Monday, April 29, 2024
More
    હોમપેજદુનિયાકતારની જેલમાં બંધ ભારતીય નૌસેનાના 8 પૂર્વ અધિકારીઓને મૃત્યુદંડ, વિદેશ મંત્રાલયે કહ્યું-...

    કતારની જેલમાં બંધ ભારતીય નૌસેનાના 8 પૂર્વ અધિકારીઓને મૃત્યુદંડ, વિદેશ મંત્રાલયે કહ્યું- કાયદાકીય વિકલ્પો તપાસવામાં આવી રહ્યા છે, તમામ મદદ માટે તૈયાર

    મૃત્યુદંડની સજા આઘાતજનક છે અને અમે વિગતવાર ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ. અમે તેમના પરિવાર અને લીગલ ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાયદાકીય વિકલ્પો અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે: વિદેશ મંત્રાલય

    - Advertisement -

    કતારની કોર્ટે ત્યાંની જેલમાં બંધ 8 ભારતીયોને મોતની સજા સંભળાવી છે. આ તમામ ઈન્ડિયન નેવીના પૂર્વ અધિકારીઓ હોવાનું કહેવાય છે. જેમને ઑગસ્ટ, 2022માં પકડી લેવામાં આવ્યા હતા. ભારત સરકારે આ ચુકાદાની પુષ્ટિ કરી છે અને આઘાત વ્યકત કરીને કહ્યું છે કે અમે તમામ કાયદાકીય વિકલ્પો વિશે વિચાર કરી રહ્યા છીએ. 

    ભારત સરકારના વિદેશ મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું કે, “અમારી પાસે પ્રાથમિક માહિતી છે કે કતારની કોર્ટે આજે અલ-દાહરા કંપનીના 8 ભારતીય કર્મચારીઓને સાંકળતા એક કેસમાં ચુકાદો આપ્યો છે. મૃત્યુદંડની સજા આઘાતજનક છે અને અમે વિગતવાર ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ. અમે તેમના પરિવાર અને લીગલ ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાયદાકીય વિકલ્પો અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.” 

    મંત્રાલયે લખ્યું કે, “આ કેસને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને અમે નજીકથી તમામ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ. અમે તમામ સલાહકારી અને કાયદાકીય મદદ આપવાનું ચાલુ રાખીશું તેમજ આ મુદ્દો કતારની સરકાર સામે પણ ઉઠાવવામાં આવશે.” આગળ મંત્રાલયે કહ્યું કે, કેસની કાર્યવાહી અંગેની ગોપનીય બાબતોને કારણે આ તબક્કે આ મુદ્દે વધુ કંઈ પણ કહેવું યોગ્ય રહેશે નહીં.

    - Advertisement -

    કતારની એક કંપનીમાં કામ કરતા હતા, કથિત જાસૂસીના આરોપમાં થઈ હતી ધરપકડ

    મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ તમામ ભારતીયો કતારની દાહરા ગ્લોબલ ટેક્નોલૉજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસમાં કામ કરતા હતા. આ એક ખાનગી કંપની છે, જે કતારની સેનાને ટ્રેનિંગ સહિતની સેવાઓ પૂરી પાડે છે. તમામની ધરપકડ ઓગસ્ટ, 2022માં કરવામાં આવી હતી. તેમની ઉપર જાસૂસીનો આરોપ હોવાનું કહેવાય છે પરંતુ આ અંગે કતાર કે ભારતીય સરકારોએ કોઈ ફોડ પાડ્યો નથી. 

    ધરપકડ બાદથી તેઓ કતારની જેલમાં જ બંધ છે. તેઓ અગાઉ ઘણી વખત જામીન અરજી મૂકી ચૂક્યા છે, પરંતુ તમામ રદ થઈ ચૂકી છે. 

    આ કેસમાં અંતિમ સુનાવણી ગત 3 ઓક્ટોબરના રોજ થઈ હતી. ત્યારબાદ 19 ઓક્ટોબરના રોજ વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ કેસનો ચુકાદો આ જ મહિને આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, 1 ઓક્ટોબરના રોજ કતારમાં ભારતના રાજદૂત અને તેમના ડેપ્યુટી આ 8 ભારતીયોને મળ્યા હતા. તે સમયે પણ મંત્રાલયે કહ્યું હતું કે, તેઓ સતત પરિવારોના સંપર્કમાં છે અને તમામ પ્રકારની મદદ આપવામાં આવી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં