્રતિભાવો જોડીને રાહુલ ગાંધીને ટાંક્યા હતા. @Atheist_Krishna નામના X એકાઉન્ટે રાહુલ ગાંધીના વિડીયો સાથે તેઓ જે બોલી રહ્યા છે તેનું ચિત્ર તૈયાર કર્યું હતું જેમાં એક સ્ટવ પર કોલસો મૂકીને તેને સળગાવવામાં આવે છે.

    નેટિઝન્સે યાદ કરી રાહુલ ગાંધીની આલુ-સોના મશીન

    આ પહેલી વાર નથી કે રાહુલ ગાંધી પોતાના કોઇ નિવેદનને લઈને હાંસીને પાત્ર બન્યા હોય. આ પહેલા પણ અનેકવાર આવું થઈ ચૂક્યું છે. જેમાં તેમના ‘આલુ-સોના’ વાળા નિવેદનને નેટીઝન્સ હંમેશા યાદ કરતા હોય છે.

    2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના પાટણમાં એક ચૂંટણી સભા સંબોધતા રાહુલ ગાંધીએ આ વાઇરલ નિવેદન આપ્યું હતું.

    તેઓ કહેતા સંભળાય છે કે, “એવું મશીન લગાવીશ… આ બાજુથી બટાકા નાખવાના, પેલી બાજુથી સોનુ નીકળશે. આ બાજુથી બટાકા નાખો, પેલી બાજુથી સોનુ કાઢો. એટલા રૂપિયા બનશે કે તમને ખબર પણ નહીં પડે કે શું કરવાનુ પૈસાનું.”

    હવે જેમ જેમ 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેટીઝન્સ આશા રાખી રહ્યા છે કે રાહુલ ગાંધી વધુને વધુ જનસભાઓ અને ભાષણો કરશે. સાથે એ પણ શંકા સેવાઇ રહી છે કે તેઓ પોતાના સ્વભાવ મુજબ હજુ આવા અનેક નિવેદનો આપશે જેને લઈને તેઓ હાંસીને પાત્ર બની શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં