Saturday, October 5, 2024
More
    હોમપેજરાજકારણદેવામાં ડૂબ્યું પંજાબ અને CM ભગવંત માનને જોઈએ છે 10 સીટર વિમાન....:...

    દેવામાં ડૂબ્યું પંજાબ અને CM ભગવંત માનને જોઈએ છે 10 સીટર વિમાન….: RTI એક્ટિવિસ્ટે શૅર કરી જાણકારી તો પોલીસે કર્યું દબાણ

    ટેન્ડર અંતર્ગત જણાવવામાં આવ્યું હતું કે પંજાબના VVIPની મુસાફરીમાં 6 મહિનાના ઉપયોગ માટે ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ જરૂરી છે. આ વિમાન 8-10 સીટવાળું હોવું જોઈએ. વિમાનને વેટ લીઝ પર લેવામાં આવશે.

    - Advertisement -

    આર્થિક સંકટોનો સામનો કરી રહેલા સરહદી રાજ્ય પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પોતાની સુખ-સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. પ્રદેશની આમ આદમી પાર્ટીની સરકારે CM માનના ઉપયોગ માટે 8-10 સીટર વિમાન લીઝ પર લેવા માટે એક ટેન્ડર બહાર પાડ્યું છે. બીજી તરફ, ભગવંત માનના આ એશ-ઓ-આરામનો ખુલાસો કરનારાઓને પંજાબ પોલીસ ધમકાવી રહી છે. સોશિયલ મીડિયા પરથી આ માહિતી હટાવવા માટે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ પ્રશાસન અને સરકારી નાણાના આ બેફામ દુરુપયોગની ચારેબાજુ ટીકા થઈ રહી છે.

    શું છે સમગ્ર મામલો?

    પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે 25 ઓગસ્ટ, 2023ના રોજ રાજ્યના ટેન્ડર પોર્ટલ પર ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં રાજ્યના VVIP વ્યક્તિઓ માટે લીઝ પર વિમાન લેવાનું જણાવવામાં આવ્યું હતું. આ માટે ટેન્ડર સબમિટ કરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર, 2023 નક્કી કરવામાં આવી હતી. ટેન્ડર અંતર્ગત જણાવવામાં આવ્યું હતું કે પંજાબના VVIPની મુસાફરીમાં 6 મહિનાના ઉપયોગ માટે ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ જરૂરી છે. આ વિમાન 8-10 સીટવાળું હોવું જોઈએ. વિમાનને વેટ લીઝ પર લેવામાં આવશે.

    વેટ લીઝની વ્યવસ્થા હેઠળ વિમાન લીઝ પર આપતી કંપની તેની જાળવણી કરશે અને તેના માટે ગ્રાઉન્ડ સ્ટાફ પણ આપશે. જોકે, વિમાનના પાઈલોટ અને અન્ય ક્રૂ પંજાબ સરકાર પાસે રહેશે.

    - Advertisement -

    પંજાબ સરકાર પાસે પહેલેથી જ હેલિકોપ્ટર છે, જેનો ઉપયોગ ભગવંત માન કરે છે. સીએમ માન સિવાય અત્યાર સુધી પંજાબના ગવર્નર પણ તેનો ઉપયોગ કરતા હતા, પરંતુ જૂન મહિનામાં રાજ્યપાલ અને આમ આદમી પાર્ટીની સરકાર વચ્ચેના વિવાદ બાદ તેમણે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

    પંજાબમાં માત્ર 23 જિલ્લા છે અને એક નાનું રાજ્ય છે, જ્યાં હેલિકોપ્ટરની મદદથી તમામ સ્થળોએ પહોંચી શકાય છે. આવી સ્થિતિમાં ખાનગી વિમાન લીઝ પર લેવું એ જનતાના પૈસાનો દુરુપયોગ છે તેવું ઘણા લોકો માને છે. આ દુરુપયોગ પણ એવી સ્થિતિમાં કરવામાં આવી રહ્યો છે જ્યારે પંજાબ ભારે આર્થિક સંકટોનો સામનો કરી રહ્યું છે.

    પોલ ખૂલતાં ટેન્ડર હટાવાયું, પંજાબ પોલીસે આપી ધમકી

    જ્યારે લોકોએ AAP સરકાર દ્વારા પૈસાના વેડફાટની પોલ ખોલવાનું શરૂ કર્યું તો પંજાબ પોલીસે તેમને ધમકાવવાનું શરૂ કરી દીધું. એટલું જ નહીં વેબસાઈટ પરથી ટેન્ડર પણ હટાવી લેવામાં આવ્યું. જ્યારે એક સામાજિક કાર્યકર માનિક ગોયલે X પર આ મુદ્દો ઉઠાવ્યો, ત્યારે પંજાબ પોલીસ તેમને પણ ધમકાવવા લાગી. માનિક ગોયલે ટેન્ડર પેપર્સ શેર કર્યા ત્યારે પંજાબ પોલીસે તેને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓની સુરક્ષા સાથે સંબંધિત મામલો ગણાવ્યો અને તેને ટ્વિટ ડિલીટ કરવા કહ્યું. પંજાબ પોલીસે એમ પણ કહ્યું કે આ દસ્તાવેજને સાર્વજનિક ન કરવા જોઈએ.

    RTI કાર્યકર્તાને ટ્વિટ હટાવવા માટે કહેતી પંજાબ પોલીસ

    પંજાબ પોલીસના આ વલણની પણ ખૂબ ટીકા થઈ રહી છે. લોકોએ પૂછ્યું કે જ્યારે આ દસ્તાવેજો પબ્લિક વેબસાઈટ પર પહેલાંથી જ ઉપલબ્ધ છે, તો પછી આ સુરક્ષાનો મામલો કેવી રીતે બન્યો અને પંજાબ પોલીસને આ સમગ્ર મામલામાં શું લેવાદેવા છે.

    આ વાતનો ખુલાસો કરતાં માનિક ગોયલે પંજાબ પોલીસને જવાબ આપતા કહ્યું કે આ એવી માહિતી નથી કે જેને સાર્વજનિક ન કરી શકાય. માનિક ગોયલે પંજાબ પોલીસને અન્ય લોકોને સૂચના આપતાં પહેલાં એક વખત પોતાની સરકારની વેબસાઈટ તપાસવાની સલાહ પણ આપી હતી.

    અરવિંદ કેજરીવાલ માટે થશે વિમાનનો ઉપયોગ

    આ મામલાને ઉજાગર કરનાર માનિક ગોયલે આરોપ લગાવ્યો છે કે લીઝ પર લેવામાં આવનાર આ વિમાનનો ઉપયોગ અરવિંદ કેજરીવાલ આગામી સમયમાં વિવિધ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓમાં કરશે. તેમણે કહ્યું કે જ્યારે રાજ્ય સરકાર પાસે પોતાનું હેલિકોપ્ટર છે તો પછી વિમાનની શું જરૂર છે. માનિક ગોયલે લખ્યું કે પંજાબ સરકાર વિમાન લીઝ પર લઈ રહી છે કે જેથી અરવિંદ કેજરીવાલને ચૂંટણી રાજ્યોમાં મોકલી શકાય. આનો અર્થ એ થશે કે પંજાબના લોકો આડકતરી રીતે આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચારને આર્થિક રીતે સહન કરશે, જ્યારે કેજરીવાલને પંજાબ સાથે કશું લાગતું-વળગતું નથી.

    સામાજીક કાર્યકર્તા માનિક ગોયલે આરોપ લગાવ્યો કે જેઓ આમ આદમી (સામાન્ય લોકો) હોવાનો દાવો કરતા હતા અને સરકારી વાહનોનો ઉપયોગ નહીં કરવાનું વચન આપતા હતા તેઓ આજે ખાનગી વિમાન લીઝ પર લઈ રહ્યા છે.

    ગયા વર્ષે પણ આમ આદમી પાર્ટીની સરકારે આવી જ યોજના બનાવી હતી. જેમાં દસૌ કંપનીના ફાલ્કન વિમાનને સ્થાયી લીઝ પર લેવાનો સમાવેશ થાય છે, જેથી રાજ્યના મુખ્યમંત્રીને આવવા-જવામાં સરળતા રહે. જોકે, વિપક્ષના વિરોધના કારણે આ યોજનાને પડતી મૂકવામાં આવી હતી.

    ખરાબ છે પંજાબની આર્થિક સ્થિતિ, પણ નથી અટકતા શાહી ખર્ચાઓ

    એક તરફ આમ આદમી પાર્ટીની સરકાર વિમાનને લીઝ પર લેવા માંગે છે તો બીજી તરફ રાજ્યની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે. લોકસભામાં આપેલા એક ઉત્તરમાં જણાવવામાં આવ્યું હતું કે પંજાબ પર હાલમાં 3.05 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.

    ભગવંત માનની સરકાર સત્તામાં આવી તે પહેલાં આ દેવું 2.59 લાખ કરોડ રૂપિયા હતું. નાણાકીય વર્ષ 2021-22 અને 2022-23માં તે 8% અને 8.9%ના દરે વધ્યું છે. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે પાંજબનું દેવું તેના GSDP (ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના 48% છે, જે ચિંતાજનક છે. સામાન્ય રીતે તે 20%થી 25% હોવું જોઈએ.

    ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલાં જ પંજાબના ગવર્નરે મુખ્યમંત્રી માનને પત્ર લખીને કહ્યું હતું કે તેમના શાસન હેઠળ પંજાબ પર 50 હજાર કરોડનું દેવું વધ્યું છે. આ પૈસા ક્યાં વાપરવામાં આવ્યા તેની વિગતો આપવામાં આવે. વાસ્તવમાં સીએમ ભગવંત માને રાજ્યપાલને પત્ર લખીને કેન્દ્ર સરકાર તરફથી ભંડોળ મેળવવા માટે રજૂઆત કરવાની માંગ કરી હતી, જેના જવાબમાં રાજ્યપાલે તેમને રાજ્ય પર વધતા દેવાની યાદ અપાવી અને કહ્યું કે, આ ખર્ચની વિગતો આપવામાં આવે જેથી તેઓ વડાપ્રધાનને જણાવી શકે કે પૈસા યોગ્ય જગ્યાએ વપરાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં