Monday, April 22, 2024
More
  હોમપેજગુજરાતવડાપ્રધાન મોદી 27-28 જુલાઈએ ગુજરાત પ્રવાસે: રાજ્યને મળશે ATMP ક્ષેત્રે આગવું સ્થાન,...

  વડાપ્રધાન મોદી 27-28 જુલાઈએ ગુજરાત પ્રવાસે: રાજ્યને મળશે ATMP ક્ષેત્રે આગવું સ્થાન, રાજકોટને હીરાસર એરપોર્ટ અને સૌરાષ્ટ્રને મળશે ‘સૌની યોજના લિંક 3’નો લાભ

  વડાપ્રધાન મોદી 27 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસ દરમિયાન ગ્રીનફિલ્ડ એરપોર્ટ ઉપરાંત સૌરાષ્ટ્રને 'સૌની યોજના' હેઠળ લિંક-3 પેકેજ 8 અને પેકેજ 9 સૌરાષ્ટ્રની જનતાને સોંપવાના છે. સૌની યોજના (SAUNI) એટલે કે 'સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના'. આ યોજનાથી 1 મિલિયન એકર ફિટ પાણી સૌરાષ્ટ્રના 11 દુકાળગ્રસ્ત જિલ્લાઓ સહિત 115 જળાશયો સુધી પાણી પહોંચાડવાની છે.

  - Advertisement -

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 અને 28 તારીખે એટલે કે ગુરુવાર અને શુક્રવારે ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન ગુજરાતભરને વિવિધ વિકાસકાર્યોનો લાભ મળશે. ગુજરાત સરકાર સહિત ભાજપ પક્ષમાં પણ વડાપ્રધાનના સ્વાગત હેતુ વિવિધ તૈયારીઓ અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન ગુરુવારે રાજસ્થાનના સીકર થઈને ગુજરાતમાં રાજકોટ, સાણંદ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે.

  અહેવાલો મુજબ, વડાપ્રધાન મોદી ગુજરાત આવતા પહેલા દિલ્હીથી રાજસ્થાનના સીકરમાં નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપી જાહેરસભા પણ સંબોધશે. ત્યારબાદ તેઓ ગુરુવારે બપોરે ગુજરાતના રાજકોટ ખાતે આવી પહોંચે તેવી સંભાવનાઓ છે. તેઓ સૌપ્રથમ રાજકોટ ખાતે ગુજરાતને આંતરરાષ્ટ્રીય કક્ષાની વિશેષ સુવિધાઓ ધરાવતું હીરાસર ઇન્ટરનેશનલ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ઉદઘાટન કરવાના છે. આ એરપોર્ટ ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હશે, જેને 1405 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.

  આ એરપોર્ટ પિક અવર્સમાં દર કલાકે આશરે 1280 પ્રવાસીઓનું હેન્ડલિંગ કરી શકે તેવી સક્ષમતા ધરાવે છે. આ એરપોર્ટ દ્વારા સૌથી મોટો ફાયદો સૌરાષ્ટ્રના પોરબંદર, કચ્છ, મોરબી અને જૂનાગઢના પ્રવાસીઓને થવાનો છે. આ પ્રવાસીઓને આગામી સમયમાં અમદાવાદ સુધી ફ્લાઇટ માટે નહીં જવું પડે. આ દરમિયાન વડાપ્રધાન મોદી રાજકોટના કે.કે.વી. બ્રીજનું લોકાર્પણ કરવાના છે.

  - Advertisement -

  સૌરાષ્ટ્રને મળશે ‘સૌની યોજના’ લિંક 3

  વડાપ્રધાન મોદી 27 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસ દરમિયાન ગ્રીનફિલ્ડ એરપોર્ટ ઉપરાંત સૌરાષ્ટ્રને ‘સૌની યોજના’ હેઠળ લિંક-3 પેકેજ 8 અને પેકેજ 9 સૌરાષ્ટ્રની જનતાને સોંપવાના છે. સૌની યોજના (SAUNI) એટલે કે ‘સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના’. આ યોજનાથી 1 મિલિયન એકર ફિટ પાણી સૌરાષ્ટ્રના 11 દુકાળગ્રસ્ત જિલ્લાઓ સહિત 115 જળાશયો સુધી પાણી પહોંચાડવાની છે. આ યોજનાથી સૌરાષ્ટ્રના 95થી વધુ ગામો સહીત 52,398 એકર જમીન અને 98 હજારથી વધુ લોકોને થશે લાભ. આ પ્રોજેક્ટ રૂ. 265 કરોડના ખર્ચે તૈયાર થશે અને લોકોને પીવા માટે નર્મદાનું પાણી મળતું થવાનું છે.

  વડાપ્રધાન મોદી રાજકોટ ખાતે સૌની યોજના લિંક-3 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે
  સૌની યોજના લિંક-3 (ફોટો સાભાર: ઈટીવી ભારત)

  સૌની યોજના‘ સૌરાષ્ટ્ર માટે જીવાદોરી સાબિત થવાની છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “SAUNI યોજના એ વડાપ્રધાન મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. જયારે તેઓ મુખ્યમંત્રી હતા તે સમયે તેમને આ પ્રોજેક્ટની પરિકલ્પના કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત  છેલ્લા 7 વર્ષોમાં 1203 કિલોમીટર પાઇપલાઇન બિછાવવામાં આવી છે અને 95 જળાશયો, 146 ગામોના તળાવો અને 927 ચેકડેમોમાં કુલ અંદાજિત 71,206 મિલિયન ક્યુબિક ફીટ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેનાથી લગભગ 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઇની સુવિધાઓમાં સુધાર થયો છે અને લગભગ 80 લાખની વસ્તીને મા નર્મદા થકી પીવાનું પાણી ઘરે-ઘરે પહોંચતું થયું છે.”

  લોકાર્પણ કાર્યક્રમો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે રેસકોર્સ મેદાનમાં હજારો લોકોની સભા સંબોધશે. ત્યારબાદ સ્થાનિક નેતાઓ સાથે ઔપચારિક મુલાકાત બાદ ગાંધીનગર જવા રવાના થશે અને રાત્રિરોકાણ પણ ગાંધીનગર રાજભવન ખાતે કરશે.

  ગાંધીનગરમાં સેમિકોન ઇન્ડિયા 2023ને ખુલ્લું મુકશે

  મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીએ ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઈન્ડિયા 2023‘ કાર્યક્રમનું ઉદ્ઘાટન પણ કરશે. ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા સેમિકન્ડક્ટર ક્ષેત્રને વેગ આપવા હેતુ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને વેગ આપવા માટે સેમિકન્ડક્ટર પોલિસીની જાહેરાત કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. 

  આ કાર્યક્રમમાં ભારત સરકાર વતી રેલ્વે અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ, વિદેશ મંત્રી એસ જયશંકર અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત એસટી માઈક્રોઈલેક્ટ્રોનિક્સ, ગ્રાન્ટવુડ ટેક્નોલોજીસ, એનએક્સપી સેમિકન્ડક્ટર્સ, આઈબીએમ, ફોક્સકોન, માઈક્રોન જેવી વિવિધ જાણીતી કંપનીઓ હાજર રહેશે. આ કાર્યક્રમમાં વિશ્વભર માંથી સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઈન, એસેમ્બલીંગના ક્ષેત્રમાં અનુભવ ધરાવતા નિષ્ણાંતો હાજર રહેશે. સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા સેમિકન્ડક્ટર નીતિ (2022-2027) જાહેર કરવામાં આવી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં